કોરોનાના લોકડાઉન સંદર્ભે કેન્દ્ર સરકારે જાહેર કર્યું ૧ લાખ ૭૦ હજાર કરોડનું પેકેજ

નવી દિલ્હી તા. ર૬ઃ કોરોનાને લઈને લોકડાઉનના સંદર્ભે કેન્દ્ર સરકારે રૃા. ૧ લાખ ૭૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ સહાય જુદી-જુદી રીતે લોકોને પહોંચાડાશે. જેની વિગતવાર જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરે કરી છે.

કોરોના મહામારી વચ્ચે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર ગરીબો માટે કામ કરી રહી છે. કોરોના સંકટ પર સરકારની નજર છે. કોરોના સામેની લડાઈ માટે રૃા. ૧ લાખ ૭૦ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરીએ છીએ. ગરીબોના ખાતામાં પણ રકમ ટ્રાન્સફર કરીશું.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જરૃરિયાતોને સહાય પહોંચાડાશે. મનરેગા, વિધવા, દિવ્યાંગો, નિરાધાર-વૃદ્ધ, પેન્શન યોજના, જનધન યોજના, ઉજ્જવલા યોજના, મહિલા ગ્રુપ, સ્વસહાય જુથો, દિનદયાળ યોજના તથા ઓર્ગેનાઈઝ વર્કર્સના ખાતામાં જમા કરીને અને ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે. તે ઉપરાંત મફત અનાજ અને કઠોળની જાહેરાત પણ થઈ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અત્યારે પ્રેસ કોન્ફરનસ કરી રહ્યા છે. તેમણે કોરોના સામે લડાઈમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે પ૦ લાખ રૃપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી ર૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાઠરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે. આ પેકેજ ૧ લાખ ૭૦ હજાર કરોડનું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં પ૦ કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને પ કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે. ૧ કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે પણ અપાશે. મનરેગામાં દૈનિક મજૂરી ૧૮ર રૃપિયાથી વધારીને ર૦૦ રૃપિયા કરવામાં આવી છે. પ કરોડ પરિવારોને ફાયદો થશે. તે ઉપરાંત પ.૬૩ કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો તાત્કાલિક ફાયદો મળશે. ખેડૂતોના ખાતામાં ર૦૦૦ નો પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે. વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના ૧૦૦૦ રૃપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનોલાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે. ર૦ કરોડ મહિલા જનધન એકાઉન્ટ હોલ્ડરને વધારાના પ૦૦ રૃપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ૮ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થજશે.

અસંગઠીત ક્ષેત્રના મજૂરો માટે ત્રણ મહિના સુધી ઈપીએફમાં અંશદાન સરકાર જમા કરાવશે. એવા ક્ષેત્ર જેમાં ૧૦૦ થી ઓછા કામદારો છે અને જેમનો પગાર ૧પ,૦૦૦ થી ઓછો છે. જેમાં કામદારોના ઈપીએફમાં ૧ર ટકા માલિકે જમા કરાવાનું હોય છે તે સરકાર ત્રણ મહિના સુધી જમા કરાવશે.

આ ઉપરાંત કર્મચારી તેમના પ્રોવીડન્ટ ફંડમાંથી ૭પ ટકા સુધીની રકમ ઉપાડી શકશે. બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા મજૂરોની મદદ રાજ્ય સરકાર તેમના ફંડમાંથી કરી શકે છે. વેલફેર ફંડના માધ્યમથી રાજ્ય સરકારો કન્સ્ટ્રક્શન મજૂરોની મદદ કરી શકે છે. જેનાથી નિર્માણ ક્ષેત્રના ૩.પ કરોડ મજૂરોને ફાયદો મળશે.

સ્વાસ્થ્ય વીમાનો લાભ અને સારવાર-આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા આશાવર્કર અને સફાઈ વર્કરથી માંડીને ટેકનિશીયનો, પેરા-મેડિકલ સ્ટાફ અને નર્સીંગ સ્ટાફ વિગેરેને મળશે. આ સ્વાસ્થ્ય વીમાનો લાભ ૨૦ લાખ લોકોને મળશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણયોજના હેઠળ અનાજ-દાળ વિગેરેનો લાભ દેશના ૮૦ કરોડથી વધુ ગરીબોને મળશે. ગરીબ વૃદ્ધો, નિરાધાર, વિધવા પેન્શન મેળવતા લોકો તથા દિવ્યાંગોને વધારાના રૃા. ૧૦૦૦ની સહાય ત્રણ હપ્તામાં મળશે, જે તેના ખાતામાં જમા થશે.

જનધન ખાતુુ ધરાવતી મહિલાઓના ખાતાઓમાં વધારાના પાંચસો રૃપિયા ત્રણ મહિના સુધી જમા થશે.

સંગઠીત ક્ષેત્રોના શ્રમિકો માટે રૃા. ૩૧ હજાર કરોડના વેલફેર ફંડનો ઉપયોગ કરવા અને ડિસ્ટ્રીક્ટ ફંડનો ઉપયોગ કરવાની વાત પણ નાણામંત્રીએ કરી હતી. તે ઉપરાંત કેટલાક લાભો આપવાની જાહેરાત થઈ હતી.

નાણામંત્રીએ સ્વ આશ્રય જૂથોને રૃા. ૧૦ લાખની લોન  ગેરેન્ટી વિના મળતી હતી, તે હવે ર૦ લાખ સુધી વધારવાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ ૭ કરોડ પરિવારોને મળશે.

નાણામંત્રી આ જાહેરાતો કરી રહ્યાં છે, જેમાં લોકડાઉનને લઈને કોઈને ભોજન વિના રહેવું ન પડે અને કપરો કાળ વિતાવવામાં મુશ્કેલી ન પડે તેનો ખ્યાલ રખાયો હોવાનું અને લાભો સત્વરે અપાશે તેમ જણાવ્યું હતું.

close
Nobat Subscription