ત્રીસથી ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળા બંધ કરવાનો નિર્ણય અયોગ્ય

જામનગર તા. ૧૯ઃ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળામાં ૩૦થી ઓછી વિદ્યાર્થીની સંખ્યા હોય તેવી શાળાઓ બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. તે યોગ્ય નથી.

આવી શાળાઓ બંધ કરવી જોઈએ નહીં તેવી રજુઆત રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરવામાં આવી છે. જામનગર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ હેમત ખવાએ જણાવ્યું કે, ૩૦થી ઓછી સંખ્યાવાળી શાળાઓ બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી. આજે અનેક સરકારી કચેરીમાં પણ પૂરતો સ્ટાફ નથી તો શું આવી કચેરી બંધ કરાશે? આવી શાળાઓ અંતરિયાળ વિસ્તારમાં હોય છે. ૨ થી ૫ કિમી દૂર શાળા કાર્યરત હોય છે. જ્યાં વાડી કે નેશ વિસ્તારમાં વસવાટ કરતા બાળકો અભ્યાસ માટે જતા હોય છે. આમ બાળકોના ભવિષ્ય સાથે ચેડા નહી કરીને સરકારે પોતાનો તઘલખી નિર્ણય રદ કરવો જોઈએ, બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરી શિક્ષણને બંધ કરવાનો નિર્ણય કર્યો છે તે વ્યાજબી કહેવાય? આવી શાળા બંધ કરવાથી આશરે એક હજાર બાળકોને અસર થશે. જો આ નિર્ણય રદ નહીં થાય તો નાછુટકે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી પણ આ પત્રમાં અપાઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit