Advertisement

ગુજરાતમાં બેરોજગારી અંગે દાવાઓ અને વાસ્તવિકતા કં૫નીઓનો કાન પણ આમળવો જરૃરી...

ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે, તેઓ દાવો રાજ્ય સરકારના પ્રવકતાઓ અવાર-નવાર કરતા રહે છે, પરંતુ આ પ્રકારના દાવાઓ માટે વાસ્તવિકતા કાંઈક અલગ જ હોય છે. હકીકતે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, અને કોરોના પછી તો પરંપરાગત વ્યવસાય કરતા ઘણાં લોકો પણ બેકાર થઈ ગયા છે, અને તેના પરિવારો આર્થિક તંગીમાં અટવાયા છે. આર્થિક તંગીના કારણે આત્મહત્યાની  ઘટનાઓ પણ બની રહી છે અને આ કારણે જ વ્યાજંકવાદીઓની ચુંગાલમાં ફસાયેલા પરિવારોની સ્થિતિ વધુ કફોડી પણ બની જતી હોય છે.

ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ એટલું બધું ઊંચુ છે કે માસ્ટર ડિગ્રી, વિશેષ લાયકાતો અને એમબીએ કે એન્જિનિયરીંગ કરેલા યુવક-યુવતીઓ પણ નોકરી માટે રઝળપાટ કરતા જોવા મળતા હોય છે, એટલું જ નહીં, કેટલાક યુવક-યુવતીઓ તો તેમની લાયકાતની સરખામણીમાં તદ્દન ઓછા પગારમાં (મજબૂરીના કારણે) નોકરી કરતા કે સ્વીકારતા પણ જોવા મળે છે.

ગુજરાતમાં કોરોનાની બે લહેર આવી અને તમામ કામ-ધંધા-વ્યવસાય પાછળ ધકેલાઈ ગયા. લાખો લોકો પરેશાનીમાં મૂકાયા, હજારોની નોકરી ગઈ તો ઘણાં લોકોના કામ-ધંધા બરબાદ થઈ ગયા. રાજ્ય સરકારે પણ કોરોનાના કારણે સરકારી નોકરીઓ માટે ભરતી એક-દોઢ વર્ષ સુધી કરી શકી નહીં. હવે કેટલાક વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની કવાયત શરૃ થઈ છે, ત્યારે રાજ્યમાં બેરોજગારીનું સ્પષ્ટ ચિત્ર પણ જોવા મળી રહ્યું છે.

રાજ્ય સરકારે હવે પોલીસતંત્ર સહિત વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૃ કરી છે. એલઆરડી,  પીએસઆઈ કેડર, બિન સચિવાલય કલાર્ક, સચિવાલય ઓફિસ, આસિસ્ટન્ટ વગેરેની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૃ થતાં જ ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો છે.

આ ભરતીઓ માટે જાહેરાત થતાં જ બેરોજગાર શિક્ષિતોમાં હડિયાપટ્ટી શરૃ થઈ ગઈ હતી. લગભગ ૧૬ હજાર જેટલી ખાલી જગ્યાઓ માટે ૨૪ લાખથી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા હોય, તો તે રાજ્યમાં બેરોજગારીનું બિહામણું ચિત્ર જ દર્શાવે છે, તેમ ન કહી શકાય ?

માત્ર એલઆરડીમાં જ એક જગ્યા માટે લગભગ ૧૦૦ ઉમેદવારો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે સાડા દસ હજાર જેટલી જગ્યાઓની સીધી ભરતી માટે લોક રક્ષક ભરતી બોર્ડે અરજીઓ મંગાવતા ૧૨ લાખ જેટલી અરજીઓ આવી પડી હોવાનું કહેવાય છે. જો કે, તેમાંથી સાડા નવ લાખ જેટલી અરજીઓ જ કન્ફર્મ કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં એક જગ્યા દીઠ ૯૫ જેટલા ઉમેદવારો સ્પર્ધામાં છે, તેમ કહી શકાય.

પોલીસ સબ ઈન્સ્પેકટરની પણ ૧૩૮૨ જગ્યાઓ માટે ચાર લાખથી વધુ અરજીઓ થઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. બીજી તરફ બિન સચિવાલય કલાર્કની ચાલીસેક હજાર જેટલી ખાલી જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર વર્ષ-૨૦૧૮ માં લીક થયા પછી રદ થયેલી એ પરીક્ષાઓ પણ હવે વર્ષ-૨૦૨૨ ના પ્રથમ બે માસ દરમિયાન લેવાશે. તેમાં પણ દસ લાખથી વધુ ઉમેદવારો હોવાની ચર્ચા છે.

જીપીએસસી દ્વારા વર્ગ-૧ અને ૨ ની જગ્યાઓ માટે લેવાનારી પરીક્ષાઓ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ફરીથી પાછળ ઠેલાઈ ગઈ છે. જો કે એકાદ અઠવાડિયા કે પખવાડિયા પુરતી મોકૂફ રહેલ આ પરીક્ષાઓની નવી તારીખો જાહેર થતાં જ પરીક્ષાર્થીઓ સખ્ત મહેનત કરવા લાગ્યા છે. હવે આ પરીક્ષાઓના ચાર તબક્કા નવમી જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં સંપન્ન થશે.

નવા હરખીલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસબેડા ઉપરાંત હોમગાર્ડઝ-ગ્રામરક્ષકદળની ભરતી માટે પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગોમાં પણ ભરતી થશે, તેમ છતાં બેરોજગારોનો આંકડો જોતા આ ભરતીએ ઊંટના મુખમાં જીરૃ મૂકવા સમાન જ હશે. બીજી તરફ વિવિધ કારણોસર ૯૭ હજારથી વધુ અરજીઓ રદ કરવામાં આવી હોવાથી ચર્ચા પણ થઈ રહી છે.

હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૃ થતાં જ તેને અનુસાંગિક પ્રવૃત્તિઓ, સાહિત્ય વિતરણ, માર્ગદર્શક વર્ગો અને તાલીમ વગેરેનો ધમધમાટ શરૃ થઈ રહ્યો છે. કેટલાક સેવાભાવી લોકો નિઃશુલ્ક તાલીમ પણ આપી રહ્યા છે.

જો કે, હવે પછી કયારે ભરતી થશે, તે નક્કી નથી, કારણ કે રાજ્ય સરકારે કરકસરના પગલા જાહેર કરી દીધા છે, તેથી હવે આઉટ સોર્સીંગથી જે સેવાઓ લેવા પર ભાર મૂકાયો છે. માત્ર ગૃૃહવિભાગ હેઠળની જ ૧૬ હજાર જગ્યાઓ માટે ૨૪ લાખ અરજીઓ આવી હોય, તો તે રાજ્યની વ્યાપક બેરોજગારીનું સ્પષ્ટ પ્રમાણ જ ગણાય ને ?

સરકારી નોકરીઓની મર્યાદા હોય છે, તેથી રાજ્યમાં ઉદ્યોગ-વ્યાપાર અને કૃષિક્ષેત્રે પણ વધુમાં વધુ રોજગારી મળી રહે તેવા કદમ રાજ્ય સરકારે ઉઠાવવા જ પડે, રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને મંજુરી અપાય, પરવાના અપાય, સ્થાનિક લોકોને મહત્તમ રોજગારીની શરતો રાખવામાં આવે, તેમ છતાં સ્થાનિકોના બદલે અન્ય સ્થળેથી વધુ લોકોને રોજગારી આપવાનો ટ્રેન્ડ ખતમ થતો જ નથી. સરકારે આ માટે જાયન્ટ કંપનીઓનો કાન પણ આમળવો જોઈએ. કેટલીક જાયન્ટ કંપનીઓના હાલારસ્થિત પ્લાન્ટના વડાઓ કે સર્વેસર્વા અન્ય રાજ્યના હોય, તો તે તરફ જ મોઢંુ રાખતા હોય છે, જેથી સ્થાનિક શ્રમિકો જ નહીં, પરંતુ લાયકાત ધરાવતા લોકોને પણ અન્યાય થતો હોય છે, જ્યારે કેટલાક ગુજરાતી માલિકો કે કાર્યવાહકો પણ આશ્ચર્યજનક રીતે સ્થાનિકોની અવગણના કરતા હોવાની રાવ ઉઠી રહી છે, તે પણ હકીકત છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit