Advertisement

મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસના સૂચિતાર્થોઃ શરદ પવારનો ઈશારો કોના તરફ ? ચર્ચાનો મુદ્દો

કોંગ્રેસનું નેટવર્ક દેશવ્યાપી છે, પણ નેતૃત્વના મુદ્દે વિપક્ષોમાં મતભેદો છે

નવી દિલ્હી તા. રપઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નવી દિલ્હીની મુલાકાત માત્ર મીડિયા જ નહીં, પરંતુ શાસક પક્ષ અને વિપક્ષો માટે પણ મહત્ત્વપૂર્ણ બની ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના જોરદાર પ્રચાર અને તૃણમુલ કોંગ્રેસના કેટલાક દિગ્ગજોના પક્ષાંતર પછી પણ મમતા બેનર્જીએ જે ધમાકેદાર વિજય હાંસલ કર્યો અને વિધાનસભામાં બહુમતી મેળવી, તેમ જ તે પછી પેટા ચૂંટણી જીતી લીધી, તેથી તેનું રાજકીય કદ તો વધ્યું જ છે, પરંતુ હવે તેની ગણના મોદીના વિકલ્પ તરીકે પણ થવા લાગી છે. આ સંજોગોમાં મમતા દીદીની દિલ્હીની મુલાકાતે રાજકીય વર્તુળોમાં જિજ્ઞાસા પણ જગાડી છે.

મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને બીએસએફ, ત્રિપુરા અને ગ્રાન્ટના મુદ્દા ઉઠાવ્યા હોવાનો દાવો કર્યો, પરંતુ તેનો ટોન હવે બદલી ગયો હોવાની ચર્ચા છે.

નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે બે દિવસ પહેલા ઘણું જ સૂચક નિવેદન કર્યુ હતું, તેમણે કહ્યું હતું કે, ભાજપ વિરોધી મજબૂત ગઠબંધન રચાય એ જ મહત્ત્વનું છે, તેનું નેતૃત્વ કોણ કરશે, એ મહત્ત્વનું નથી.

આમ તો આ નિવેદન સાદુ અને સરળ જણાય, પરંતુ આ વાત તેમણે એક પ્રશ્નના જવાબમાં કરી હતી. પ્રેસ રિપોર્ટરોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવારને પૂછ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનેર્જી શું આ ગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે...? તેના જવાબમાં શરદ પવારે વધુમાં એમ પણ કહ્યું કે, સંસદના સત્ર દરમિયાન વિપક્ષી એકતા અંગે વિસ્તૃત ચર્ચા થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકો સમક્ષ લોકોની ઈચ્છા મુજબનો એવો મજબૂત વિકલ્પ આપવની જરૃર છે, જે ભાજપને પરાસ્ત કરી શકે. વિવિધ રાજકીય પક્ષો જો લોકોની અપેક્ષાઓ પૂરી કરવાની રણનીતિ (કોમન મીનીમમ પ્રોગ્રામ...?) ઘડશે, તો ભાજપ વિરોધી ગઠબંધનને ધારી સફળતા મળશે. આથી નેતૃત્વ કોઈપણ કરે, પરંતુ ગઠબંધન લોકોની અપેક્ષા મુજબનું થવું જોઈએ. શરદ પવરે ગઠબંધનના નેતૃત્વ અંગે મગનું નામ મરી પાડ્યું નહીં, પરંતુ તેમનો ઈશારો કોના તરફ હતો, તે ચર્ચાનો વિષય બન્યો છે, અને વિવિધ અટકળો પણ થઈ રહી છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના સહયોગથી જ ઉદ્ધવ સરકાર અસ્તિત્વમાં છે, પોતાનું મૂળ ગોત્ર કોંગ્રેસી હોવાથી અને અઘાડી સરકારમાં પણ કોંગ્રેસનો સાથીદાર પક્ષ હોવાથી શરદ પવારે કદાચ નેતૃત્વને લઈને રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી તરફ પણ ઈશારો કર્યો હોય, અથવા બીજા કોઈ કદાવર વિપક્ષી નેતા તેમના દિમાગમાં હોય, તેવું પણ બની શકે. ઘણાં લોકો તો પવારને પોતાને પણ પી.એમ. બનવાની મહત્ત્વકાંક્ષા હોવાનું માને છે, પરંતુ કદાચ તેઓની વર્તમાન સ્થિતિ અને વલણ જોતા તેવું તેઓ ભાગ્યે જ વિચારતા હશે. તેઓ કદાચ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીની સાથે-સાથે વિપક્ષના કોઈ એવા કદાવર નેતાની વાત કરતા હોઈ શકે, જેઓને બધા વિપક્ષોને સ્વીકાર્ય હોય, ભૂતકાળમાં દેવ ગૌડા આવા કોઈ કારણે જ પી.એમ. બન્યા હતાં ને...?

બીજા પક્ષો કરતા કોંગ્રેસનું નેટવર્ક દેશવ્યાપી છે અને સૌથી જૂની પાર્ટી છે, પરંતુ ગઠબંધનના નેતૃત્વને લઈને વિપક્ષોમાં મતભેદો છે, ત્યારે મમતા બેનર્જીની દિલ્હીની મુલાકાત ઘણી સૂચક બની છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit