Advertisement
Author: નોબત સમાચાર

ક્રીમીલેયર મામલે ચુકાદા પર સ્ટે આપવાનો સુપ્રિમ કોર્ટનો ઈનકારઃ ૧૭ સપ્ટેમ્બરે સુનાવણી

કેન્દ્ર સરકારને ઝટકો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: સુપ્રિમ કોર્ટે ઓબીસી ક્રીમીલેયર મામલે કેન્દ્ર સરકારને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે પોતાના ૧૧ માર્ચના ચુકાદાના અમલ પર રોક લગાવવાની કેન્દ્રની વિનંતી ફગાવી દીધી છે. જસ્ટિસ પી.એસ. નરસિંહાની બેંચે જણાવ્યું કે, માત્ર પગારના આધારે અનામત રદ ન કરી શકાય. આ નિર્ણયથી યુપીએસસી- ૨૦૨૫ ભરતી પ્રક્રિયા અને ૧૮ રાજ્યોને અસર થશે. હવે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના વધુ સુનાવણી થશે.

ઓબીસી ક્રીમીલેયર અનામત મામલે સુપ્રિમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે પોતાના અગાઉના આદેશ પર રોક લગાવવાની કેન્દ્રની વિનંતીને ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે કોઈપણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરીને તમામ પક્ષોને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા માગતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બેંચે સ્પષ્ટ કર્યું કે, કોર્ટના ૧૧ માર્ચના ચુકાદાના અમલ પર કોઈ સ્ટે આપવામાં આવશે નહીં. આ મામલે તમામ સંબંધિત પક્ષોએ ૧૭ સપ્ટેમ્બર સુધીમાં પોતપોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે.

સુપ્રિમ કોર્ટે ૧૧ માર્ચે આપેલા પોતાના ચુકાદામાં નક્કી કર્યું હતું કે, ઓબીસી ક્રીમીલેયરનું મૂલ્યાંકન ફક્ત માતા-પિતાની આવક કે માસિક પગારના આધારે ન કરી શકાય. આવકની સાથે માતા-પિતાનું પદ, તેમની સામાજિક સ્થિતિ અને નોકરીની કેટેગરીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જાહેર ક્ષેત્રના સાહસો (પીએસયુ), બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને માત્ર વધુ પગારના આધારે અનામતના લાભથી વંચિત રાખી શકાય નહીં.

કેન્દ્ર સરકારના કાર્મિક મંત્રાલયે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને આ ચુકાદાને અમલમાં મૂકવામાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ રજૂ કરી હતી.

સરકારે જણાવ્યું કે આ નિર્ણયથી યુપીએસસી પરીક્ષા ૨૦૨૫ ની પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, યુપીએસસી દ્વારા ભલામણ કરાયેલા ૯૫૮ ઉમેદવારોની સેવા ફાળવણીની પ્રક્રિયા જૂના નિયમો મુજબ અંતિમ તબક્કામાં હતી. જો આ નિર્ણયને પાછલી અસરથી લાગુ કરવામાં આવે તો મેરિટ લિસ્ટ, કેડર ફાળવણી (જેમ કે  આઈએએસ, આઈપીએસ) અને તાલીમ પ્રક્રિયા ખૂબ જ પ્રભાવિત થશે.

કેન્દ્ર સરકારે વધુમાં ઉમેર્યું હતું કે આ ચુકાદાથી કેન્દ્ર ઉપરાંત ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સરકારી ભરતીઓ તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પર મોટી અસર પડશે. સુપ્રિમ કોર્ટે સરકારની તમામ રજૂઆતો અને ચિંતાઓને સાંભળ્યા બાદ પણ આદેશના અમલીકરણ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. હવે આ ચર્ચાસસ્પદ મામલે આગામી મહત્ત્વની સુનાવણી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના હાથ ધરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh