Advertisement
Author: નોબત સમાચાર

'વાહ-વાહ... જીડીપી... વાહવાહ' અરે પણ ભલા માણસ... યે જીડીપી-જીડીપી ક્યા હૈ!

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ 'સૌદાગર' ફિલ્મમાં એક ગીત હતું, યે ઈલુ, ઈલુ ક્યા હૈ? અત્યારે ગીતના શબ્દો યાદ આવે છે, કારણકે અત્યારે મોટાભાગના લોકો એકબીજાને પૂછી રહ્યા છે... 'યે જીડીપી-જીડીપી ક્યા હૈ?'

આ સાથે જ શોલે ફિલ્મના એક દૃશ્ય અને ડાયલોગ યાદ આવી જાય છે. ધર્મેન્દ્ર પાણીની ટાંકી પરથી 'બસંતી' સાથે લગ્ન કરવાની માંગણી કરે છે. -અને'સ્યુસાઈડ' જેવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે એકત્ર થયેલ ગામડાના એક પ્રજાજન તેની બાજુમાં ઊભેલી વ્યક્તિને દરેક અંગ્રેજી શબ્દોનો અર્થ પૂછે છે અને ભાઈ, યે સ્યુસાઈડ ક્યા હોતા હૈ!

આ બન્ને બાબતો અત્યારના સંજોગોમાં જીડીપીના આંકડાની જાહેરાતો સમયે ખૂબ જ પ્રાસંગિક બની રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભારતના જીડીપી દરમાં ૭.૮ ટકા વૃદ્ધિ થઈ હોવાથી ચારે તરફથી 'વાહ...વાહ..'ના ઉદ્ગારો સાથે ભારતના મજબૂત અર્થતંત્રની પ્રશંસાના નિવેદનો ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા વહેતા થયા... આપણને સૌને પણ ગૌરવ થવું જોઈએ કે આપણો દેશ જેટ ઝડપે વિકાસ કરી રહ્યો છે અને વૈશ્વિક સ્થિતિ ગમે તેવી હોય, પણ ભારતીય અર્થતંત્ર અડીખમ છે!

આ જીડીપી એટલે શું? 'ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ'ના વધારા-ઘટાડાના આંકડા નાણામંત્રાલય દ્વારા ચોક્કસ સમયાંતરે જાહેર કરવાની પ્રથા છે, પણ ખૂબ જ જટીલ ગણત્રીઓ, આખા દેશના વિવિધ ક્ષેત્રના વેપાર-ઉદ્યોગના ઉત્પાદન, તેની કિંમત વગેરેને આવરી લઈ આ 'જીડીપી'નો નવો આંક જન્મ લ્યે છે. જેમાં સામાન્ય માણસ તો ઠીક પણ ભણેલ-ગણેલ માણસોને પણ સમજ પડતી નથી.

આમ જુઓ તો... દરેક દેશના અર્થતંત્રની તાકાત 'જીડીપી'ના આધારે મૂલવવામાં આવતી હોવાથી અન્ય દેશોના જીડીપી વૃદ્ધિદરની સાથે સરખામણી થતી હોય છે અને આપણે તો અન્ય વિકસિત દેશો કરતા પણ વધુ જીડીપી વૃદ્ધિદર નોંધાવતા હોવાનો દાવો કરતા હોવાથી 'જીડીપી' સત્તાધારી પક્ષ માટે સરકારની અભૂતપૂર્વ સફળતાના પ્રચારનો મુખ્ય મુદ્દો બની જાય છે.

ખરેખર... જીડીપી વુદ્ધિદરના આંકડા ત્રણ-ત્રણ મહિનાના સમયગાળાની ગણત્રીના આધારે જાહેર થતા હોવાની માન્યતા છે. પણ... તે આંકડા દેશના વર્તમાન પરિસ્થિતિની વાસ્તવિક્તા સાથે જાણે કાંઈ લાગતુવળગતું નથી તેવી સ્થિતિ તો છે જ !!

દેશમાં અત્યારે સત્તાધારી પક્ષ સ્વાભાવિકરીતે સ્વીકારે કે ન સ્વીકારે... પણ બેરોજગારી, જીવનજરૂરી ચીજવસ્તુઓમાં મોંઘવારી, ઈંધણના અતિ ઊંચા ભાવ, મોંઘુ શિક્ષણ, અતિ મોંઘી તબીબી સારવાર જેવી અનેક સમસ્યાઓ પ્રવર્તે છે ત્યારે જીડીપીના વૃદ્ધિ દરને કારણે ઉપરની એક પણ સમસ્યામાં કેવી રીતે રાહત મળશે તે કોઈ કહી શકે તેમ નથી.

ઓકે.. દેશના અર્થતંત્રની ઉજળી બાજુ દર્શાવતી આ પ્રક્રિયા સાથે કેન્દ્ર સરકારે દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં દરેક ચીજવસ્તુના ભાવ કેટલા વધ્યા, કેટલી બેરોજગારી વધી, કેટલી સ્કૂલો બંધ થઈ, કેટલી હોસ્પિટલોમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે, કેટલી સ્કૂલોમાં ઓરડા, શિક્ષકોની ઘટ છે, વગેરે બાબતો અંગે પણ એક ચોક્કસ 'ઈન્ડેક્સ'ની જાહેરાત સમયાંતરે કરવી જોઈએ!

બાકી તો... જીડીપીના વધતા વુદ્ધિ દરની વાહવાહી કરવાથી સમગ્ર મામલો અત્યારના સંજોગોમાં તો 'મુંગેરીલાલ કે હસીન સપને' જેવો લાગી રહ્યો છે.

જીડીપી ભલે વધે પણ પ્રજાની સમસ્યાઓ ઘટે તો જ સંતુલન જાળવ્યું ગણાશે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh