જામનગરના યુવાનને એલસીબીના ત્રણ કર્મીઓએ અઢી વર્ષ પહેલા માર માર્યાની ફરિયાદથી ખળભળાટ

જામનગર તા. ૭ઃ જામનગરના એક યુવાનને અઢીવર્ષ પહેલા એલસીબીના તત્કાલીન એએસઆઈ અને બે પોલીસકર્મીએ મોટરમાં ઉપાડી જઈ એલસીબી કચેરીમાં મારકુટ કર્યા પછી તેના સાળાએ કરેલી ફરિયાદ અરજી પાછી ખેચી લેવા ધાકધમકી આપ્યાની  સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુજસીટોક હેઠળ નોંધાયેલા પ્રથમ ગુન્હામાં પકડાયેલા અને બેએક વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તી લેનાર એએસઆઈ સહિત ત્રણ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મારૃ કંસારા વાડી સામે રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના યુવાનને ગઈ તા. ૨૯-૮-૨૦૧૮ની સાંજે પાંચેક વાગ્યે જે-તે વખતે સ્થાનિક ગુન્હાશોધક શાખામાં ફરજ બજાવતા વસરામભાઈ જી. મિયાત્રા તેમજ કમલેશ રબારી, નિર્મળસિંહ જાડેજા, મિતેશ પટેલ મોટરમાં બળજબરીપૂર્વક બેસાડી દઈ એલસીબી કચેરીએ લઈ ગયા હતાં. જયાં વસરામભાઈ કમલેશ રબારી, મિતેશ પટેલે ધાકધમકી આપી કહ્યું હતું કે, તારા સાળા જયરાજસિંહ સોઢાએ એલસીબી સામે કરેલી ફરિયાદ અરજી પાછી ખેચાવી લે.

બનાવના થોડા દિવસ પહેલા જયરાજસિંહને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે એલસીબી સ્ટાફે પકડી લઈ ગુન્હો નોંધાવ્યો હતો. તેમાં બનેવી મહાવીરસિંહ દેવાજીને ફરાર બતાવાયા હતાં. તે પછી જયરાજસિંહને એલસીબીમાં મારકુટ કરાતા તેઓએ અદાલતમાં કેસ કર્યો હતો. તે કેસ પાછો ખેચાવવા મહાવીરસિંંહને બનાવના દિવસે વાળંદની એક દુકાન પાસેથી મોટરમાં ઉપાડી જવાયા હતાં. પોતાના સાળાનો કેસ પાછો ખેચાવવાની ના પાડતા મહાવીરસિંહને વસરામભાઈ, કમલેશ તથા મિતેશે ઘંટીના જાડા પટ્ટા વડે માર મારવા ઉપરાંત ઇલેકટ્રીક શોક આપ્યા હતાં. તે દરમ્યાન બીજા પોલીસકર્મી આવતા તેઓએ મહાવીરસિંહને વધુ માર ખાતા બચાવ્યા હતાં.

પોતાના ભાઈને એલસીબી સ્ટાફ ઉપાડી ગયો હોવાની જાણ થતાં મહાવીરસિંહના મોટાભાઈ ભીખુભા ૩૦ તારીખે એલસીબી કચેરીએ આવ્યા હતાં. તેઓને કાઢી મુકાયા પછી ભીખુભા દેવાજીએ તત્કાલીન એસપી તથા અન્ય અધિકારીઓને ઉપરોકત બાબતની અરજી પાઠવી હતી. તે જ દિવસે સાંજે રેખાબા પોતાના પતિને છોડાવવા એલસીબીએ આવ્યા હતાં. તેઓને પણ કાઢી મુકવામાં આવતા એસપી કચેરીએ આ મહિલા ગયા હતાં. તેઓની રજુઆત સાંભળવામાં આવી ન હતી તેથી તેઓએ ફેકસથી અરજી પાઠવતા રાત્રે દસ વાગ્યે ભીખુભા દેવાજીને કોલ કરી આવતીકાલે તારા ભાઈને જામીન પર મુકત કરાવી જજે તેમ જણાવાયું હતું. તે પછી તા. ૩૧ના દિને મહાવીરસિંંહને જામીન મુકત કરાયા હતાં. ત્યારે પણ વસરામભાઈએ ધમકી આપી હતી. પોતાને થયેલી ઈજાની જી.જી. હોસ્પિટલમાં મહાવીરસિંહે એમએલસી કરાવી સારવાર મેળવી હતી. આ બાબતની ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી મહાવીરસિંહે પોતાનું અપહરણ કરી લઈ ગયા પછી એલસીબીના તત્કાલીન એએસઆઈ અને હાલમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુન્હામાં અમદાવાદની જેલમાં રહેલા વસરામભાઈ આહિર, મિતેશ પટેલ, કમલેશ રબારીએ બેરહેમ માર મારી  ધમકી આપવા અંગે આઈપીસી ૩૨૩, ૩૦૮, ૩૩૦, ૩૩૧, ૩૪૦, ૩૪૧, ૩૪૮, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪,૩૪ હેઠળ ફરિયાદ કરતા પીઆઈ એમ.જે. જલુએ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit