Advertisement
Author: નોબત સમાચાર

ભારતને વાતચીત માટે મનાવવા શાહબાઝ શરીફે યુએઈના રાષ્ટ્રપતિ સમક્ષ કરી કાકલૂદી!

૫ાક.ના પી.એમ.ની અપીલને શેખ નાહ્યાને ગંભીરતાથી લીધી હોય તેમ જણાતું નથીઃ

નવીદિલ્હી તા. ૧૯ઃ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગયા અઠવાડિયે યુએઈના પ્રવાસ દરમિયાન ત્યાંના શેખ નાહ્યાન સમક્ષ ભારતને પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે તૈયાર કરવા અંગે કાકલૂદી કરી હોવાના અહેવાલો છે. જો કે, પાક. માટે ઝટકારૃપ એ છે કે, સંયુક્ત નિવેદનમાં આ વખતે પણ 'કાશ્મીર' શબ્દનો ઉલ્લેખ જ કરી શકાયો નથી.

શાહબાઝ શરીફે ગયા અઠવાડિયે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને કાકલૂદી કરી હતી કે, તે ભારતને પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર કરે. પાક.ના અખબાર 'ધ ડોન'એ બુધવારે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યાે છે.

રિપોર્ટ અનુસાર શાહબાઝે ઝાયેદને કહ્યું કે, ભારત અને વડાપ્રધાન મોદી સાથે તમારા ઘણા સારા સંબંધો છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો.. તો ભારતને અમારી સાથે વાતચીત માટે તૈયાર કરો.

મંગળવારે ગલ્ફ કન્ટ્રીઝની ન્યૂઝ ચેનલ 'અલ અરેબિયા'એ શાહબાઝનો ઈન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કર્યાે હતો. બુધવારે તેનો બીજો ભાગ સામે આવ્યો, જેમાં શરીફે ખુદ મોદી અને ભારત સાથે વાતચીત માટે પોતાની આતૂરતાની વાત સ્વીકારી છે. શાહબાઝ ગયા અઠવાડિયે જીનિવાથી પરત ફરતી વખતે યુએઈ ગયા હતા ત્યાંથી તેમને પૂર રાહત માટે એક અબજ ડોલરની લોન પણ મળી. બાદમાં તેમણે અહીં અલ અરેબિયાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો તેનો કેટલોક ભાગ મંગળવારે સામે આવ્યો. તો બુધવારે બીજા ભાગમાં કેટલીક નવી બાબતો સામે આવી.

ઈન્ટરવ્યૂમાં એક સવાલ પર પાકિસ્તાનના વઝીર-એ-આઝમ કહે છે, મેં શેખ નાહ્યાન પાસે મદદ માગી છે. મેં તેમને ભારતને વાતચીત માટે તૈયાર કરવા કહ્યું છે. યુએઈ ભારત સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે અને તે આપણો મુસ્લિમ ભાઈ પણ છે. જો તેઓ ઈચ્છે તો વડાપ્રધાન મોદી અને ભારતને વાતચીત માટે તૈયાર કરી શકે છે. પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે અને આ માટે ગંભીરતાથી વાતચીત કરવી જરૃરી છે. મેં શેખ નાહ્યાનને પણ વચન આપ્યું છે કે, પાકિસ્તાન હવે સંપૂર્ણ ઈમાનદારી સાથે અને પરિણામ મેળવવા વાતચીત કરવા ઈચ્છે છે.

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાને ભલે કોઈ વચન કે અપીલ કરી હોય, પરંતુ યુએઈ એ શરીફની વાતને ગંભીરતાથી લીધી નથી. તેના દાખલા કે પુરાવાઓ પણ સામે આવી ચૂક્યા છે.

હકીકતમાં ૧ર જાન્યુઆરીએ મુલાકાત પછી પાકિસ્તાન અને યુએઈ દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાન માટે શરમજનક બાબત છે કે આ નિવેદનમાં ક્યાંય કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ નથી, જો કે આ પણ પ્રથમ વખત નથી. અગાઉ સાઉદ્દી અરેબિયાએ પણ સંયુક્ત નિવેદનમાં કાશ્મીર શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. બીજી તરફ પાકિસ્તાન આ બન્ને દેશને પોતાનો ઈસ્લામિક ભાઈચારો કહેતા થાકતું નથી.!

રિપોર્ટ મુજબ શાહબાઝ શરીફે કહ્યું હતું કે, 'અમે ગરીબી ખતમ કરવા માગીએ છીએ. અમે સમૃદ્ધિ અને પ્રગતિ ઈચ્છીએ છીએ. અમે અમારા લોકોને શિક્ષણ આપવા માગીએ છીએ. તેમને સ્વાસ્થ્ય સવિધાઓ અને રોજગાર આપવા માગીએ છીએ. અમે બોમ્બ અને દારૃગોળા પર અમારા સંસાધનોનો બગાડ ન કરી શકીએ.' હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સંદેશ આપવા માગું છું. આપે બન્ને પરમાણુ શક્તિઓ છીએ. સંપૂર્ણ રીતે શસ્ત્રોથી સજ્જ છીએ. ભગવાન ન કરે કે યુદ્ધ થાય, જો આમ થશે તો કોણ બચશે?

રિપોર્ટ મુજબ શાહબાઝે આ ઈન્ટરવ્યૂ કે યુએઈના પ્રવાસ દરમિયાન પાક. પ્રેરિત આતંકવાદ રોકવા અંગે કોઈ જ વાત કરી નહીં હોવાથી ભારતે પણ આ વાતોને ગંભીરતાથી લીધી હોય કે યુએઈ એ તેના પર કોઈ વિશેષ લક્ષ્ય આપ્યું હોય તેમ જણાતું નથી.

જો કે, કાશ્મીર રાગ આલાપતા શાહબાઝે કહ્યું હતું કે, કાશ્મીરમાં માનવાધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. કલમ ૩૭૦ હેઠળ કાશ્મીરીઓને મળેલા અધિકારો ભારતે છીનવી લીધા છે. ઓગસ્ટ ર૦૧૯ માં ઓટોનોમી નાબૂદ કરવામાં આવી હતી. ભારતમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ બધું કોઈપણ ભોગે બંધ થવું જોઈએ, જેથી વિશ્વને સંદેશ જાય કે ભારત વાતચીત માટે તૈયાર છે.

ભારત સાથે ત્રણ યુદ્ધમાંથી બોધપાઠ લીધોઃ શરીફ

તેમણે કહ્યું, 'ભારત અને પાકિસ્તાન પડોશીઓ છે અને એકબીજા સાથે રહેવાનું છે. એ આપણા પર છે કે આપણે શાંતિથી સાથે રહીએ, પ્રગતિ કરીએ કે લડતા રહીએ. અમે ભારત સાથે ૩ યુદ્ધ લડ્યા. આનાથી માત્ર લોકોને ગરીબી અને બેરોજગારી જ મળી. અમે પાઠ શીખી લીધો છે. અમે શાંતિથી રહેવા ઈચ્છીએ છીએ. અમે અમારી વાસ્તવિક સમસ્યાઓ હલ કરવા માગીએ છીએ.'

શાહબાઝે ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh