અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળનાર સામે કડક કાર્યવાહીની જિલ્લા કલેક્ટરની તાકીદ

જામનગર તા. ર૬ઃ જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે આજે એક જાહેર નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં લોકોને કડક ભાષામાં સૂચના આપી છે કે અનિવાર્ય કામ સિવાય જો ઘરની બહાર નીકળશો તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે.

જામનગરમાં લગભગ દરેક વિસ્તારોમાં લોકોને રાશન, શાક-ભાજી, દૂધ, દવા વિગેરે મળી જ રહે છે. તેમ છતાં લોકો ઘરથી દૂર ખરીદીના બહાને બહાર ફરી રહ્યા છે. છેક હાપા યાર્ડ સુધી શાક-બકાલુ લેવા જવાનું બહાનુ બતાવે છે. આવી દૂરની ખરીદી માટે લોકોને બહાર નીકળવા પર રોક લગાવવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા જરૃરી ખરીદી કે અનિવાર્ય કામકાજ પતાવી તરત જ ઘરે ચાલ્યા જવા અને ઘરમાં જ રહેવા જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને અપીલ કરી છે. આ ઉપરાંત સેવાભાવી અનેક સંસ્થાઓ દ્વારા ભોજન-નાસ્તા વગેરેના સહકાર માટે તૈયારી દર્શાવી છે. તેને આવકારતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ખૂબ જ સારી ભાવના છે, પણ સ્લમ વિસતારો કે અન્ય પછાત-ગરીબ વિસ્તારો-અગરિયા પરિવારો વગેરેને સંસ્થા દ્વારા રાંધેલું ભોજન આપવા જવાથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતા રહે છે. આથી રાંધેલા ખોરાકના બદલે સૂકુ કરિયાણું આપવા સૂચના આપી છે. આ સૂકુ કરિયાણું તંત્ર દ્વારા જરૃરિયાતમંદ પરિવારોને પહોંચાડવામાં આવશે. જે સંસ્થાઓ નાણાકીય મદદ કરવા માંગતી હોય તેઓ પણ જી.જી. હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટ નંબર ૩રપ૧૧૦૧૦૦૦ ૩ર૪રર માં રકમ જમા કરાવી આર્થિક સહયોગ આપી શકે છે.

close
Nobat Subscription