હાલારના ૬પ હજાર પરિવારોના ત્રણ લાખથી વધુ લોકોને પહેલી એપ્રિલથી મળશે મફત અનાજ

જામનગર તા. ર૬ઃ કોરોનાને લઈને લોકડાઉન થતા હાલારના ગરીબોને રાજય સરકાર તરફથી નિયત જથ્થામાં ઘઉ, ખાંડ, ચોખા, દાળ અને મીઠું અપાશે. સસ્તા અનાજની દુકાનો પર પહેલી એપ્રિલથી અપાનાર આ પુરવઠો મેળવવા માટે ભીડ નહીં કરવા અને એકબીજાથી અંતર જાળવવા રાજયમંત્રી હકુભા જાડેજાએ અપીલ કરી છે.

રાજયમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા રાજ્યના ૬૦ લાખ રેશનકાર્ડધારક પરિવારોના ૩ કરોડ રપ લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ૩.પ કિલો ઘઉં, ૧.પ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. ૧-એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રાશનકાર્ડ ધારક પરિવારોને અનાજ માટે પાડવામાં આવશે. હાલમાં હાલારના જામનગર જિલ્લાના કુલ ૪૪,૧૮૦ રેશનકાર્ડ ધારક પરિવારોના ર લાખ ૧૩ હજાર ૭પ૪ લાભાર્થીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર૧,૬૭૦ રેશનકાર્ડ ધારક પરિવારોના ૯૪ હજાર ર૧ લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે. આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અનાજનો પુરવઠો પર્યાપ્ત રીતે મળી રહે અને લોકોને કોઈ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે મટો વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી સતત નિરીક્ષણ કરી અને સંપૂર્ણ પ્રક્રીયાને વ્યવસ્થિત રીતે પાર પાડી લોકોની સેવા કરવા તત્પર છે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે, લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે વ્યવસ્થિત અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૃરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ય બની રહેશે. સાથે જ દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને, જીવન જરૃરી તમામ આવશ્યક વસ્તુઓ સરકાર દ્વારા આ સંપૂર્ણ લોકડાઉનના સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી રાજયમંત્રીએ આપી હતી.

close
Nobat Subscription