પતંગના પૈસા માંગતા પ્રૌઢ સહિત બે પર ૩ શખ્સનો હુમલો

જામનગર તા. ૧૫ઃ જામજોધપુરના અમરાપરમાં એક મહિલાને જેઠે લાકડી ફટકારી હતી જ્યારે દરેડમાં પતંગની ખરીદી કરવા ગયેલા ત્રણ શખ્સે પૈસા માંગશ? તેમ કહી હુમલો કર્યો હતો ઉપરાંત દિગ્વિજય પ્લોટમાં એક યુવાનને ત્રણ શખ્સે લમધારી નાખ્યો હતો.

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં રહેતા મનોજભાઈ રાજાભાઈ ખુંટીને તેના સગા ભાઈ કારા રાજાભાઈ સાથે મિલકતના ભાગ બાબતે બોલાચાલી થઈ હતી. તે દરમ્યાન ગઈકાલે બપોરે મનોજભાઈ તથા તેમના પત્ની વાલાસણ ગામમાં ખેતરના શેઢે હતા ત્યારે બાજુમાં જ પોતાની જમીન ધરાવતા કારાભાઈએ તમારી જમીન લઈ લેવી છે, કોઈ ચીજવસ્તુ લેવા અહીં આવવું નહીં તેમ કહી મનોજના પત્નીને લાકડી ફટકાર્યાની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતો જયરાજ પથુભા દરબાર અને ચેલા ગામનો ઈમ્તિયાઝ રસીદ લાખા, દરેડનો દીપક ગોહિલ ગઈકાલે દરેડના બસ સ્ટેન્ડ પાસે આવેલી ભાઈલાલ કરશનભાઈ સોલંકીની પતંગ-ફીરકીની દુકાને ખરીદી કરવા ગયા હતાં જ્યાં ખરીદી કર્યા પછી ભાઈલાલે પૈસા માગતા ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ધોકા વડે હુમલો કરી ભાઈલાલ તથા ભાવેશને માર માર્યો હતો.

જામનગરની દિગ્વિજય પ્લોટ ૪૯ નંબરની શેરીમાં હિતેશ ચૌહાણના ભાઈ સાથે ગઈકાલે બપોરે ત્યાં જ રહેતો કનૈયા, રણજીત અને કુમાર નામના ત્રણ શખ્સ બોલાચાલી કરી ગાળો ભાંડતા હતાં. તેઓને હિતેશે વારતા ત્રણેય શખ્સોએ ઢીકાપાટુ વડે માર માર્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit