| | |

જામનગરના સુભાષપાર્કમાં બાળક પર મોત બની જીવંત વીજ વાયર ત્રાટક્યો

જામનગર તા. ૧૦ઃ જામનગરના રણજીતસાગર રોડ પર સુભાષ પાર્કમાં આજે સવારે એક બાળક પર જીવંત વીજ વાયર મોત બનીને ત્રાટક્યો હતો. તે બાળકને વાયર સાથે ચોંટી તરફડીયા મારતો જોઈ દોડેલો રિક્ષાચાલક પણ દાઝી ગયો છે. બાળકનું મૃત્યુ થયું છે. આ વિસ્તારમાં વીજ પુરવઠો અટકાવવા સ્થાનિક કચેરીને જાણ કરાઈ હતી પરંતુ કચેરીનો ફરજ પરનો સ્ટાફ કચેરીમાં હોવાના બદલે ચાની કીટલીએ ટોળટપ્પા કરતો હોય લોકોમાં રોષ પ્રસર્યો હતો તે ઉપરાંત ગઈકાલે ગુલાબનગરમાં પતંગ ચગાવવા ચડેલા બાળકને પણ વીજ આંચકો ભરખી ગયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા સુભાષપાર્ક વિસ્તારમાંથી આજે સવારે આઠેક વાગ્યે બાઈની વાડી પાસે રહેતો પ્રદીપ અશ્વિનભાઈ મકવાણા નામનો ૧૦ વર્ષનો તરૃણ ચાલીને પસાર થતો હતો ત્યારે તે બાળક પર ઉપરથી જતો જીવંત વીજ વાયર તૂટીને પડતા આ બાળકને જોરદાર વીજ આંચકો લાગતા સ્થળ પર જ તરફડીયા માર્યા હતાં.

આ બનાવ વેળાએ ત્યાંથી પસાર થતા રિક્ષા ડ્રાયવર અમરસીભાઈ ભગવાનજીભાઈ કોળી (ઉ.વ. ૪૫) એ ઉપરોક્ત દૃશ્ય નિહાળી દોટ મૂકી પ્રદીપને વાયરથી અલગ કરવાનો પ્રયત્ન શરૃ કર્યો હતો જેમાં અમરસીભાઈ પણ દાઝી ગયા છે. બનાવના સ્થળે હાજર લોકોએ ૧૦૮ને જાણ કરવા ઉપરાંત પીજીવીસીએલની સુભાષ પાર્ક વિસ્તારમાં આવેલી કચેરીએ ફોન લગાડી તે વિસ્તારનો વીજ પુરવઠો અટકાવવાની માંગણી કરી હતી. પરંતુ અંદાજે ત્રીસેક મિનિટ સુધી સતત લગાડવામાં આવેલા ફોન સુભાષ પાર્ક સ્થિત પીજીવીસીએલ કચેરીમાં નો રિપ્લાય થતા સોએક જેટલા વ્યક્તિ રૃબરૃ રજુઆત માટે કચેરીએ દોડી ગયા હતાં. આ વેળાએ ત્યાં ફરજ પર હાજર ત્રણ વીજકર્મીઓ ઓફિસમાં બેસવાના બદલે નીચે ઉતરી સામેના ભાગમાં આવેલી ચાની એક કીટલીએ જોવા મળ્યા હતાં. જેઓને આ બનાવથી વાકેફ કરાતા ત્રીસ મિનિટ પછી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

બનાવના સ્થળે પહોંચેલી ૧૦૮ મારફત પ્રદીપ તથા અમરસીભાઈને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રદીપનું સારવાર કારગત નીવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે જ્યારે દાઝી ગયેલા અમરસીભાઈને સારવાર આપવામાં આવી રહી છે. વીજ કંપનીની સ્થાનિક કચેરીને ત્રણેય કર્મચારીઓ સામે રોષ પ્રસર્યો છે. બનાવની વિગતો પોલીસને મળતા પોલીસ કાફલો પણ દોડી ગયો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ જેનો ભોગ લેવાયો છે તે બાળક પ્રદીપ બાઈની વાડી વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાંથી આ દલીત બાળક ગઈકાલે જ સુભાષપાર્ક વિસ્તારમાં રહેતા પોતાના માસીને ઘેર આવ્યો હતો જ્યાંથી આજે સવારે આઠ વાગ્યે આ બાળક કોઈ કામસર બહાર નીકળ્યો ત્યારે જીવંત વીજ વાયર ત્રાટકતા કાળનો કોળીયો બની ગયો છે.

વીજ આંચકો લાગવાથી મૃત્યુનો બીજો બનાવ જામનગરના ગુલાબનગર નજીકના શિવનગરમાં બન્યો છે. ગઈકાલે આ વિસ્તારમાં રહેતા દેવેન્દ્રભાઈ મગનભાઈ કબીરા નામના વાલ્મિકી યુવાનનો નવ વર્ષનો પુત્ર ધાર્મિક પોતાના મકાનના ધાબે ચડી પતંગ ઉડાળતો હતો ત્યારે પતંગની દોર વીજળીના જીવંત વાયરને અડકી જતા ધાર્મિકને વીજ આંચકો લાગ્યો હતો. આ બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. જમાદાર વી.પી. સોઢાએ પિતા દેવેન્દ્રભાઈનું નિવેદન નોંધ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit