મોગલ શાસક મીર બાકીએ અયોધ્યામાં મસ્જિદ બનાવી બાબરી મસ્જિદ નામ અપાયું

અયોધ્યા તા. ૯ઃ અયોધ્યામાં જે વિવાદિત માળખાનો ફેંસલો આપ્યો છે, તેને બાબરી મસ્જિદનું નામ કોણે આપ્યું તે અંગે વિવિધ માન્યતાઓ છે, જે પૈકી મીર બાકીએ આ મસ્જિદ બનાવી હોવાની માન્યતા વધુ પ્રચલિત છે.

અયોધ્યાને રામની જન્મભૂમિ માનવામાં આવે છે એટલે હિન્દુઓનો દાવો છે કે અહીં પહેલા મંદિર હતું જેને તોડીને મસ્જિદ બનાવાઈ હતી. જ્યારે મુસ્લિમો એનાથી ઉલ્ટું કહે છે. એવું માનવામાં આવે છે કે, મોગલ શાસક બાબરના સેનાપતિ મીર બાકીએ અયોધ્યામાં આ મસ્જિદનું નિર્માણ કર્યું હતું અને તેને પોતાના બાદશાહના નામ પરથી બાબરી મસ્જિદ નામ આપ્યું હતું. વિવિધ માન્યતાઓ પૈકી આ માન્યતા વધુ પ્રચલિત છે. બાબર ૧પર૬ માં ભારતમાં આવ્યો હતો અને ૧પર૮ સુધીમાં તેનું સામ્રાજ્ય અવધ (હાલમાં અયોધ્યા) સુધી પહોંચી ગયું હતું. ત્યારપછીના લગભગ ત્રણ સદીના ઈતિહાસમાં આ બાબતની કોઈ માહિતી નથી. ત્યારપછી ૬ ડિસેમ્બર ૧૯૯ર ની તારીખ ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ ગઈ છે. તે દિવસે હજારોની સંખ્યામાં કારસેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદ પાડી નાખી હતી અને એક અસ્થાયી રામ મંદિર બનાવી દીધું હતું. ત્યારપછી આખા દેશમાં કોમી રમખાણો થયા હતાં જેમાં ર૦૦૦ લોકોના મોત થયા હતાં.

અયોધ્યા મંદિર મસ્જિદ મુદ્દે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ૧૮પ૩ માં પહેલીવાર કોમી રમખાણો થયા હતાં ત્યારે નિર્મોહી અખાડાએ આ માળખા પર દાવો કરતા કહ્યું હતું કે, જે સ્થળે મસ્જિદ છે ત્યાં પહેલા એક મંદિર જેને બાબરકાળમાં નષ્ટ કરાયું હતું. ત્યારપછી ત્યાં ર વર્ષ સુધી હિંસા થતી રહી હતી. ફૈઝાબાદ જિલ્લા ગેઝેટ ૧૯૦પ અનુસાર ૧૮પપ સુધી હિન્દુ અને મુસલમાન બન્ને એક જ ઈમારતમાં પૂજા અથવા ઈબાદત કરતા હતાં.

વર્ષ ૧૯૯ર માં બાબરી મસ્જિદ તોડી પડાયા પછી એક કેસ આ જમીનના માલિકી હક્ક અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં નોંધાયો હતો. આ કેસમાં હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે ૩૦ સપ્ટેમ્બર ર૦૧૦ ના ર.૭૭ એકરની જમીન પર પોતાનો ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા અનુસાર જમીનનો એક તૃત્યાંશ ભાગ રામ મંદિરને આપવમાં આવે જેનું પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભા કરે. બીજો એક તૃત્યાંશ હિસ્સો સુન્ની વકફ બોર્ડને અને બાકીનો ભાગ નિર્મોહી અખાડાને આપવામાં આવે ત્યારપછી ૯ મે ર૦૧૧ ના હિન્દુ અને મુસલમાન પક્ષોએ તેના વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. જેનો આજે ચૂકાદો આવ્યો છે.

close
Nobat Subscription