બાઈક સરખું ચલાવવાનું કહેતા રિક્ષાચાલક પર ત્રણ શખ્સોએ ગાળો ભાંડી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

જામનગર તા. ૨૧ઃ જામનગરના દિગ્જામ સર્કલ નજીક ખુલ્લા ફાટક પાસે એક રિક્ષા ચાલકે ત્રિપલ સવારીમાં જતાં બાઈકના ચાલકને વાહન સરખું ચલાવવાનું કહેતાં રિક્ષાચાલક પર ત્રણ શખ્સે હુમલો કર્યો છે. જયારે ઓખાની ગાંધીનગરીમાં પતિ-પત્નીને ત્રણ વ્યક્તિએ માર માર્યો છે.

જામનગરના મયુરનગર આવેલા આઠ માળીયા આવાસમાં રહેતાં અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા જીતેન્દ્રભાઈ પંડ્યા ગુરૃવારે સાંજે દિગ્જામ સર્કલ નજીકના ખુલ્લા ફાટક પાસેથી પોતાની રિક્ષા ચલાવીને જતા હતાં ત્યારે સામેથી ત્રિપલ સવારીમાં એક મોટરસાયકલ ધસી  આવ્યું હતું તેના ચાલકની બેફીકરાઈથી રિક્ષા તથા બાઈક અથડાતા રહી ગયા હતાં. આથી જીતેન્દ્રભાઈએ બાઈક સરખું ચલાવવાનું કહેતાં બોલાચાલી થઈ હતી.

ત્યારપછી મોટરસાયકલ પર જઈ રહેલા જીવણ બાવરી તથા બે અજાણ્યા શખ્સે ગાળો ભાંડી પાઈપ તથા ઢીકાપાટુ વડે હુમલો કરી જીતેન્દ્રભાઈનો હાથ ભાંગી નાખ્યો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪, જીપીએકટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ઓખામંડળના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ભીખુભાઈ પાણખાણીયાનો પુત્ર ગઈકાલે છાસ તથા બકાલુ લેવા ગયો હતો ત્યારે અમન સુલતાન સોઢાએ તે તરૃણની મશ્કરી કરી નામ બગાડતા ઘરે આવીને પુત્રએ પિતા પ્રકાશભાઈ તથા માતા નિરૃબેનને વાત કરી હતી. ત્યારપછી તેમના ઘરે ધસી આવેલા અમન, સુલતાન સોઢા, જુબેદાબેન સુલતાને ગાળો બોલી લાકડી તથા ઢીકાપાટુ વડે પ્રકાશભાઈ તથા નિરૃબેનને માર માર્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit