| | |

હર્ષિદા ગરબા મંડળ દ્વારા ગરબે રમતી ત્રીસ હજાર બાળાઓ માટે સમૂહ મહાપ્રસાદ

જામનગર તા. ૯ઃ જામનગરના હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા. ૧૧.૧૦.ર૦૧૯ ના શુક્રવારે ખંભાળિયા નાકા બહાર વીસા શ્રીમાળી સોની સમાજની વાડીમાં જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળોમાં ગરબે રમતી ત્રીસ હજાર બાળાઓ માટે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૧પ.૧૦.૭પ ના અગિયાર કુમારિકાઓના ભોજન સાથે આ સમૂહ મહાપ્રસાદનું આયોજન શરૃ થયું હતું જેનો આ વરસે ૪૪ માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સંતો-મહંતો પધારશે અને તેમના હસ્તે પ્રસાદ પીરસીને બાળાઓને ભોજન કરાવવામાં આવશે. ગરબે રમતી બાળાઓ ઉપરાંત પ૦ જેટલી શાળાઓ તથા મદ્રેસાની બાળાઓ પણ પ્રસાદ ગ્રહણ કરશે.

તા. ૧૧.૧૦.ર૦૧૯ ના સવારે ૬ વાગ્યે કટારિયાવાળા વાછરાદાદાની ધ્વજા ફરકાવવામાં આવશે. સવારે નવ વાગ્યે મંગલા આરતી થશે. ૧૦.૩૦ વાગ્યે સાધુ-સંતોનું આગમન અને સામૈયા થશે. સવારે ૧૧ વાગ્યે પંચદશનામ જુના અખાડા, જૂનાગઢના થાનાપતિ મહંત બુદ્ધગીરી બાપુના હસ્તે દીપ પ્રગટાવવામાં આવશે. જૂનાગઢના મંગલેશ્વર મહાદેવના મહંત વેદનાથ બાપુના હસ્તે આરતી થશે. ત્યારપછી બપોરે ૧ર વાગ્યે આપાગીગા રામેશ્વર સત્તાધારના મહંત ગોવિંદ બાપુના હસ્તે બાળાઓને પ્રસાદ પીરસીને કાર્યક્રમનો આરંભ થશે. નાગબાઈ ધામના રૃપલઆઈ માતાજી આશીર્વચન પાઠવશે. પાટણના ભવાની મંડળ, મહિલા સત્સંગ મંડળ દ્વારા રાસ-ગરબા રજૂ થશે. આમંત્રિ મહેમાનો અને કાર્યકરોના સન્માન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

હર્ષિદા ગરબા મંડળના સંચાલક રાજુભાઈ જોષી, તથા તેમની ટીમના કાર્યકરો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit