સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતી

વિશ્વમાં અનેક ધર્મ, ઉપાસકો, મહાપુરૃષો થઈ ગયા છે. દરેકની પાસેથી માનવજાતને કંઈક નવું જ્ઞાન, નવી દિશા પ્રાપ્ત થતી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સંતોનું સ્થાન અદ્વિતીય છે. ભારતીય સંત પરંપરા એ આપણને નિઃસ્વાર્થ-ત્યાગી અને માનવતાના પૂજારી એવા અનેક મહાપુરુૂષની ભેટ આપેલ છે. આવા જ અનન્ય સંત એટલે વીરપુરના ભક્ત શ્રી જલારામબાપા.

માં રાજબાઈની કૂખે એક રત્ન શો જલા થયો,

ધરી દેહ માનવનો પછી સત્કર્મથી 'અલ્લા' થયો

સંત અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જન્મ ધારણ કરી વીરપુરમાં જ માનવસેવાનો ભેખ ધારણ કરી સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા દાખવનાર ભૂખ્યાને ભોજન આપનાર જલારામબાપાનું જીવન એ ઉચ્ચ કોટિના ભક્તિનું જીવન છે. પૂ. મહાત્મા ગાંધીએ પોતાના વિશે એમ કહ્યું છે કે ઃ મારું જીવન એ જ મારો સંદેશ છે. પૂ. શ્રી જલારામબાપા માટે પણ આ જ આદર્શ સતત તેમની સમક્ષ રહ્યો હોય તેવું લાગે છે. બા૫ા કહેતા હરિરામનો સહાયક હરિ સમર્થ છે. હું જીવતા લાખનો અને મુઆ પછી સવા લાખનો હોઈશ અને વાત સત્ય માનજો...! કારણ મારો ઠાકર સમર્થ છે.

એક સામાન્ય લોહાણા પરિવારમાં સંવત ૧૮પ૬ના કારતક સુદ સાતમના રોજ જન્મ ધારણ કરી, વીરપુર જેવા નાનકડા ગામને કર્મભૂમિ બનાવી એકલપંડે અને આપબળે તેમણે માવજાત માટે જે કામ કર્યું છે તે પ્રેરણાદાયી છે. સંવત ૧૮૭૦માં તેમણે યજ્ઞોપવિત ધારણ કર્યું. સંવત ૧૮૭રમાં વીરબાઈમાં સાથે લગ્ન કર્યા.

ભૂખ્યાને ભોજન આપવું એ જ એમનો જીવન-ધર્મ અને એ માટે થઈને આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે તેમણે પોતાનો ધર્મ આજીવન નિભાવ્યો. સંવત ૧૮૭૬ના મહા સુદ બીજ ને સોમવાર  ના દિને વીરપુરમાં સદાવૃત બાંધ્યું.

ઉમટે હજારો લોક સૌ, વીરપુર પાવન ધામમાં

શ્રધ્ધા ફળે સહુની સદાયે, સંત જલારામમાં.

જલારામબાપાનું સાદું અને સરળ જીવન માનવ માત્ર પ્રત્યેની કરુણા તથા કર્મયોગને કારણે વીરપુર જગતના નકશા ઉપર શ્રધ્ધાના કેન્દ્રબિંદુ તરીકે અંકિત થઈ ગયું છે. જલારામબાપાએ કોઈ ઉપદેશ નથી લખ્યું, કથા નથી કરી, તેમણે ફક્ત માનવ સહજ કરુણાથી ગરીબો માટે કામ કર્યું છે. તેના સતકાર્યની સુવાસ ચોતરફ ફેલાઈ જાય તે સ્વાભાવિક છે. ગોંડલના મહારાજાએ જલારામબાપાની સેવાવૃત્તિથી પ્રભાવિત થઈ પોતાના શાહી પરિવાર માટે આવેલા ફોટો ગ્રાફરને જલારામબાપાનો ફોટો લેવા વીરપુર મોકલેલા, જે દુર્લભ તસ્વીર આજે પણ મોજુદ છે. આમ રાજાથી માંડી રંક સુધી તમામને પોતાના સેવા કાર્યોથી પ્રભાવિત કરનાર ભક્ત શ્રી જલારામબાપા સ્વયં મહામાનવ હતા.

તેમણે શરુ કરેલી ભુખ્યાને ભોજન આપવાની પ્રવૃત્તિ આજે ખૂબ જ વિસ્તરીને વટવૃક્ષ બની ગઈ છે. ગુજરાતના ઘણાં શહેરોમાં જલારામબાપાના મંદિરો થયા છે. ત્યાં વીરપુરની માફક નાત-જાતના ભેદભાવ વગર સદાવૃત્તો ચાલે છે. ગુજરાત ઉપરાંત દેશ અને હવે તો પરદેશમાં પણ આ ઉમદા પ્રવૃત્તિ ફેલાતી જાય છે. જલારામબાપાની વિચારશરણીને માનનાર ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

આર્યનારી વીરબાઈનું સમર્પણ અનેરૃં, અનોખું અને અદ્વિતીય હતું. સમર્પણની સાધના એ મહાન સિદ્ધિ છે. આ સિદ્ધિ દ્વારા વીરબાઈનું નામ આજે જગવિખ્યાત બન્યું છે. થોડા વખત પછી કોઈ મહાત્મા જલારામના આશ્રમમાં આવ્યા. તેઓ જલારામ અને વીરબાઈની સેવા વૃત્તિથી ખૂબ જ પ્રસન્ન થયાં. તેમણે જલારામને એક લાલજીની મૂર્તિ હું તમને આપું છું. તેમની શુદ્ધ મનથી સેવા કરશો તો પ્રભુ તમને રિદ્ધિ-સિદ્ધિની ખોટ કદી આવવા દેશે નહીં. વૈકુંઠમાં વૈભવ રહેશે, અને બીજું તમારા આશ્રમમાં શ્રી હનુમાનજીની એક ગુપ્ત મૂર્તિ છે, તે તમોને આજથી ત્રીજે દિવસે તમારા ઉપર પ્રસન્ન થઈને તમને દર્શન દેશે. જે મૂર્તિનું અહીં આશ્રમમાં સ્થાપન કરશો અને ખરેખર ત્રીજે દિવસે હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ, જલારામ બાપાને દર્શન થયા. જે વીરપુરના જલારામ આશ્રમમાં આજે પણ આ મૂર્તિના દર્શન થાય છે.

હવે તો રોજેરોજ લાલજી મહારાજ અને હનુમાનજીની પ્રતિમાઓનું પૂજન જલારામ બાપા કરવા લાગ્યા. સાથે-સાથે સદાવ્રતનું કાર્ય તો ચાલુ જ હતું. ગોંડલ, ધ્રાંગધ્રા, જુનાગઢ વગેરેના રાજાઓએ જલારામ બાપાને પોતાના રાજ્યમાં જગ્યા બાંધવા કહ્યું. પરંતુ બાપાએ નમ્રતાથી તેઓને કહ્યું, નામદાર અમારા જેવા સાધારણ માણસોને વળી ગામ-ગરાસ કેવા...? રામ જે ટૂકડો આપે તે સાધુ-સંતોને આપીએ છીએ અને ભગવાનના ભજન કરીએ છીએ. કહેવાય છે કે, જલારામ બાપાને સાક્ષાત અન્નપૂર્ણા પ્રસન્ન થયા હતાં. શ્રી રામ અને હનુમાનજીમાં શ્રધ્ધા રાખનાર જલાનું અન્ન કદી ખૂટયું જ નથી તેઓ ચમત્કારી સંત હતાં. ભંડારી રસોઈ બનાવી દે ત્યારે જલારામ ત્યાં હાજર થઈ જાય. ભગવાન પાસે આ રસોઈ ધરાવાય, પછી ઘી નો દીવો કરે, ભોજન ઉપર એક તુલસીપત્ર મૂકે પછી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, આ તમારા તરફથી બનેલું ભોજન હું સહુ ભક્તોને પીરસું છું ખૂટે-વધે એ તમારે જોવાનું પછી બીજા ભક્તોને કહે, બાપલા, તમ તમારે હવે પીરસવા માંડો, ઠાકોરજીની સાથે વાત થઈ ગયેલ છે. જ્યારે પચ્ચીસ માણસોની રસોઈ બની હોય તેમાંથી પાંચસો માણસ જમી જાય છતાં રસોઈ વધી પડતી. સંતશ્રી જલારામ બાપાએ સદાવ્રતની પ્રવૃત્તિ હાથ ધરીને અન્નદાનની સરવાણી વહેતી કરવાનું ભગીરથ કાર્ય અમલમાં મૂકી, આજે સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામોમાં તથા ગુજરાત-મહારાષ્ટ્ર દેશ-વિદેશમાં ઠેર-ઠેર જલારામ બાપાના મંદિરો અને સદાવ્રતો આજે ચાલુ છે. અને હજ્જારો સાધુ-સંતો અને ગરીબો-જલારામ ભક્તો આ પવિત્ર સેવાનો લાભ લઈ રહ્યાં છે. જલારામ બાપાએ રઘુવંશી સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે.

સેવાભાવી સદાવ્રતી ભક્ત શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી વીરબાઈને પ્રણામ...

સરળતા, સાદગી અને નમ્રતાના પ્રતિક સમા એ સંતજનના જીવનની છેલ્લી સુવાસ આ પૃથ્વી પર સંવત ૧૯૩૭ના મહાવદ દશમને બુધવારના રોજ લઈ બાપા વૈકુંઠ સિધાવ્યા.

આજે આપણે સૌ તેમની ર૨૧મી જન્મ જયંતી ઉજવી રહ્યાં છીએ ત્યારે તેમને કોટિ કોટિ વંદન...

જલારામ જયંતી નિમિત્તે સર્વે જલારામ ભક્તોને જય જલારામ.

દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ...

લોહાણા મહાજન વાડી, હાપાના જલારામ મંદિર, સાધના કોલોનીના તથા તમામ જલારામ મંદિરોમાં જલારામ જયંતીના દિને ફક્ત પૂજન-અર્ચન, મહાઆરતી થશે

close
Ank Bandh
close
PPE Kit