સામાજિક અંતર જાળવવા ઘરમાં જ રહીએઃ આવશ્યક ચીજ-વસ્તુઓ મળી રહેશેઃ પૂનમબેન માડમ

જામનગર તા. ર૬ઃ જામનગરમાં કોરોનાને લઈને લેવાયેલા પગલાં અને કરાયેલી વ્યવસ્થાઓ અંગે કૃષિમંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને સંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

જામનગરની કલેક્ટર કચેરીમાં કૃષિમંત્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને કોરોના વાઈરસની બીમારી સામે લડવા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં બૃહદ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિષયક ક્વોરેન્ટાઈન સુવિધાઓ, આઈસોલેશન વોર્ડ અને સેમ્પલ ચેકીંગ અંગેની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ તંત્ર દ્વારા ક્વોરેન્ટાઈન સેન્ટરો અને જી.જી. હોસ્પિટલમાં બેડની સુવિધાઓ, વેન્ટિલેટરની સુવિધાઓની તૈયારીઓ વિશે મહાનુભાવોને જણાવવામાં આવ્યું હતું.

આ તકે તંત્ર દ્વારા કોરોનાની બીમારી સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરતા મંત્રી આર.સી. ફળદુએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ બીમારી સામે લડવા દરેક પ્રકારની તૈયારીઓ સતંષકારક રીતે કરવામાં આવી છે, ત્યારે જનતાને પણ અનુરોધ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે લક્ષ્મણરેખા ન ઓળંગવાની અપીલ કરી છે તેને જામનગરવાસીઓ પણ સમર્થન આપે અને તેનો અમલ કરે. આપણું ગામ, આપણો જિલ્લા, આપણું રાજ્ય કે આપણું રાષ્ટ્રમાં કોરોના વાઈરસની બીમારીને ફેલાવવામાં આપણે નિમિત્ત ન બનીએ અને ઘરમાં જ રહીએ તેમ કહી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જીવન જરૃરિયાતની દરેક વસ્તુઓ આ સમયમાં પણ દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવી જ રહી છે અને હજુ પણ કરવામાં આવશે. લોકો કોઈ અફવાથી ન ભરમાય, સ્વચ્છતા જાળવે, વારંવાર હાથ ધોઈ સેનીટાઈઝરનો ઉપયોગ કરી આ બીમારીને રોકવામાં આગળ આવે, પોતાની જાતને સાચવે અને પરિવારને બચાવે.

આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અને આ વાઈરસને ફેલાતો અટકાવવા સામાજિક અંતર રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, વિશ્વના અનેક પ્રગતિશીલ દેશોમાં આ બીમારી સામે ઝઝુમી રહ્યા છે ત્યારે આ મહામારીનો કોઈ ઉપાય નથી અને તેનાથી બચવા આપણે વાઈરસથી બચવું જ રહ્યું. આ માટે લોકો કોઈપણ સ્થળે એકઠા ન થાય તદુપરાંત જીવનજરૃરી ચીજોની દુકાનો પર પણ પાંચથી વધુ લોકો ન એકઠા થાય, તે પાંચ લોકો પણ સામાજિક અંતર જાળવે જેથી આ વાઈરસને ફેલાતો અટકાવી શકાય. સાંસદે કોઈપણ વ્યક્તિને તેમજ પશુઓને પણ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે અને તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. પશુધન માટે પણ દુકાનો ચાલુ રાખવામાં આવી છે ત્યારે આ આપદાથી બચવા બહાર જવાનું અટકાવીએ. વગર કારણે બહાર ન નીકળીએ. ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ અને તંત્રને સહયોગ આપીએ. આ અપીલ સાથે લોકો પોતે જાગૃત રહી ઘરમાં રહે. અન્યથા તંત્રને પણ ફરજિયાત લોકો પર કાર્યવાહી કરવાની ફરજ બનશે તેથી કોઈપણ બહાને બહાર ન નીકળીએ. તંત્ર પગલાં લે એવું ના કરીએ અને કોરોનાના વાહક ન બનીએ. વાલીઓ પણ બાળકોને સમજાવી ઘરની બહાર ન નીકળવા દે તેમ સાંસદે ઉમેર્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપીન ગર્ગ, એસ.પી. શરદ સિંઘલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા વગેરે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Subscription