રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ'નો મુખ્યમંત્રી રૃપાણીના હસ્તે કરાયો પ્રારંભ

જામનગર અને દેવભૂમિ દ્વારકાના કલેક્ટરો તથા અધિકારી વીડિયો કોન્ફરન્સથી જોડાયા

ગાંધીનગર/જામનગર તા. ૧૩ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ ગઈકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના રોજગાર વાંચ્છુકો માટે ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ'નો પ્રારંભ કરાવ્યો, તેમાં હાલારના બંને જિલ્લાના કલેક્ટરો તથા અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિરાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર રોજગાર સેતુનો પ્રારંભ કરાવ્યો હતો.

દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.

રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (૧ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે,હર હાથ કો કામ, હર ખેતકો પાનીનું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

દરેક યુવાનને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે ૧૨મી જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઇન ભરતી મેળામાં ૨૫,૦૦૦ જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવાની આપણી નેમ છે.

અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છેયુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ  પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ  કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.

રોજગાર તાલીમ નિયામકશ્રી આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.

આ પ્રસંગે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા તેમજ જામનગર ખાતેથી કલેક્ટરશ્રી, રોજગાર મદદનીશ નિયામકશ્રી સાંડપા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાથી જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા રોજગાર અધિકારી તથા જિલ્લાના રોજગાર દાતાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉપસ્થિત રહી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

close
Ank Bandh
close
PPE Kit