Advertisement

૧૨પ૬ બાળકોએ ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવી અને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

પ્રત્યેક માતા-પિતા તેમના બાળકોને સુ-સંસ્કારીત અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેમ ઈચ્છતા હોય છે. આ માટે વાલીઓ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે તેમનું ખાનગી શાળાઓમાં નામાંકન કરાવતા હોય છે, પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ બદલાઈ છે. રાજ્યની પ્રત્યેક સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે તજજ્ઞ શિક્ષકો ઉપલબ્ધ બને તે માટેના રાજ્ય સરકારના નિષ્ઠાવાન પ્રયાસોએ શિક્ષણમાં ધરમૂળથી બદલાવ કર્યો છે. જેના પરિણામે જે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાના બદલે ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હતા તે વાલીઓ હવે તેમના બાળકોનું નામ ખાનગી શાળામાંથી કઢાવીને પૂનઃ તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યાં છે.

સમગ્ર દેશના લોકો પોતાના સંતાનોના ઉજવળ ભવિષ્યના નિર્માણ માટે મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ તરફ દોટ મુકી રહયા છે, તેવા સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓમાં જુદુ જ ચિત્ર જોવા મળી રહયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી શાળાઓમાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ હવે પલટાયો છે. દેવભૂમિવાસીઓ તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે જિલ્લાની ખાનગી શાળામાંથી તેમના બાળકોનું નામ કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યાં છે.

આજના આ ટેકનોલોજીના યુગમાં કાર્યદક્ષ અનુભવી શિક્ષકો, શાળાનું વાતારવરણ, શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા વગેરેની ચકાસણી કરીને જ વાલીઓ તેમના સંતાનોના ભવિષ્યનો નિર્ણય લેતા હોય છે, તેવા સમયે રાજય સરકારે શિક્ષણને નવા આયામ સુધી પહોંચાડવા માટે શિક્ષણનીતિમાં સુધારણાની સાથે-સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ઉચ્ચકક્ષાની પરિક્ષાઓ પાસ કરેલ શિક્ષકોની ભરતી કરી છે. વિદ્યામંદિરો રૃપી સરકારી શાળાઓમાં તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી શાળાઓમાં વાલીઓની તમામ અપેક્ષાઓ પૂરી થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. જેનાથી પ્રેરાઈને અહિંના વાલીઓએ  તેમના ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા ૧૨૫૬ બાળકોનું ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ ખાનગી શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૨૫૬ બાળકોને તેમના વાલીઓએ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. જેમાં ખંભાળીયા તાલુકાની શાળામાં ૫૩૨, કલ્યાણપુર તાલુકાની શાળામાં ૨૫૩, ભાણવડ તાલુકાની શાળામાં ૨૭૬ અને દ્વારકા તાલુકાની શાળામાં ૧૯૫ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ. વાઢેરના જણાવ્યાનુસાર સરકારની શિક્ષણને ધબકતું બનાવી પ્રત્યેક સરકારી શાળાઓમાં વધુ સારૃ શિક્ષણ ઉપલબ્ધ બને તે માટેની કટિબદ્ધતાના પરિણામે આજે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા ઈ-કલાસ રૃમો જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાલીઓ ખાનગી શાળાના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.

રાજ્યનું પ્રત્યેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે પ્રમાણે ૧૦૦% સાક્ષરતાના ધ્યેયને હાંસલ કરવા માટેના યથાર્થ પ્રયાસોની ફળશ્રુતિ અહીંની શાળાઓમાં જોવા મળી રહી છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit