દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પતંગની દોરથી પંદર જેટલા સ્થળે પક્ષીઓ ઘાયલઃ સારવાર

ખંભાળીયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંદરેક સ્થળોએ પંખીઓ પતંગની દોરથી ઘવાયા હતાં, જેને કરૃણા અભિયાન હેઠળ સારવાર અપાઈ હતી. વધુ ઈજાગ્રસ્ત સાત પંખીઓને સારવાર માટે જામનગર લઈ જવાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલામાં ગઈકાલે પતંગોત્સવ ઉત્તરાયણના તહેવારમાં પંદરેક સ્થળોએ પક્ષીઓ પતંગની દોરની હડફેટે આવતા ઈજાગ્રસ્ત થયા હતાં. જો કે, કરૃણા અભિયાન અંતર્ગત જંગલખાતાના કર્મચારીઓ તથા એન.જી.ઓ. દ્વારા સુંદર કાર્ય કરીને ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થા ગોઠવી હતી તથા જિલ્લાના દરેક તાલુકામાં શરૃ કરાયેલ કંટ્રોલરૃમમાં અધિકારીઓ દ્વારા ક્યાંય પણ પક્ષી ઘાયલ થયાની જાણ થયે તુરંત જ રેસ્ક્યુની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખંભાળીયામાંજ કોયલ, ચાર કબૂતર તથા એક બગલો વિ. ઘાયલ થયા હતાં, તો ભાણવડમાં પણ પાંચેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતાં. જેમને ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના અશોક ભટ્ટ તથા તેમની ટીમના ભરત ઓડેદરા, પરાગ પીઠીયા તથા શિવમ્ વિસાવાડીયા મદદરૃપ થયા હતાં.

ભાણવડ ગામે જામજોધપુર રોડ પર એક સુરખાબ (ફલેમીંગો) પક્ષી જે સામાન્ય રીતે શિયાળામાં આવે છે તે એક દોરની હડફેટે આવતા તે ગંભીર રીતે ઘાયલ થયું હતું. એનિમલ લવર્સ ગ્રુપના શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા નિતીન નંદાણીયાની મદદથી આ પક્ષીને ખંભાળીયા પહોંચાડીને તેને વધુ સારવાર માટે જામનગર બર્ડસ હોસ્પિટલમાં પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જંગલ ખાતાના અધિકારી પ્રતાપભાઈ કરમુર દ્વારા ખંભાળીયાથી સાત પંખીઓને સારવાર માટે જામનગર ખસેડવા વ્યવસ્થા કરાઈ હતી.

(તસ્વીરઃ મુકેશ મોકરીયા)

close
Ank Bandh
close
PPE Kit