Advertisement

જામનગરના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદઃ બે લાખનો દંડ ફટકારાયો

મિત્રતાના દાવે એડવોકેટે આપી હતી હાથઉછીની રકમઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના એક એડવોકેટ પાસેથી મિત્રતાના દાવે રૃા. બે લાખની રકમ હાથ ઉછીની મેળવી એક શખ્સે આપેલો ચેક પરત ફરતાં અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. જ્યાં આરોપીએ ચેક આપ્યો જ નથી, પોતાની સહી નથી તેવી કરેલી દલીલો અમાન્ય રાખી અદાલતે તેને તકસીરવાન ઠરાવ્યા પછી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે.

જામનગરમાં વકીલાતની પ્રેકટીસ કરતાં હેમાંશુભાઈ ઈશ્વરભાઈ સોલંકી પાસેથી તેમના મિત્ર બિપીનભાઈ રૃગનાથભાઈ બારૈયાએ રૃા. બે લાખની રકમ મિત્રતાના દાવે હાથ ઉછીની લઈ પોતાના બેંક ખાતાનો ચેક આપ્યો હતો. તે વેળાએ બિપીને ચેક રજૂ કર્યે રકમ મળી જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ઉપરોકત ચેક હેમાંશુભાઈ સોલંકીએ બેન્કમાં રજૂ કરતાં અપૂરતા નાણાં ભંડોળ તેમજ સહી મીસ મેચના શેરા સાથે ચેક પરત ફર્યો હતો.

ત્યારપછી બિપીન બારૈયાને કાયદા મુજબ નોટીસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં તેનો જવાબ કે રકમ નહીં અપાતાં હેમાંશુભાઈએ અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતાં બેંક અધિકારી તેમજ ફરિયાદીની જુબાની લેવામાં આવી હતી.

અદાલતમાં આરોપીએ ઉપરોકત ચેક ફરિયાદીને આપ્યો જ નથી, ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ચેકમાં આરોપીની સહી નથી તેવી તકરાર લેવામાં આવી હતી. તેની સામે ફરિયાદીએ પોતાની હાજરીમાં જ આરોપી બિપીને ચેકમાં સહી કરી આપી છે તેવી દલીલ કરી હતી. બન્ને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી બિપીન બારૈયાને તકસીરવાન ઠરાવી તેને એક વર્ષની કેદની સજા તથા રૃા. બે લાખનો દંડ ફટકાર્યો છે. ફરિયાદી હેમાંશુ સોલંકી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ. આર. ગોહિલ, આર. આર. નાખવા રોકાયા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit