મોડીરાત્રે જામેલી જુગારની મહેફીલ પર પોલિસનો દરોડોઃ કુલ ૩ દરોડામાં ૮ ઝડપાયા

જામનગર તા. ૪ઃ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા છે જ્યારે મોટી ખાવડીમાંથી ત્રણ પત્તાપ્રેમી અને નગરમાંથી એક વર્લીબાજ પણ પોલીસની ગીરફતમાં આવ્યો છે.

લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ગઈરાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રાત્રે બે વાગ્યે ગંજીપાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરી રહેલા કીરિટભાઈ અરજણભાઈ સોનગરા, કલ્પેશસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ, જેસા લાખાભાઈ ચાવડા તથા ધરણાંત નારણભાઈ ચાવડા નામના ચાર શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૦,૮૫૦ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ તેમજ ચાર વ્યક્તિને જાહેરમાં એકઠા થવા પર પ્રતિબંધ હોવા છતાં ઉપરોક્ત શખ્સો એકઠા થયા હોય તેઓની સામે આઈપીસી કલમ ૧૮૮ હેઠળ પણ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં સુલભ શૌચાલય પાસે ગઈકાલે બપોરે ગંજીપાનાથી તીનપત્તી રમતા સુલતાન સીદીક વસા, કાનાભાઈ ગુસાભાઈ ગઢવી, મહીપતસિંહ મુળુભા સોઢા નામના ત્રણ શખ્સને મેઘપર પોલીસે પકડી પાડી પટ્ટમાંથી રૃા. ૭૭૬૦ રોકડા કબજે લીધા છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે વર્લીનું બેટીંગ લેતા રાજુ કરણાભાઈ ચાવડા નામના શખ્સને પકડી પાડી પોલીસે તેના કબજામાંથી રૃા. ૧૧૦૦ રોકડા, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit