Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશ-દુનિયામાં પાંચમી ઓગસ્ટે બનેલા મુખ્ય નોંધપાત્ર ઘટનાક્રમો અને લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો
આપણે ઘણી વખત બદલાતી ભાવના, જ્યુડિશ્યલ ડેથ અને જ્યુડિશ્યલ મર્ડર જેવા શબ્દો સાંભળીએ અને જુદા-જુદા સંદર્ભોમાં વપરાતા આ શબ્દો ઘણી વખત રાજનીતિમાં ક્યારેક બચાવ તરીકે, ક્યારેક હથિયાર તરીકે તો ઘણી વખત આરોપ-પ્રત્યારોપની અસરકારકતા વધારવા માટે થતા હોય છે. આઝાદ ભારતમાં આ પ્રકારના શબ્દો સાથે ઘણી વખત આરોપો-પ્રત્યારોપો થયા હશે, અને ચોક્કસ ઘટનાઓ કે દૃષ્ટાંતો સાથે સડકથી સંસદ અને ક્યારેક સુપ્રિમકોર્ટ સુધી પણ પડઘાયા હશે, પરંતુ આ શબ્દપ્રયોગોનો ઈતિહાસ સદીઓ જૂનો છે, અને ભારતમાં જ સદીઓ પહેલા આ જ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે એક "મહારાજા" ને ફાંસીએ પણ ચડાવી દેવાયા હોવાનો ઈતિહાસ છે. આ ઘટનાને આજના દિવસ સાથે સીધો સંબંધ પણ છે. આ ઘટનાક્રમનો ઉલ્લેખ અને તેનો સંદર્ભ સાંપ્રત સમયમાં પણ એટલાં જ પ્રસ્તુત છે, અને સંબંધકર્તાઓએ તેની નોંધ લેવી જોઈએ, અને તેમાંથી બોધપાઠ મેળવીને આચરણ સુધારવુ જોઈએ, બાકી તો સમજદાર કો ઈશારા બહોત...!
"મહારાજા" ને ફાંસી
જે "મહારાજા" ને બ્રિટિશના શાસનકાળમાં બંગાળમાં ફાંસીએ ચડાવાયા હતા, તેઓ રાજવી નહોતા, પરંતુ તેને આ વિશેષ નામ તેની શ્રેષ્ઠતા તથા નિષ્ઠાના કારણે અપાયુ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓને પહેલા નવાબો અને પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એજન્ટ તથા રોબર્ટ ક્લાવની ભલામણથી તેને અંગ્રેજોએ બર્દવાન, નાદિયા અને હુગલીના ક્ષેત્રોના દીવાન બનાવાયા હતા, અને તે સમયે મોગલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય દ્વારા ૧૭૬૪ માં તેઓને "મહારાજા"ની ઉપાધિનું વિશેષ સન્માન મળ્યું હોવાના ઉલ્લેખો જોવા મળે છે.
મહારાજા નંદકુમારે તે પછી બ્રિટિશ શાસનકાળમાં તે સમયેના બંગાળના ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતાં, તેના સંદર્ભે "બદલાની ભાવનાથી" નંદકુમારની સામે જ ફોર્જરીનો કેસ કરીને બ્રિટિશ અદાલતે તેને દોષિત ઠરાવીને ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાને "જ્યુડિશ્યલ મર્ડર" પણ કહેવામાં આવે છે. કદાચ બ્રિટિશ ભારતમાં આ પહેલી ફાંસીની સજા હતી. આ ફેંસલો બ્રિટિશ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અને જ્યુરીએ ૧૬મી જૂન-૧૭૭પ ના દિવસે સંભળાવ્યો હતો અને પાંચમી ઓગસ્ટે કલકત્તાના કુલીબજારમાં તેઓને ફાંસીએ લટકાવી દેવાયા હતા. આ ઘટનાની તે પછી ઘણી જ ટીકા થઈ હતી. તે સમયના કેટલાક સાહિત્યમાં થયેલા ઉલ્લેખો મુજબ તેઓ પોતે જ પાલખીમાં બેસીને શાનદાર અને સાહસિક ઢબે ફાંસીના માચડા સુધી પહોંચ્યા હતા, અને તે પછી તેઓને જાહેરમાં ફાંસી અપાઈ હતી. આ પાંચમી ઓગસ્ટ-૧૭૭પ નો દિવસ ઈતિહાસના પાને કાળા અક્ષરે નોંધાયો છે.
હિરોશીમા પર હૂમલો
પાંચમી ઓગસ્ટનો દિવસ બદલાની ભાવનાથી અમેરિકાએ જાપાન પર કરેલા પરમાણુ હૂમલાના કારણે ગોઝારા દિવસ તરીકે પણ ઓળખાય છે, જેને ઘણાં લોકો બ્લેક ડે, તો ઘણાં લોકો ઘાતકી દિવસ તરીકે પણ ગણાવે છે. આ દિવસે થયેલી ક્રૂરતાએ સંખ્યાબંધ નિર્દોષોના જીવ લીધા હતા. આ દિવસ પાંચમી ઓગસ્ટ-૧૯૪પ નો હતો, જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશીમા પર પરમાણુ હૂમલો કર્યો હતો.
બુર્કિના ફાસો સ્વતંત્ર થયું
પાંચમી ઓગસ્ટ-૧૯૬૦ ના દિવસે બુર્કિના ફાસો ફ્રાન્સમાંથી છૂટું પડીને સ્વતંત્ર દેશ બન્યો હતો. આ દેશને જુના જમાનામાં અપરવોલ્ટા તરીકે ઓળખવામાં આવતો હતો. આ દેશનું નામ બુર્કિના ફાસો રખાયું છે, જેનો અર્થ "ઈમાનદારોની ભૂમિ" એવો થાય છે.
બર્લિન શાંતિ સમજૂતિ
વર્ષ-૧૮૭૭-૭૮ ના રશિયા - તુર્કી યુદ્ધ પછી ૧૩-જૂનથી ૧૩ જુલાઈ સુધી બર્લિનમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતાં, અને તેમાં રોમાનિયા, સર્બિયા અને મોન્ટેનેગ્રોને સ્વતંત્ર દેશો તરીકે માન્યતા અપાઈ હતી. બુલ્ગારિયાં તે ઓટોમન સામ્રાજ્ય અંતર્ગત સ્વતંત્ર રાજય બનાવાયું, તે ઉપરાંત બન્ને દેશો વચ્ચેની કેટલીક સમજૂતિઓમાં સુધારા-વધારા કરાયા, અને તૂર્ક સામ્રાજ્યનું પુનઃગઠન થયું. આ અંગેની ઘોષણા પાંચમી ઓગસ્ટ-૧૮૭૮ ના થઈ હતી.
મોસ્કો પરમાણુ નિષેધ સંધિ
વર્ષ-૧૯૬૩ ની પાંચમી ઓગસ્ટે મોસ્કો પરમાણુ નિષેધ સંધિ તે સમયના સોવિયેટ યુનિયન, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને બ્રિટન વચ્ચે મોસ્કોમાં થઈ હતી, જેમાં વાયુમંડળ, અંતરીક્ષ અને પાણીમાં પરમાણુ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. તદ્નુસાર, જમીનની સપાટીથી ઉપર, હવામાં, અંતરીક્ષમાં કે પાણીમાં પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સંધિને સુધારા-વધારા સાથે વર્ષ-૧૯૯૬માં વિશ્વવ્યાપી બનાવી દેવાય છે, જેને "સીટીબીટી" સમજૂતિ તરીકે ઓળખવામાં આવે છે.
પહેલુ ટ્રાફિક સિગ્નલ
દુનિયાનું પહેલું ટ્રાફિક ઈલેક્ટ્રોનિક સિગ્નલ પાંચમી ઓગસ્ટ-૧૯૧૪ ના લગાવાયું હતું. અમેરિકાના ઓહિયો સ્ટેટના ક્લીવલેન્ડ શહેરમાં ૧૦પમી ટ્રોફીમાં શેફીમાં યુક્લિડ એવન્યુના ખૂણે આ સિગ્નલ લગાવાયું હતું. જેમાં લાલ અને લીલો બે રંગની લાઈટો લગાવાઈ હતી, જેનો મેન્યુઅલ કંટ્રોલ પોલીસકર્મી દ્વારા કરાતો હતો.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાઈ
વર્ષ-ર૦૧૯ની પાંચમી ઓગસ્ટે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણયની અમલવારી કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવી લીધી હતી. આ જોગવાઈ ભૂતકાળમાં ભારતીય સંસદે નહીં, પરંતુ તે સમયના રાષ્ટ્રપતિએ જાહેર કરેલા અધ્યાદેશ હેઠળ અમલમાં હતી, અને દાયકાઓથી વિવાદ ચાલતો હતો. આ કલમ હટાવાયા પછી જમ્મુ-કાશ્મીરમાં માત્ર ભારતનો તિરંગો લ્હેરાયો અને જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ તથા અલગ સંવિધાન હટાવાયા હતાં. આ વિવાદ ઘણો લાંબો ચાલ્યા પછી હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટાઈ છે અને ચૂંટાયેલી રાજય સરકાર કાર્યરત છે. આ રાજયમાંથી લદાખને અલગ કરીને તેને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે.
અયોધ્યામાં રામ મંદિર
અયોધ્યામાં વિવાદિત માળખાના સદીઓ જુના વિવાદમાં લાંબી કાનૂની લડત તથા સુપ્રિમકોર્ટના અંતિમ આદેશ પછી આ સ્થળ રામજન્મભૂમિ હોવાનું પુરવાર થયું હતુ, અને તે સ્થળે ભવ્ય શ્રી રામમંદિરનું નિર્માણ થયું છે. આ રામમંદિર માટે વર્ષ-ર૦ર૦ ની પાંચમી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ થયો હતો.
પાંચમી ઓગસ્ટની અગત્યતા
આમ તો દેશ અને દુનિયામાં પાંચમી ઓગસ્ટે ઘણાં જ નોંધનીય ઘટનાક્રમો સર્જાયા છે અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયા છે, પરંતુ અહી મુખ્ય કેટલાક ઘટનાક્રમો જ પ્રસ્તુત થઈ શક્યા છે.
પાંચમી ઓગસ્ટે જન્મેલી હસ્તીઓ (સંક્ષિપ્ત)
પાંચમી ઓગસ્ટે જન્મેલી વિભૂતિઓ, હસ્તીઓ અને મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સેલેબ્રિટીઝ પૈકી કેટલાક નામો જોઈએ તો તેમાં અંતરીક્ષમાંથી નીલ આર્મસ્ટ્રોંગ, લેખક ગેડી મોપાસાં, હોલીવુડ અભિનેત્રી મૈરી ગેટા, ભારતીય બોલીવુડ અભિનેત્રી કાજોલ, કવિ શિવ મંગલસિંહ સુમન, પૂર્વ ક્રિકેટર વૈંકટેશ પ્રસાદ, કલાકાર અરવિંદ જોશી, પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા વિગેરેનો સમાવેશ થાય છે.
પાંચમી ઓગસ્ટે નિધન (સંક્ષિપ્ત)
પાંચમી ઓગસ્ટે હોલીવુડ અભિનેત્રી મર્લિનમુનરો, સમાજશાસ્ત્રી ફેડરીક એંગેલ્સ, પૂર્વ ક્રિકેટર લાલા અમરનાથ, સ્વાતંત્ર્ય સેનાની ગોપીનાથ બોરદોસોઈ, કાર્ટુનિસ્ટ પ્રાણકુમાર શર્મા, પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિક, પૂર્વ સીએમ કેશવચંદ્ર ગોગોઈ વગેરેનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial