જામનગરમાં કોરોના સામેના જંગ માટે તંત્ર સજ્જઃ ચાર ખાનગી હોસ્પિટલોને મંજુરી

ડોક્ટરોને રપ-રપ ના ગ્રુપમાં અપાશે તાલીમઃ યુ.કે.નો નવો સ્ટ્રેનઃ કોવિડ હોસ્પિટલમાં દર બે કલાકે એક મૃત્યુઃ

જામનગર તા. ૭ઃ જામનગરમાં કોરોના સંપૂર્ણ અંકુશ બહાર ગયો છે. આ સંક્રમણને રોકવા તંત્ર ઉંધા માથે થયું છે. આમ છતાં સંક્રમણ અટકતું નથી. બીજી તરફ સરકારી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે હવે ફરી વખત ખાનગી હોસ્પિટલની સેવા લેવામાં આવનાર હોવાનું અને આ માટે ચાર ખાનગી હોસ્પિટલને મંજુરી આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પણ અનેકવિધ પગલાં લેવામાં આવનાર છે અને આ માટે આયોજનો થઈ રહ્યા છે.

૧ર૦૦ બેડની જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં અડધાથી વધુ બેડ ભરેલા છે અને દરરોજ અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે આગામી ટૂંક સમયમાં જ હોસ્પિટલ દર્દીઓથી 'પેક' થઈ જશે, જ્યારે વધતી જતી દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને જામનગરમાં તંત્ર દ્વારા આગોતરૃ આયોજન થઈ રહ્યું છે. આ માટે સતત મિટિંગોના ધમધમાટ ચાલી રહ્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગરની નવી ચાર ખાનગી હોસ્પિટલને મંજુરી આપવામાં આવી રહી છે. જેમાં ડો. શમા, સ્પંદન, શ્રદ્ધા અને સમર્પણ હોસ્પિટલનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ કોવિડ કેન્દ્ર શરૃ કરવા ગતિવિધિ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત હાપા સમરસ હોસ્ટેલ ૪૦૦ બેડની સુવિધા સાથે પૂનઃ શરૃ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. બીજી તરફ જામનગરમાં વધતા જતાં અને બેકાબૂ બની રહેલા કોરોના સંક્રમણની કામગીરી ઉપર સતત દેખરેખ અને આનુસંગિક કામગીરી માટે એક પછી એક અધિકારીઓની નિમણૂકો થઈ રહી છે.

સૌ પ્રથમ નલિન ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવ્યા પછી શ્રી ધનપાલ, શ્રી રાયજાદા અને છેલ્લે વન વિભાગના રાધિકા પણસારાને નિમણૂક આપવામાં આવી છે.

જામનગરની જી.જી. કોવિડ હોસ્પિલમાં મહત્તમ મેડિકલ વિભાગના તબીબોે સેવા આપે છે, જ્યારે હવે અન્ય વિભાગના તબીબોને પણ કોવિડ વોર્ડમાં ફરજ સોંપણી કરવામાં આવનારા છે. આ માટે આજથી રપ-રપ તબીબોને તાલીમ આપવાનો પ્રારંભ પણ થયો છે, જ્યારે જરૃર પડ્યે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) ના તબીબોની પણ સેવા લેવા વિચારણા થઈ રહી છે.

હાલ જામનગરની જી.જી. હોસ્પિટલ (નવી) માં તમામ વોર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તેમજ વધારે જરૃરિયાત ઊભી થાય તો તેના આગોતરા આયોજનના ભાગ રૃપે બંધ રૃમો ખોલવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ હાલ દાખલ કુલ દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ ઓકસિજન, બાયપેપ, વેન્ટિલેટર ઉપર છે. સામાન્ય દર્દ્યીની સંખ્યા તો માત્ર ૧૦ થી ૧પ ટકા જ છે. હાલ જી.જી. હોસ્પિટલના ૩પ૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને વધુ વેન્ટિલેટર મંગાવવામાં આવનાર છે.

આમ જામનગરમાં કોરોનાની ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે.

આ વખતે કોરોનાનો નવો યુકે માફક સ્ટ્રેઈન જોવા મળી રહ્યો છે. જેમાં યુવાનો પણ હડફેટે ચઢી રહ્યા છે અને યુવાનનો મૃત્યુ દર પણ વધ્યો છે, જે કોરોનાની ઘાતકતા દર્શાવે છે.

જ્યારે લોકો હજુ પણ ચૂસ્તપણે નિયમનું પાલન કરતા નથી. આથી તંત્ર વાહકોએ પણ લોકોને અપીલ કરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે.

હાલ જી.જી. હોસ્પિટલમાં ટપોટપ દર્દીઓ મોતને ભેટી રહ્યા છે અને દર બે-ચાર કલાકે એક મૃતદેહ બહાર નીકળી રહ્યો છે, જ્યારે લોકો આ બિહામણું કોરોના સ્વરૃપ જોઈ ગભરાઈ ગયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit