| | |

જામનગરમાં ડેન્ગ્યૂથી ચોવીસ કલાકમાં બે દર્દીના મૃત્યુ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાને કાબુમાં લેવા તંત્ર ઉંધા માથે છે. આમ છતાં ડેન્ગ્યૂનો રોગચાળો કાબુમાં આવતો નથી છેલ્લા ર૪ કલાકમાં બે દર્દીઓનાં મૃત્યુ નિપજતાં તંત્રની દોડધામ વધી જવા પામી છે.

આ ઉપરાંત ૬૦ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હોવાના રિપોર્ટ મળ્યા હતાં. આમ રોગચાળો કાબૂમાં લેવાની તંત્રની  કામગીરી પણ રોગીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

જામનગરમાં ત્રણેક માસથી ડેન્ગ્યૂનો રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે. રાજ્યમાં કદાચ સૌથી વધુ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે ૬૦ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં જે આગલા દિવસની સરખામણીએ લગભગ બમણા હતાં. કારણ કે આગલા દિવસે ૩ર કેસ હતાં.

આ દરમિયાન તા. ૮ ના તાવની બીમારીની સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બાબુભાઈ મેરૃભાઈ આંબલિયા નામના ર૩ વર્ષના યુવાનનું તા. ૯ ના એટલે કે ગઈકાલે મૃત્યુ નિપજ્યું હતું તેને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હતો. જ્યારે આજે સવારે પણ એક દર્દીનો ડેન્ગ્યૂમાં ભોગ લેવાયો છે. શહેરની મધુરમ સોસાયટીમાં રહેતી માનસીબેન નામની બાવીસ વર્ષની યુવતીનું આજે ડેન્ગ્યૂની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. આમ અત્યાર સુધીમાં ડેન્ગ્યૂથી કુલ નવના મૃત્યુ થયા છે.

ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં ૬૦ દર્દીઓ ડેન્ગ્યૂના નોંધાયા હતાં તેમાંથી જામનગર ગ્રામ્ય વિસ્તારના પાંચ દર્દીઓનો સમાવેશ થાય છે, તો જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૭ દર્દીઓ છે.

આમ જામનગર શહેરમાં જ સૌથી વધુ ડેન્ગ્યૂનો રોગચાળો વકર્યો છે. તંત્ર પણ રોગચાળાને અંકુશમાં લેવા તમામ પ્રયાસો કરતું હોવાના દાવા કરી રહ્યું છે, જો કે રોગચાળો વકરતો જતો હોવાના આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સીઝનમાં જામનગર શહેરના કુલ પાંચ દર્દીના ડેન્ગ્યૂના રોગચાળામાં મૃત્યુ થયા છે, તો ગ્રામ્ય વિસ્તારના બે દર્દીઓનું મૃત્યુ થયા છે જ્યારે એક મૃત્યુનો કેસ અન્ય જિલ્લામાં નોંધાયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit