નોર્થ મોંગોલિયન યલો વેગટેલ પક્ષી અલભ્ય પ્રજાતિનું છે
સામાન્ય રીતે ભારતમાં પીળી, ગ્રે, સફેદ, સીટ્રીન, ફોરેસ્ટ, જેવી ૬ જેટલા પ્રકારની વેગટેલ જોવા મળે છે. જેમાં પીળી, ગ્રે, સીટ્રીન અને સફેદ કોમન રીતે તમામ સ્થળોએ જોવા મળતું પક્ષી છે. તાજેતરમાં જામનગર તાલુકાના એક જળાશય નજીક પીળી વેગટેલની આ અલભ્ય પ્રજાતિ એટલે કે સફેદ માથાવાળી જોવા મળી આવી છે. આ પક્ષીને સૌ પ્રથમ નજરે જોનાર જામનગરના પક્ષીવિદ્ આશિષ પાણખાણિયા જણાવે છેકે, પીળી વેગટેલના પણ ઘણા પ્રકારો છે તેમાંથી આ સફેદ માથાવાળી વેગટેલ અલભ્ય છે. તે નોર્થ મોંગોલીયન ચલો વેગટેલ નામથી પણ ઓળખાય છે અને જામનગરમાં સૌ પ્રથમ વખત જોવા મળી હોવાનું મનાય છે. ગુજરાતમાં પણ આ અલભ્ય પક્ષી મળ્યાની નોંધ વિકીપીડિયામાં મળી આવી નથી, તો ભારતમાં પણ આ પક્ષીના જુજ રેકોર્ડ સામે આવેલ છે. ૧પ થી ૧૬ સે.મી.ની લંબાઈ ધરાવતું આ પક્ષી યુરોપ અને એશિયાના કેટલાક દેશોમાં માળા કરે છે અને તે પશ્ચિમ યુરોપ, ઉત્તર પૂર્વિય આફ્રિકા અને દક્ષિણ એશિયામાં સ્થળાંતર કરે છે. ખાસ કરીને નદી કિનારાના મેદાનોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જામનગર નજીક આ અલભ્ય પક્ષી મળી આવતા જામનગરના પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી ઉદ્ભવી છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)