જામનગરના જુના રેલવે સ્ટેશનની વિશાળ કરોડોની પડતર, ત્રાસદાયક દબાણોવાળી જમીન વેંચી કાઢો ને

'સંધુ'ય' વેંચવા નીકળ્યા છો... તો

જામનગર તા. ૧૬ઃ કેન્દ્ર સરકારે સરકાર હસ્કતની અનેક નાની-મોટી કંપનીઓને વેંચી નાંખી છે અથવા તેમાં સરકારની હિસ્સેદારી ઓછી કરી નાંખી છે. એલઆઈસી, બીએસએનએલ જેવી કંપનીઓ પણ વે વેંચાણના આરે છે.

સ્વાભાવિક છે કે સરકારને દેશની આર્થિક સ્થિતિની ચિંતા હોય, સ્વાભાવિક છે કે સરકારની તિજોરીમાં નાણા લાવવાની ઈચ્છા હોય, અને સરકારી કંપનીઓનો વેંચી દીધા પછી ખાનગીકરણ થવાના લાભાલાભ પણ છે જ... પણ અત્યારે વિષયાંતર ન થાય તે માટે કેન્દ્ર સરકારનું રેલવેની માલિકીની સમગ્ર દેશભરમાં પડતર પડેલી, તદ્ન બીનઉપયોગી અબજો રૃપિયાની કિંમતી જમીન પ્રત્યે ધ્યાન દોરવાનો નમ્ર પ્રયાસ છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે તેની પ્રથમ ટર્મના એક અંદાજપત્રમાં રેલવેની તમમ પડતર જમીનો, પડતર બિલ્ડીંગોનું વેંચાણ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત સંસદમાં કરી હતી. આ બાબતને આજે ત્રણ-ચાર વરસ વીતી ગયા છે, પણ કેન્દ્ર સરકારના આ દિશાનિર્દેશ પ્રમાણે રેલવે વિભાગ દ્વારા કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી.

જામનગરની જ વાત કરીએ તો જામનગરમાં બ્રોડગેઈજ રેલવે લાઈન આવતા ગાંધીનગર પાસે નવું રેલવે સ્ટેશન બન્યું... અને શહેરની મધ્યમાં આવેલ જુનું રેલવે સ્ટેશન બંધ થયું... આ સ્ટેશન બંધ પડવાની સાથે નાગનાથ નાકાથી લઈને અંબર ચોકડી સુધીની રેલવેની જમીન, સ્ટેશનનો ભાગ પડતર રહ્યો... અને ત્યાં દબાણો સર્જાઈ ગયા... રેલવે સ્ટેશનમાંથી કિંમતી ઈમલો-બારી-બારણા-ઈવન છતના પીઢિયા સહિત ધીમે ધીમે ગાયબ થઈ ગયા!

આ જુના રેલવે સ્ટેશનની વિશાળ જમીન શહેરના હાર્દસમા વિસ્તારમાં છે અને અત્યારે તેની હાલત સમગ્ર શહેરની ઈમેજને કદરૃપી બનાવે છે. ખંઢેર જેવી તૂટીફૂટી ગયેલ હાલતના બિલ્ડીંગ, તેમાં શૌચક્રિયા, દારૃની મહેફીલ, ગંદકી, કચરો, ઢોરના અડીંગાની સમસ્યા ઘર કરી ગઈ છે. એટલું જ નહીં, ખુલ્લી જમીનો પર ઝુંપડા-બાંધીને ગેરકાયદેસર વસવાટ કરનારાઓનો ત્રાસ પણ વરસોથી નગરની જનતા સહન કરી રહી છે. આ લોકો ન્હાવા-ધોવા-શૌચક્રિયા, રાંધવું-ખાવું વિગેરે તમામ ક્રિયાઓ શહેરની મધ્યમાં જાહેરમાં ખુલ્લામાં કરે છે અને પરિણામે ખાસ કરીને અંબર ચોકડી પાસેના ખૂણાવાળો વિશાળ ત્રિકોણિયો ભાગ સમગ્ર શહેર માટે ન્યુસન્સનું કેન્દ્ર બની રહ્યો છે.

રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આ સ્થિતિનું જાતનિરીક્ષણ અનેક વખત કર્યું છે, કોઈ કોઈ વખત રેલવે પોલીસની મદદથી અહીંથી દબાણો હટાવાયા પણ છે, પણ થોડા દિવસોમાં જ તે જ લોકો અહીં ફરીથી બિન્દાસ દબાણો કરે છે.

આ ન્યુસન્સ સર્જતી ગંદકી-બદસુરત કિંમતી જમીન ઉપરાંત રેલવે વિભાગે દિગ્વિજય સર્કલ પાસે પણ ફ્લેગ સ્ટોપ સેશન બનાવવાનું નક્કી કરી ખૂબ મોટી જગ્યા સંપાદીત કરી હતી. રેલવેની માલિકીની આ જગ્યા અત્યારે ગેરકાયદે દબાણો વચ્ચે ગાયબ થઈ ગઈ છે! આ તો જામનગર શહેરની વાત થઈ, બાકી હાલારના બન્ને જિલ્લામાં રેલવેની આવી કરોડો રૃપિયાની કિંમતી જમીન બિનઉપયોગી વરસોથી પડી છે.

કદાચ આ બાબત ત્રણ-ચાર વરસ પહેલા કેન્દ્ર સરકારના ધ્યાને આવવાના કારણોસર જ રેલવેની પડતર-બીનઉપયોગી જમીન મિલકતો વેંચાણનો સરકારનો ઈરાદો અંદાજપત્રમાં વ્યક્ત થયો હતો, પણ કમનસીબે આ બાબતમાં ન તો રેલવે વિભાગ કે ન તો કેન્દ્ર સરકારે કોઈ ઠોસ કામગીરી કરી નથી.

જામનગરની માત્ર જુના રેલવે સ્ટેશનવાળી જમીનને વેંચવા માટે લગભગ એક દાયકા પહેલા મુંબઈથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે. જેમાં અપસેટ કિંમત ૧૦-૧ર વર્ષ પહેલા ૧૩૦ કરોડ રૃપિયા મૂકવામાં આવી હતી. આજે તેની કિંમત કેટલી થાય?

કોઈ આસામીએ અંબર ચોકડી પાસેનો દબાણવાળો અતિ વિવાદાસ્પદ બનેલો ત્રિકોણિયા ભાગ ખરીદી લીધો હતો અને ત્યાં તેણે પાડતોડ કરી હતી તેવું પણ જે તે સમયે સમાચારમાં આવ્યું હતું, પણ કોણ જાણે શું થયું? આ કામગીરી અટકી પડી અને આજે ફરીથી એવી જ દોઝખ ભરેલી બદસૂરત સાથેના દબાણો જોવા મળે છે.

સરકાર તેની નીતિ-રીતિ પ્રમાણે કંપનીઓના ખાનગીકરણ કરે, હિસ્સેદારી ઘટાડે તે તમામ બાબતો સાથે જો સરકાર માત્ર રેલવેની જ જામનગરની જેમ દેશભરમાં જે બીનઉપયોગી જિશાળ જમીનો-મિલકતો પડી છે તેનું વેંચાણ કરી નાંખે તો અબજો રૃપિયાની આવક થાય તેમ છે. એટલું જ નહીં, આ બીનઉપયોગી જમીનો પર લોકોને ઉપયોગી થાય તેવા વિકાસ કામો થશે.

જામનગરમાં તો કોર્પોરેશન અને રાજ્ય સરકાર જો ધારે તો આ જમીન લઈ શકે તેમ છે, પણ જાણવા મળતી વિગતો પ્રમાણે રેલવે વિભાગ સાથે ભાવતાલમાં મેળ પડતો નથી.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને રેલવે વિભાગે સંકલન કરી કમસેકમ જામનગરમાં આવેલી રેલવેની પડતર જમીનનો વહેલાસર યોગ્ય રીતે ઉકેલ લાવવાની જરૃર છે. આવકની આવક અને ત્યારપછી શહેરની મધ્યમાં વિકાસ થશે તે નફામાં.

રેલવે વિભાગ અહીં સિટી બુકિંગ ઓફિસ, રેલવે દવાખાનું, હોસ્પિટલ, રેલવે ઈન્સ્ટિટ્યૂટ વિગેરે પણ બનાવી શકે છે.

જોઈએ વરસોથી અધ્ધરતાલ રહેલી અને અનેક વખત તસ્વીરો સાથે પ્રસિદ્ધ થઈને સરકારનું ધ્યાન દોરતી સમસ્યા પ્રત્યે સરકાર કેટલી જાગૃતિ દર્શાવે છે.

close
Ank Bandh
close
PPE Kit