પ્રથમ વન-ડેઃ ભારતનો કારમો પરાજયઃ ઓસ્ટ્રેલિયાનો દસ વિકેટે શાનદાર વિજય

મુંબઈ તા. ૧પઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણીના પ્રથમ વન-ડે મેચમાં ભારતનો કારમો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટેનો રપ૬ રનનો ટાર્ગેટ વિના વિકેટે હાંસલ કરી લેતા તેનો દસ વિકેટથી શાનદાર વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાના કપ્તાન એરોન ફીંચે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ માટે નિમંત્રણ આપ્યું હતું. ભારતની પ્રથમ વિકેટ રોહિત શર્મા (૧૦ રન) ૧૩ રનના જુમલે પડી ગઈ હતી, પણ ત્યારપછી શિખર ધવન અને રાહુલ વચ્ચે ૧ર૧ રનની ભાગીદારી નોંધાતા ભારત ર૮૦ પ્લસનો જુમલો નોંધાવશે તેમ જણાતું હતું, પરંતુ માત્ર ૩૦ રનના ઉમેરામાં ધવન, રાહુલ, કોહલી અને શ્રેયાસ ઐયરની વિકેટો ગુમાવી બેઠું હતું અને ભારતનો સ્કોર ૩ર.પ ઓવરમાં ૧૬૪ રન થયો હતો.

જો કે ત્યારપછી રૃષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સ્કોર બોર્ડને ફરતું રાખ્યું અને બન્ને વચ્ચે ૪૯ રનની ભાગીદારી નોંધાઈ હતી. શાર્દુલ ઠાકુર, સામી, યાદવ વગેરેએ પણ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ઝઝુમીને ડબલ ફીગર જેવા રન કર્યા, પણ અંતે ૪૯.૧ ઓવરમાં ભારતની ટીમ રપપ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શિખર ધવન ૭૪, રાહુલ ૪૭, કોહલી ૧૬, પંત ર૮, ઐયર ૪, જાડેજા રપ, ઠાકુર ૧૩, સામી ૧૦, યાદવે ૧૭ રન કર્યા હતાં.

મેચ જીતવા માટે રપ૬ રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાના બન્ને ઓપનીંગ બેટધરો વોર્નર અને ફીંચે ભારતીય બોલરોની ધોલાઈ કરીને માત્ર ૩૭.૪ ઓવરમાં વિના વિકેટે પ્રાપ્ત કરી લીધું હતું અને ઓસ્ટ્રેલિયાનો દસ વિકેટથી વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૧૧ર દડામાં ૧૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ ૧ર૮ રન અને કપ્તાન એરોન ફીન્ચે ૧૧૪ દડામાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૧૧૦ રન ફટકાર્યા હતાં. બન્ને વચ્ચે વન-ડેમાં ભારત સામે અણનમ રપ૮ રનની પ્રથમ વિકેટની આ વિક્રમજનક ભાગીદારી નોંધાઈ હતી. આ ઉપરાંત ઘરઆંગણે ભારત બીજી વખત વન-ડે મેચમાં દસ વિકેટથી પરાજીત થયું છે. અગાઉ ર૦૦પ માં ભારત દક્ષિણ આફ્રિકા સામે ૧૦ વિકેટથી હાર્યું હતું.

ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ થી આગળ છે. બીજો વન-ડે મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં તા. ૧૭ મી જાન્યુઆરીએ રમાશે.

close
Ank Bandh
close
PPE Kit