Advertisement
Author: નોબત સમાચાર

'નમૂના' તો લીધા, પણ... નશ્યત થશે? યોગ્ય ચકાસણી થશે, કે 'આંખની શરમ' નડશે?

                                                                                                                                                                                                 

ગાંડા બાવળનું જંગલ ઉગ્યું હોય અને તેને સારૂ કરવું હોય તો માત્ર બાવળિયા ઉખેડીને ફેંકી દેવાથી નહીં ચાલે, પરંતુ તેના ઊંડે ઊંડેથી મૂળિયા પણ કાઢીને બાળી નાંખવા પડે, તેવું કહેવાય છે. એવી જ રીતે ઉધઈ થઈ ગઈ હોય તો તેને ખૂણે ખૂણેથી શોધી કાઢીને તેનો નાશ તો કરવો જ પડે, પરંતુ લાકડાના બારસાખ, દરવાજા, ફર્નિચર, સ્ટેશનરી વિગેરેમાં પણ તેનો પગપેસારો થયો હોય તો તેમાં ઉધઈ હટાવવાના નિષ્ણાતો વિશેષ ઢબે ઉધઈનાશક દવાનો વારંયાર છંટકાવ કરે, અને બારી-દરવાજા, ફર્નિચર વગેરેમાં 'ઈન્જેક્શન' લગાવે, તેમ છતાં જો નાની સરખી ઉધઈ પણ બચી જાય, તો ફરીથી તેમાંથી કરોડોની સંખ્યામાં ઉધઈ ઉત્પન્ન થઈ જતી હોવાની વાતો આપણે બધાએ સાંભળી છે. આ જ 'વરવી વિશેષતા' ગેરરીતિ, ભેળસેળ, દગાખોરી અને ભ્રષ્ટાચારની છે. આ તમામ દુર્વૃત્તિઓ (ખરાબ પ્રવૃત્તિઓ) ને ડામવી હોય તો તેનો મૂળમાંથી સમૂળગો નાશ કરવો જરૂરી હોય છે, અને તે માટે માત્ર ઉપરછલ્લી કડક કાર્યવાહીથી પૂરેપૂરો ઉદ્દેશ્ય સિદ્ધ થતો હોતો નથી. જેવી રીતે ઉધઈ જ્યાં દેખાઈ હોય, ત્યાં જ નહીં, પરંતુ આખેઆખા સંકુલમાં તેનો નાશ કરવા માટે ખૂણે ખૂણે તથા દીવાલો-દરવાજાઓ-ફર્નિચરના પોલાણમાં દવા છાંટવી પડે અથવા ગાંડા બાવળ જરૂરી જમીનમાંથી જ હટાવવાના બદલે સમગ્ર વિસ્તારમાંથી ઊંડેથી મૂળિયા સહિત સાફ કરવા પડે, તેવી જ રીતે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, દગાબાજી કે ભેળસેળની બદીને ડામવા માત્ર ચેકીંગ સમયે પકડયા એટલા જ વિસ્તાર કે એ જ દિવસ-અઠવાડિયા પૂરતી મર્યાદિત કાર્યવાહી કરવાના બદલે જ્યાં ગંદકી, ગેરરીતિ કે ગરબડ જણાય, ત્યાં સતત ચેકીંગ અને કાર્યવાહી કરતા જ રહેવું પડે, અન્યથા તોતિંગ પગાર મેળવતા તંત્રોના તિક્કડમ્ જ ગણાઈ, જેનો કોઈ અર્થ નથી, અને આ પ્રકારની દરેક વારતહેવારે થતી ડ્રામેબાજી પછી લોકોને કડક કાર્યવાહી થતી હોવાનું દેખાય નહીં, તો તેથી તંત્રો અને શાસકોની વિશ્વસનિયતા પણ ઘટી જતી હોય છે. ઘણી વખત આ પ્રકારના ચેકીંગ દરમિયાન નાની નાની માછલીઓને પકડીને તવંગર મગરમચ્છોને છાવરવાના પ્રયાસો થતા હોય છે, એટલે કે ગેરરીતિ, ભેળસેળ, દગાબાજીના મૂળિયા થડ અને ડાળીઓ યથાવત્ રાખીને માત્ર પાંદડા તોડીને તેની પબ્લિસિટી કરી દેવામાં આવતી હોય છે, મતલબ કે અસલ મોટા ભેળસેળિયા અને દગાબાજો, નફાખોરો કે ભ્રષ્ટાચારીઓને બદલે નાના નાના ગરબડદાસોને પકડીને તથા તેનો ઢોલ પીટીને પ્રચાર કરીને ફૂડ શાખાઓ કે આરોગ્ય તંત્ર કે સુરક્ષા તંત્રોની કામગીરી દેખાડી દેવામાં આવતી હોય છે, અને તેથી જ આ પ્રકારની બદી દરેક તહેવારોમાં પણ પનપતી રહે છે, કારણ કે આખું વર્ષ આ મોટા ગોરખધંધાર્થીઓની 'મધૂર દૃષ્ટિ' સંબંધિત તંત્રવાહકો પર રહેતી હશે, જેથી તહેવારો ટાણે 'આંખની શરમ' કદાચ નડી જતી હશે.

જો કે, આ વખતે દિવાળીના તહેવારો પહેલા જામનગરમાં જે 'ચેકીંગ' થઈ રહ્યું છે, તેમાં નાની ઉધઈ, નાના બાવળીયા કે ટપુડા પાંદડા જ નહીં, પરંતુ તવંગરોને ત્યાં પણ ઓચિંતુ ચેકીંગ થયું છે, અને કેટલીક નામચીન અને કેટલીક ખ્યાતનામ પેઢીઓને ત્યાં પણ ચેકીંગ કરીને 'નમૂના' લેવાયા છે, તેથી લોકોને એવું લાગે છે કે આ વખતે તંત્રને કદાચ આંખની શરમ નડી નથી, અથવા વર્ષ દરમિયાન લાલચુ તત્ત્વો પર મીઠી દૃષ્ટિ રહી નથી, અથવા 'ઉપરથી' કોઈ કારણે પ્રેસર આવ્યું હશે. જે હોય તે ખરૂ, પણ આ વખતે વિવિધ પ્રકારના ચેકીંગ દરમિયાન તંત્રોએ કેટલાક એવા 'નમૂનાઓ' લીધા છે, જે પબ્લિકને ઘણાં જ પસંદ આવ્યા છે. હવે સવાલ એ રહે છે કે લેવામાં આવેલા 'નમૂનાઓ' તપાસનાર લેબોરેટરી સુધી જો 'મીઠી દૃષ્ટિ' પહોંચી શકે છે કે કેમ? જો ત્યાં સુધી 'મીઠી દૃષ્ટિ' પહોંચી જશે, તો હિંમત કરીને 'આઉટ ઓફ બોક્સ' ચેકીંગ કરનારા 'પ્રામાણિક' ચેકરોની મહેનત પાણીમાં જશે, અને જો આ નમૂનાઓનું 'વાસ્તવિક' પૃથ્થકરણ થયા પછી તેના દરેક 'અસ્સલ' રિપોર્ટો જાહેર થશે, અને તેને કડક સજા સાથે દંડ થશે, તો એવું કહી શકાય કે ભાજપના શાસકો તથા ત્રિપલ એન્જિનોના તાબા હેઠળ કામ કરતા તંત્રોના કેટલાક દાવાઓમાં દમ છે...

જામનગરમાં માત્ર ખાવા-પીવાની ચીજોના વિતરકો, હોટલ-રેસ્ટોરન્ટ-અલ્પાહાર ગૃહો કે રોડ પર રેંકડી કે કેબિનો રાખીને ખાવા-પીવાની ચીજો વેંચતા ધંધાર્થીઓ જ નહીં, પરંતુ મોટું નામ ધરાવતી પેઢીઓ, બેકરીઓ, ખાદ્યતેલ, વેસણ તથા ડ્રાયફ્રૂટના વેપારીઓ સહિત વ્યાપક ચેકીંગ થતા ભલે હાલતુરત ફફડાટ ફેલાયો હોય, પરંતુ આ કડક કાર્યવાહીની ફલશ્રૂતિ ત્યારે જ ગણાશે, જ્યારે ચેકીંગ દરમિયાન લેવાયેલા તમામ 'નમૂનાઓ'ના લેબરિપોર્ટ પણ આવી જ રીતે વિતરકો-ધંધાર્થીઓના નામો સાથે પ્રસિદ્ધ થાય અને દોષિત જણાયા હોય તેની સામે ક્યા કાનૂની પગલાં લેવાયા અને સજા કે દંડ થયો, તેની અધિકૃત રીતે જાહેરાત સંબંધિત તંત્રો દ્વારા જ ફરજિયાતપણે કરાશે, સમજદાર કો ઈશારા બહેતો...

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh