રણજિતનગરમાં બે નગરસેવકને ગાળો ભાંડી સાત શખ્સે આપી ધમકી

જામનગર તા. ૪ઃ જામનગરના રણજિતનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે પૂરપાટ ઝડપે ઘોડાગાડી દોડાવીને નીકળેલાં એક શખ્સને ત્યાં હાજર બે નગરસેવકે ઠપકો આપતાં ઘોડાગાડીવાળાએ પોતાના છ સાગરીતને બોલાવી ગાળાગાળી કર્યા પછી વરવી દાદાગીરીનું પ્રદર્શન કરી છરી બતાવતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

જામનગરના રણજિત નગર વિસ્તારમાં આવેલાં પટેલ સમાજના બિલ્ડીંગમાં હાલમાં કોરોનાના વધેલા સંક્રમણ વચ્ચે કોવિડ સેન્ટર ખોલવા માટે જ્ઞાતિજનો વચ્ચે નક્કી થયાં પછી હોસ્પિટલને લગત કામગીરી માટે પટેલ સમાજમાં કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. તેમાં નિરિક્ષણ માટે ગઈકાલે પટેલ જ્ઞાતિના જ અને ભાજ૫ના નગરસેવક એવા ગોપાલભાઈ ગોરધનભાઈ સોરઠિયા તથા દિવ્યેશ અકબરી આવ્યાં હતાં.

આ બન્ને વ્યક્તિઓ અને અન્ય કેટલાંક જ્ઞાતિજનો ગઈકાલે સાંજે સાતેક વાગ્યે પટેલ સમાજની ઇમારતના દરવાજા પાસે ઉભા રહી વાત કરતાં હતાં ત્યારે ત્યાંથી અક્રમ યુસુફ સફિયા નામનો શખ્સ પોતાની ઘોડાગાડી પૂરપાટ ઝડપે દોડાવીને નીકળ્યો હતો. આ શખ્સને ગોપાલભાઈએ, "આવા ભરચક્ક વિસ્તારમાં ઘોડાગાડી દોડાવીને ન નીકળો, કોઈ અકસ્માત સર્જાશે." તેમ કહેતાં અક્રમે વાણી-વિલાસ કર્યો હતો.

ત્યારપછી થોડે દૂર જઈ અક્રમે ફોન કરી કેટલાંક શખ્સોને બોલાવ્યાં હતાં. તેથી ઈમરાન રઝાક મકરાણી, મુસ્તાક હનિફ સફિયા, કાસમ ઓસમાણ બ્લોચ અને ત્રણ અજાણ્યા શખ્સ ધસી આવ્યાં હતાં. સાતેય શખ્સે ગોપાલભાઈ પાસે જઈ, "ઘોડાગાડી આમ જ ચલાવાશે." તેમ કહેતાં દિવ્યેશભાઈ અકબરીએ મધ્યસ્થી કરી હતી. તેથી સાતેય શખ્સોએ ગાળાગાળી શરૃ કર્યા પછી અક્રમે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી દિવ્યેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બાબતની મોડીરાત્રે ગોપાલભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એમ. જે. જલુએ આઈપીસી ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩,  ૧૪૭, ૧૪૮, જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit