'સુપ્રિમ' ચૂકાદા પછી દેશના તમામ રાજ્યોમાં એલર્ટઃ યુપીની કિલ્લેબંધી

નવી દિલ્હી તા. ૯ઃ સુપ્રિમકોર્ટના ચૂકાદા પછી દેશના તમામ રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અયોધ્યા સઘન સુરક્ષા વ્યવસ્થા થતાં કિલ્લામાં ફેરવાઈ ગયું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના વિશેષ પ્રબંધો કરાયા છે.

અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલતે પોતાનો ચૂકાદો આપ્યો છે. અયોધ્યા કેસના ચૂકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રાલયે દેશના તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીડિયો કોન્ફરન્સથી દરેક જિલ્લા કલેક્ટર અને એસ.પી. સાથે વાત કરી હતી. યોગી આદિત્યનાથે આદેશ કર્યો કે રાજ્ય સ્તરે એક કંટ્રોલ રૃમ તેમજ દરેક જિલ્લામાં એક-એક કંટ્રોલ રૃમ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવે. આ કંટ્રોલ રૃમ ર૪ કલાક કામ કરશે. મુખ્યમંત્રીએ કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં લખનૌ અને અયોધ્યામાં એક-એક હેલિકોપ્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશના દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અયોધ્યા જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં સૌથી વધારે જેલો બનાવવામાં આવશે. આ માટે સ્કૂલોની પસંદગી કરવામાં આવી છે. આંબેડકરનગરમાં આઠ અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોની ઓછામાં ઓછી પ૦ કંપની તહેનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સુરક્ષા દળોની ૭૦ કંપનીઓ તહેનાત છે.

જમ્મુ-કાશ્મીરના દસ જિલ્લામાં ૧૪૪ મી કલમ લાગુ કરી દેવામાં આવી છે, અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

close
Nobat Subscription