Advertisement

જામનગર રેલવે સ્ટેશનની પૂછપરછ બારી પૂનઃ શરૃ

'નોબત'ના અહેવાલનો ગણતરીની કલાકોમાં પડઘોઃ

જામનગર તા. ર૧ઃ જામનગરના રેલવે સ્ટેશન ઉપરની પૂછપરછ બારી બંધ કરવાના સમાચારો પ્રસિદ્ધ થતા જ સાંસદ દ્વારા ત્વરીત પ્રજાહીત માટે સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવતા આજથી આ સેવા શરૃ કરી દેવામાં આવી છે.

જામનગરના રેલવે સ્ટેશનમાં પુછપરછ બારીને બંધ કરી દેવામાં આવી હતી. જેનાથી રેલવે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બીજી તરફ રેલવેના ઉચ્ચ અધિકારીએ જાહેર કર્યું હતું કે, હવે આ પૂછપરછ બારી કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી મસાફરોની સમસ્યાને વાચા આપવા ગઈકાલે 'નોબત'માં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતાં.

સમાચારો પ્રસિદ્ધ થતા જ ગણતરીની મિનિટોમાં સાંસદ પૂનમબેન માડમએ આ અહેવાલોના આધારે જરૃરી સૂચનાઓ આપી હતી. પરિણામે રેલવેના રાજકોટ સ્થિત ઉચ્ચ અધિકારીઓએ ગત્ સાંજે જ ટેલિફોનિક આદેશો આપ્યા હતાં કે પૂછપરછ બારી ત્વરિત ખોલી નાંખવી.

આમ 'નોબત'ના અહેવાલને ગણતરીના કલાકોમાં પડઘો પડ્યો હતો, અને જામનગરના રેલવે મુસાફરોને પૂનઃ આ સેવા મળતી થવા લાગી છે.

સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયની યાદી જણાવે છે કે, જામનગર રેલવે સ્ટેશન ઉપરની રેલવે પૂછપરછ બારી કાયમી ધોરણે બંધ કરાઈ હતી અને સુવિધામાં ઘટાડો થયાના ગઈકાલના અખબારી અહેવાલોના આધારે સાંસદ પૂનમબેન માડમ હાલ નવી દિલ્હીમાં પાર્લામેન્ટમાં હોવા છતાં ત્યાંથી તેઓએ તુરંત જ આ બાબતે રેલવે સત્તાધિશોને આ બારી તાત્કાલિક શરૃ કરવા અને રેલવેની સુવિધાઓ ઓછી ન કરવા સૂચના આપી હતી. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આજે જ જામનગર રેલવે સ્ટેશન ઉપરની કાયમી ધોરણે બંધ કરાયેલ પૂછપરછ બારી પૂનઃ શરૃ કરવામાં આવેલ છે. જેનાથી લોકોની સુવિધાઓ યથાવત્ જળવાઈ રહેલ છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit