Advertisement
Author: નોબત સમાચાર

સંતાનમાં એક માત્ર દીકરી ભવિષ્ય માટે ચિંતાજનક વિષય

દીકરી બચાવો, દીકરી લાડકવાયી, દીકરી લક્ષ્મીનો અવતાર, દીકરી આંખનું રતન, દીકરી બે ઘરને તારે, દીકરી હૃદયનો ટુકડો-આવા અનેક વિશેષણ દીકરી માટે કહેવાય છે, અને સાચા પણ છે. પણ એક સવાલ મનમાં આવે છે કે દીકરી-દીકરી કરીને આપણેે કયાંક દીકરાનું અપમાન તો નથી કરતા ને ? આજના સમયમાં મોટાભાગના દંપતીઓને સંતાનમાં એક દીકરી જ હોય છે. હવે નો સમાજ સુધરતો જાય છે. દીકરા-દીકરી વચ્ચેનો ભેદ હવે ઓગળતો જાય છે. પહેલું સંતાન દીકરો કે દીકરી હોય, પણ એક જ સંતાન એ વિચારધારા આજના દંપતીની છે, અને મોટાભાગના દંપતીઓને પહેલું સંતાન દીકરી હોય દીકરો હોવો જરૂરી છે, એવું કહેવાનો મતલબ નથી, પણ આ જ સ્થિતિ રહી તો આવતા ર૦ વર્ષ પછી પરિસ્થિતિ અઘરી હશે.

પહેલાના સમયમાં દીકરો-દીકરો થતું હતું. વડીલો દીકરા માટેનો આગ્રહ રાખતા હતાં. પ્રથમ સંતાન દીકરો હોય અને પછી બીજા સંતાનની ઈચ્છા ન હોય તો પણ વડીલોને વાંધો ન હતો, પણ પ્રથમ સંતાન દીકરી હોય તો બીજા સંતાન માટેનો આગ્રહ રહેતો. થોડા વર્ષો પહેલા સુધી દંપતીને સંતાનમાં બે કે ત્રણ બાળકો હતા જ.... દીકરા-દીકરી બન્નેનો ઉછેર થતો, અમુક સમાજમાં દીકરાનો આગ્રહ વધારે રહેતો ર૦૦૧ ના વસ્તીના આંકડા દર્શાવે છે કે દર ૧૦૦૦ પુરૂષોની સામે સ્ત્રીઓની સંખ્યા ૯૪૩ હતી. જ્યારે ર૦ર૧ ના આંકડા આશ્રર્ય સર્જી રહ્યા છે. એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ર૦ર૧ માં દર ૧૦૦૦ પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ૧૦ર૦ થઈ છે. જો કે આ આંકડા વસ્તી ગણત્રીના નહીં પણ સેમ્પલ સર્વેના છે. જો કે એક વાત એ પણ છે કે હવેના સમયમાં સામાજિક વલણમાં પરિવર્તન આવી રહ્યું છે. ગર્ભાવસ્થા સમયે જાતિ પરીક્ષણ પણ લગભગ બંધ કરવામાં આવ્યા છે. લોકો દીકરીનું મહત્ત્વ સ્વીકારતા થયા છે. સાથે સાથે મોંઘવારીના સમયમાં વધારે બાળકોનો ઉછેર, ભણતર વધુ મોંઘું થતું જાય છે. માતા-પિતા વિચારે છે કે એક સંતાન હોય તો તેનો ઉછેર સારી રીતે થઈ શકે, તેને બધી સગવડતા આપી શકીએ, તેને સારું ભણતર, સારી સ્કૂલ, સારું જીવન આપી શકીએ. અને એ કારણથી એક જ સંતાન... એ વિચાર આજના દંપતીઓનો છે. હવેના દંપતીને એક જ સંતાન પછી તે દીકરો કે દીકરી એ બાબતનો ફર્ક નથી પડતો.

પણ ચિંતાજનક વાત એ છે કે દીકરીનું મહત્ત્વ વધારતા વધારતા દીકરાને થોડા નજરઅંદાજ કરીએ છીએ. સરકારી યોજનાઓ પણ દીકરીને વધુ મહત્ત્વ આપે છે. દીકરી માટે અનેક યોજનાઓ, અનેક લાભ છે. પછી માન્યતા પણ એવી છે કે દીકરી વધુ લાગણીશીલ હોય છે. આ વાત અમુક અંશે સાચી પણ છે, પણ દીકરા લાગણીશીલ નથી એ સાચું નથી.

હમણાંં એક જગ્યાએ વાંચ્યું કે, દીકરીનો સાથ છેલ્લા શ્વાસ સુધી, દીકરાનો સાથ વહુ આવે ત્યાં સુધી આ વાકય સાચું છે ? શું આવું કહીને આપણે દીકરાનું અપમાન નથી કરતા ? દીકરી માતા-પિતાની સંભાળ લે તો ગર્વ અનુભવીએ છીએ, પણ પુત્રવધૂ તેના માતા-પિતાની સંભાળ લે તો સાસરીયાને વાંધો પડે છે આ કડવી પણ આજના સમયની સચ્ચાઈ છે. જો કે દીકરી સારી કે વહુ સારી એ વાતની ચર્ચા જ નથી કરવી. મારે તો માત્ર દીકરીના વધતા જતા મહત્ત્વ અને દીકરાની ઉપેક્ષા સામે લાલબત્તી ધરવી છે.

અત્યારના સમયમાં જે યુવાનો છે, જેઓ રપ થી ૩પ વર્ષના છે, જેઓ લગ્નની ઉંમરના છે, તેમના માતા-પિતાને પુત્રવધૂ શોધવા માટે પડતી મુશ્કેલીનો અનુભવ હશે જ. હાલના સમયમાં યુવાનોની સામે યુવતીઓની સંખ્યા ઓછી જ છે. તેનું કારણ એ છે કે બે-ત્રણ દાયકા પહેલા સુધી દીકરાને વધુ મહત્ત્વ આપવામાં આવતું એક દીકરી હોય અને બીજી વખત ગર્ભાવસ્થા હોય તો ગર્ભ પરીક્ષણ દ્વારા દીકરીની જાણ થાય તો તેને જન્મતા પહેલાં જ મોત આપવામાં આવતું. દીકરો જ સર્વસ્વ એવું માનવમાં આવતું. તેનું પરિણામ છે કે હાલ લગ્નોત્સુક યુવાનોને કન્યા નથી મળતી. આજે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે માતા-પિતા સામેથી દીકરાને અન્ય જ્ઞાતિમાંથી જીવનસાથી શોધવા સલાહ આપે છે. કારણ કે દીકરા માટે યોગ્ય કન્યા તેમના સમાજમાં મળતી નથી. જેઓ પહેલા જ્ઞાતિ-સમાજ-પરંપરામાંથી દૂર જવા માંગતા ન હતા, તેઓ પણ અન્ય જ્ઞાતિમાં કે અન્ય રાજ્યમાં દીકરા માટે કન્યા શોધવા નીકળે છે ! ઘણીવખત છાપામાં કિસ્સા પણ આવે છે કે અન્ય રાજ્યમાંથી કન્યા દાગીના-રૂપિયા લઈને પાછી જતી રહી. આ શું બતાવે છે ? યુવાનો માટે સમાજ-જ્ઞાતિના કન્યાની અછત-હાલના લગ્નોત્સુક યુવાનોના માતા-પિતા આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.

આ પરિસ્થિતિ આવતા ર૦ વર્ષ પછી પણ ઊભી થાય એવું લાગી રહ્યું છે. હાલમાં જેમને સંતાનમાં એકમાત્ર દીકરી છે તેવા દંપતીની સંખ્યા વધતી જાય છેે. દીકરા સામે દીકરીની સંખ્યા વધારે જ છે. જો કે તેમાં કંઈ ખોટું છે એમ નથી કહેવું, પણ આજની નાની બાળકી મોટી થશે. લગ્ન લાયક બનશે ત્યારે તેમની સામે યુવાનોની અછત હશે. આજના માતા-પિતા જે રીતે પુત્રવધૂ શોધવા હેરાન થાય છે. એવું જ તે સમયના માતા-પિતા સાથે થશે, માતા-પિતાને પોતાની દીકરી માટે યોગ્ય જમાઈ નહીં મળે. પાછું હવેની દીકરીઓ ભણેલી છે, સ્માર્ટ છે, નોકરી કે બિઝનેસ કરતી હોય છે. તેમને લાયક યુવાનની શોધ અઘરી બની જશે. દીકરા-દીકરીનું પ્રમાણ સરખું હોય તો આ સ્થિતિ ન આવે, જુના સમયમાં એટલે કે ૪૦-પ૦ વર્ષ પહેલાની વાત કરીએ તો એક ઘરમાં ચાર-પાંચ સંતાનો હતા. દરેક ઘરમાં આ જ સ્થિતિ હોય એટલે લગ્નલાયક ઉંમર થાય ત્યારે સામેથી માંગા આવતા, પોતાના સમાજમાં પોતાની જ્ઞાતિમાં જ દીકરા-દીકરીના લગ્ન થઈ જતાં પણ હવેના સમયમાં એક સંતાનની વિચારધારામાં પોતાના સમાજમાંથી કન્યા કે મુરતીયો મળતા નથી. આથી માતા-પિતા પોતાના સંતાનો માટે બીજી જ્ઞાતિમાં નજર દોડાવે છે. અથવા મેટ્રોમોનીયલ સાઈડ પરથી જીવનસાથી શોધતા હોય છે. આજકાલ આવી સંસ્થાઓ વધારે જોવા મળે છે. જો કે એ કેટલી ભરોસાપાત્ર છે એ ચર્ચા અસ્થાને છે. આ બધું શું બતાવે છે ? એ જ કે આજે સ્ત્રી પુરૂષની સંખ્યા સરખી નથી. અને આ જ કારણે કેટલાય યુવાનો લગ્નની વય વટાવી ચુક્યા છે, અને પછી જીવન અને પસંદગી સાથે સમાધાન કરીને નાણા ખર્ચીને કન્યા શોધે છે.

આવું હવેની દીકરીઓ સાથે ન બને એટલું જ કહેવાનું છે, વીસ-પચ્ચીસ વર્ષ પછી દીકરી માટે મુરતીયો શોધવા નીકળશું ત્યારે ખ્યાલ આવશે કે એક જ સંતાન અને દીકરી જ એ વિચારધારા ખોટી હતી. જો કે આજના મોંઘવારીના યુગમાં વધારે સંતાનની જવાબદારી ઉપાડી શકાય તેમ પણ નથી એ વાત પણ એટલી જ સાચી છે. સાથે સાથે પતિ-પત્ની બન્ને નોકરી કરતા હોય ત્યારે સંતાનને સાચવવાની જવાબદારી નાના-નાની કે દાદા-દાદી ઉપર હોય છે તેવા સંજોગોમાં પણ દંપતી પોતાના માતા પિતાની તકલીફ ધ્યાનમાં રાખીને બીજા સંતાનની ઈચ્છા નથી રાખતા. આ વાત પણ ખોટી નથી. પણ કહેવાનો મતલબ એટલો જ કે દીકરીનું મહત્ત્વ વધારતા કયાંક દીકરાને ભૂલી  ન જવાય એ પણ જોવાનું છે. કદાચ મારી વાત ઘણાં લોકોને ખોટી લાગશે. દીકરી વિરોધી લાગશે.. પણ વિચારશો તો સમજાશે....

- દિપા સોની ઃ જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh