મોટી રાફુદળ પાસે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયોઃ પરપ્રાંંતિય શખ્સ અટકમાં

જામનગર તા. ૨૧ઃ લાલપુરમાં રાફુદળ-ગજણા ગામ વચ્ચેથી યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેને કબ્જે કરી આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાની આશંકા સેવી હાથ ધરેલી તપાસમાં આ યુવાનનો આડાસંબંધના મામલે કાંટો કાઢી નખાયાનું બહાર આવ્યું છે. મૃતકને એક પરપ્રાંતિય શ્રમિકની પત્ની સાથે સંબંધ હતો જેની જાણ થઈ જતાં પ્રેમિકાના પતિએ બે સાગરીત સાથે મળી તે યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશથી એક આરોપીને ઉપાડી લઈ કોવિડ ટેસ્ટ માટે ખસેડ્યો છે.

લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામથી ગજણા તરફ જતાં માર્ગ પરથી ગુરૃવારની સવારે એક યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના પાછળના ભાગમાં તેમજ ચહેરા પર કોશ જેવા હથિયારથી ઘા ઝીંકવામાં આવ્યા હોવાના નિશાનો જોવા મળતાં આ યુવાનની હત્યા થઈ હોવાની આશંકા સેવી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક મૂળ રાફુદળ ગામનો વતની અને હાલમાં જામનગરમાં ગોકુલનગરમાં રહેતો જયેશ કરમશીભાઈ મઘોડીયા (ઉ.વ.૨૭) હોવાનું ખુલ્યું હતું.

રાફુદળ ગામમાં જ રહેતા મૃતકના ભાઈને બોલાવી લાલપુરના પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે શરૃ કરેલી તપાસમાં મૃતકનો મોબાઈલ અને પર્સ ગુમ હોવાનું જણાઈ આવતા પોલીસે મૃતકના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવા સહિતની કાર્યવાહી આરંભી હતી અને જે સ્થળેથી મૃતદેહ મળ્યો તે સ્થળ પાસે મજૂરી કામ કરતા કેટલાંક શ્રમિકોના નિવેદનો નોંધ્યા હતાં જેમાં પોલીસને કેટલાંક તારણો મળ્યા હતાં.

શરૃઆતથી જ પોલીસ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા રાખતી હતી તે આશંકા ખરી પડવા પામી છે. મૃતકને એક પરપ્રાંતિય શ્રમિકના પત્ની સાથે સંબંધ હોવાની પોલીસને વિગત મળતા પોલીસે તે શ્રમિકની શોધખોળ શરૃ કરી હતી પરંતુ શકમંદ શ્રમિક ગુમ હોવાનું જાણવા મળ્યું હતું આથી પીએસઆઈ બી.એસ. વાળાના માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસની ટુકડી તે શ્રમિકના વતન મધ્યપ્રદેશ સુધી ધસી ગઈ હતી.

મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કુંદનનગર ગામમાંથી પોલીસે શંકર ઉર્ફે સીમુરીયો નામના શખ્સને અટકાયતમાં લીધો હતો. તે શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યા મુજબ તેમના પત્ની સાથે મૃતક જયેશને ત્રણેક વર્ષથી આડો સંબંધ હતો જેની જાણ શંકરને થઈ જતાં તેણે પોતાના અન્ય બે સાગરીતને સાથે રાખી જયેશને પતાવી દેવાનો પ્લાન ઘડી કાઢયો હતો અને તેના ભાગરૃપે બુધવારે બપોરે કે સાંજે જયેશને ગજણા નજીકની રાંદલવાળી  સીમ પાસે રોકી તેના પર કોશ અને અન્ય હથિયાર વડે હુમલો કરી આગળ ઘા ઝીંકતા લોહીલુહાણ બની ઢળી પડેલો જયેશ મોતને શરણ થયો હતો અને આરોપીઓ તેનો મોબાઈલ અને પર્સ કાઢી લઈ નાસી ગયા હતાં.

હાલમાં પીએસઆઈ બી.એસ.વાળાએ આરોપી શંકરની અટકાયત કરી છે અને તેને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે અને તેના બે સાગરીતોને પકડી પાડવા સગડ દબાવ્યા છે.

close
Ank Bandh
close
PPE Kit