લાલપુરના પ્રાંત અધિકારીને ધમકી આપ્યાની જીગર માડમ સામે રાવ

જામનગર તા. ૧૩ઃ જામજોધપુરના અમરાપર ગામમાં પવનચક્કી ઊભી કરતી એક કંપનીએ પોતાની જગ્યામાં દબાણ કર્યાની અમરાપરના ખેડૂતે રાવ સાથે લાલપુર એસડીએમ કોર્ટમાં કેસ કર્યો હતો. તે કેસનો ચુકાદો ખેડૂતની તરફેણમાં આપવા માટે ગઈકાલે જામનગરના એક શખ્સે એસડીએમ કચેરીમાં નાયબ મામલતદારને મોબાઈલ પર કોલ કરી ગાળો ભાંડી ધમકી આપ્યાની અને એસડીએમ માટે એલફેલ બોલ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આરોપીની અન્ય જિલ્લામાંથી ઈલેકટ્રોનિક સર્વેલન્સના આધારે સગડ શોધી અટકાયત કરી લેવાઈ છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ લાલ૫ુર તાલુકાના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એન.પી. સાવલીયા (ઉ.વ. ૩૩)એ ગઈકાલે સાંજે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં ઓપેરા વિન્ડ ફાર્મ નામની ખાનગી પેઢીએ પવનચક્કીઓ ઊભી કરવા માટે હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત જમીન સંપાદન કર્યુ હતું.

જમીન સંપાદનમાં અમરાપર ગામના જ એક ખેડૂત-કરશનભાઈ અરજણભાઈ ભારવડીયાની જગ્યામાં પણ સંપાદન કરી લેવાયું હોવાની રજુઆત સાથે કરશનભાઈએ થોડા સમય પહેલાં લાલપુરના એસડીએમની કોર્ટમાં પવનચક્કી કંપનીના એમડી વિગેરે સામે કેસ નોંધાવ્યો હતો. જેમાં તેઓએ પોતાની જમીનમાં દબાણ (ઓવરલેપીંગ) થઈ ગયું હોવાની રાવ કરી હતી.

આ કેસ હાલમાં પેન્ડીંગ છે તે દરમ્યાન જામનગરના જીગર માડમ નામના શખ્સે લાલપુર સ્થિત એસડીએમ કચેરીમાં નાયબ મામલતદાર (શીરસ્તેદાર)ની ફરજ બજાવતા જી.આર. ડાભીને તેમના મોબાઈલ પર કોલ કરી વાતચીત કર્યા પછી કરશનભાઈની તરફેણમાં જ હુકમ કરાવજો તેમ કહી ધમકી ઠપકારી હતી. વાતચીતમાં નાયબ મામલતદારે તમે આ કેસમાં કોઈ પક્ષકાર નથી તેવી વાત કરતા જીગર માડમે તમને તકલીફમાં મૂકી દઈશું તેમ કહી મોટા અવાજે ગાળો ભાંડી એસડીએમ માટે પણ એલફેલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને મામલતદારને મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરોક્ત ફરિયાદ લાલપુરના પીએસઆઈ ડી.એસ. વાઢેરે આઈપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૯ હેઠળ નોંધી છે. તે દરમ્યાન શરૃ કરાયેલી તપાસમાં ઈલેકટ્રોનિક સર્વેલન્સમાં આરોપીનો મોબાઈલ નંબર સર્ચ કરાતા તેમાં મળેલા લોકેશનના આધારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી જીગર માડમની અટકાયત કરી લેવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit