| | |

જામનગરમાં રાજ્ય કક્ષાએ દાંતના તબીબો માટે તા. ર૧ અને રર સપ્ટેમ્બરે વર્કશોપ યોજાશે

જામનગર તા. ૧૧ઃ આઈડીએ જામનગર દ્વારા 'એપ્રિલ-ર૦૧૯' શીર્ષક હેઠળ આગામી તારીખ ર૧ અને રર સપ્ટેમ્બરના જામનગરમાં રાજ્ય કક્ષાનો દાંતના ડોક્ટર્સનો વર્કશોપ આરામ હોટેલમાં યોજાવા જઈ રહ્યો છે. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડીન પેટ્રન ડો. જયેશ  પરીખના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત ૧પ૦ થી વધુ ડોક્ટર્સ તેમજ વિદ્યાર્થીઓ લાભ લેશે.

ગુજરાત આઈડીએના પ્રમુખ ડો. કમલ બગડા તેમજ સ્ટેટ ટીમના અન્ય હોદ્દેદારો પણ હાજર રહેશે. ડો. કમલ બગડા વક્તા તરીકે દાંતના મૂળિયાની સારવારને લગતી માહિતી આપશે. ડો. રાજીવ વર્મા કે જેમણે ૩૮૦૦ થી પણ વધુ ડોક્ટર્સને દાંતના કવર બનાવવા માટેની સારવારની બારીકી વિષે તાલીમ આપી છે. તેઓ મુંબઈથી ખાસ આ કાર્યક્રમ માટે મુખ્ય વક્તા તરીકે જોડાશે. રાજકોટના પ્રખ્યાત ડો. નિગમ બુચ પોતાની આગવી શૈલીમાં ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ વિષે વક્તવ્ય આપશે. લાઈવ ડેમો, રેકોર્ડેડ વીડિયોસ, સારવારના દરેક પાસા વિષેના ફોટોગ્રાફ્સ, સફળ સારવાર માટે કેટલીક ટિપ્સ સાથે ખૂબ જ જ્ઞાનવર્ધક આ કાર્યક્રમ બની રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત તા. ર૧, શનિવારના રાત્રિના રાજકોટનું યુવા બેન્ડ મિસ્ટિક ગ્રુવ્સ ધન્વન્તરિ ઓડીટોરિયમમાં પરફોર્મ કરશે. ઉલ્લેખનીય છે કે, જામનગર શાખા, પોતાના ત્રિવિધ આયોજનો દ્વારા સતત પ્રવૃત્ત રહીને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડસ મેળવતી રહે છે. આ વર્ષે ડો. કેતન કારિયાના પ્રમુખપદ હેઠળ વૈવિધ્યસભર આયોજનો હાથ ધરી રહેલી ટીમે 'એપ્રિલ-ર૦૧૯'ને સફળ બનાવવા પૂરી કમર કસી છે. સેક્રેટરી તરીકે ડો. સાગર બુમતારિયા તેમજ ટ્રેઝરર તરીકે ડો. હાર્દિક શેઠ સેવા આપી રહ્યા છે. અનુભવી, સ્થાપિત તેમજ નવોદિત ડોક્ટર્સની કુલ ૪પ સભ્યોની બનેલી કમિટી કાર્યક્રમને ચોક્સાઈથી આયોજિત કરવા માટે ઉત્સાહપૂર્વક કામ કરી રહી છે. રજિસ્ટ્રેશન તથા અન્ય વિગતો માટે દાંતના ડોક્ટર્સ ડો. વિશાલ પંચમતિયા (મો. ૯પ૭૪૩ પ૪૧૪૩) અથવા ડો. રવિ રાઠોડ (મો. ૯૧૦૬૧ ૭૬૦૦૬) નો સંપર્ક કરી શકે છે તેમ આઈ.ડી.એ. જામનગરે જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit