| | |

દિગ્વિજય પ્લોટમાં ભાડાના મકાનમાં કરાતું શરાબનું વેચાણ ઝડપાયુંઃ ૧૦૭ બોટલ કબજે

જામનગર તા. ૧૧ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ ૫૮માં એક મકાનમાંથી એલસીબીએ શરાબની ૧૦૭ બોટલ અને બીજા એક મકાનમાંથી પોલીસે છ બોટલ કબજે કરી છે. ચાર આરોપીઓ નાસી ગયા છે ઉપરાંત એક સ્કૂટરમાં લઈ જવાતી ૧૨ બોટલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૫૮માં આવેલા એક તબીબના દવાખાનાવાળી શેરીમાં કેટલાક શખ્સો મકાન ભાડે રાખી તેમાંથી અંગ્રેજી શરાબનું વેચાણ કરતા હોવાની બાતમી એલસીબીના ભગીરથસિંહ, દિલીપ તલાવડીયા, હરદીપ ધાધલને મળતા ગઈકાલે બપોરે પીઆઈ આર.એ. ડોડીયાના વડપણ હેઠળ એલસીબીના કાફલાએ ત્યાં આવેલી ડોકટર કટારીયાવાળી ગલીમાં કપીલ અશોકભાઈ ભદ્રા નામના શખ્સના ભાડાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાસી લેવાતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૧૦૭ બોટલ મળી આવી હતી જ્યારે કપીલ ભદ્રા, તેના સાગરીત કાનો જગદીશભાઈ મંગે તથા રાહુલ પરસોત્તમ ભદ્રા નાસી છુટ્યા હતાં. ત્રણેય શખ્સો સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૫૮માં કૃષ્ણનગર શેરી નં. ૧માં વિમલ રામજીભાઈ મંગે ઉર્ફે જાડાના મકાનમાં ગઈકાલે રાત્રે સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડી તલાસી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૬ બોટલ મળી આવી હતી. જ્યારે આરોપી નાસી ગયો હતો.

જામનગરના રણજીત નગર પાસે આવેલા નેવીલ પાર્ક નજીકથી ગઈકાલે રાત્રે પસાર થતા જીજે-૧૦-સીડી-૭૧૧૩ નંબરના એક્ટીવા સ્કૂટરને પેટ્રોલીંગમાં રહેલા ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફે શકના આધારે રોકાવી તેના ચાલક જયદીપ ચંદ્રકાંતભાઈ જોઈસરની તલાસી લેતા આ સ્કૂટરમાંથી અંગ્રેજી શરાબની ૧૨ બોટલ નીકળી પડી હતી. પોલીસે જયદીપની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે આ જથ્થો સંજય પરમાર નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબુલાત આપી છે. પોલીસે સંજયના સગડ દબાવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit