પાન-તમ્બાકુ-બીડી-સિગારેટના બેફામ કાળા બજાર ચાલુ...!

જામનગર તા. ૨૩ઃ જામનગર શહેર જેવા પાનના શોખીનોના નગરમાં લોકડાઉન-૪ માં માંડ માંડ પાન-મસાલા-તમાકુ-બીડી અને સિગારેટની છૂટ મળી છે. પણ આ છૂટ મળ્યાને અઠવાડીયું થવા આવ્યું છતાં ક્યાંય માલ  મળતો નથી.

આ સમસ્યાના મૂળમાં જઈએ તો લોકડાઉન-૧ શરૃ થયું ત્યારથી જ જથ્થાબંધ વેપારીઓએ બંધ બારણે બે ગણાથી લઈ દસ-વીસ ગણા ભાવ લઈને તમાકુ, સોપારી, ચૂનાના પાર્સલ સહિતનો વેપલો કર્યો અને લોકડાઉન-૪માં છૂટ જાહેર થઈ ત્યાં સુધીમાં બધો માલ વેચાણ કરી માલામાલ થઈ ગયા!

આ જથ્થાબંધ વેપારીઓએ હવે છૂટના સમયમાં તેમની પાસે માલ નથી કહીને હાથ ઊંચા કરી દીધા છે. અને સોપારી, તમાકુ વગેરેની આવક અમદાવાદ તથા અન્ય રાજ્યોમાંથી આવે તો જ માલનું વેચાણ થઈ શકે તેવા ખુલાસા આપવામાં આવી રહ્યા છે.

ખરેખર તો લોકડાઉન-૪માં આ ચીજવસ્તુઓના વેચાણ સાથે તમામ પ્રકારના ટ્રક-ટ્રાન્સપોર્ટેશનની પણ છૂટ છે, અને અઠવાડીયા દરમ્યાન જો આ વેપારીઓ ધારત તો તેમની રૃટીન જરૃરિયાત પ્રમાણેનો જથ્થાબંધ માલ પણ ઓર્ડર આપીને મંગાવી શક્યા હોત અને જથ્થાબંધ માલની ડિલિવરી ચાલુ થવાનો દોર શરૃ થાત તો માલ નથી તેવો પ્રશ્ન જ ઉઠવા પામત નહીં! પણ ૧૦ ગણા ભાવનો સ્વાદ ચાખી ગયેલા વેપારીઓને હવે છાપેલી એમઆરપીની કિંમતે માલ વેચવાનું થોડા સમય માટે તો ફાવે તેમ લાગતું નથી. અને હજી આવકના માલના પણ શક્ય તેટલો લાભ લઈને કાળાબજાર કરવાની લાલચ છોડી શકતા નથી.

જામનગરના વહીવટીતંત્ર, પોલીસ તંત્રએ વ્યસન ભલે આરોગ્યને હાનિકર્તા ગણાતું હોય, પણ એક મોટા માનવ સમૂહને સ્પર્શતા આ પ્રશ્ન અંગે કડકમાં કડક પગલા લઈ તેનું નિરાકરણ લાવવાની જરૃર છે, અને તે પણ હવે જ્યારે સરકારે આ માલના વેચાણ-સેવનની છૂટ આપી છે ત્યારે આ ચીજવસ્તુના સંગ્રહ અને કાળાબજાર કરનારા સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૃર છે.

આ ઉપરાંત લોકડાઉન-૧ શરૃ થયું ત્યારે જો આ જથ્થાબંધ વેપારીઓના સ્ટોકનો રેકોર્ડ રાખતા હોય તો ૨૪મી ફેબ્રુ.ના દિવસનો બંધ સ્ટોક શું હતો, અને લોકડાઉન-૪ના ૧૯મી મે ના દિવસે તે સ્ટોક છે કે નહીં તેની જીણવટભરી તપાસ અને કડક પૂછપરછ કરવામાં આવે તો તમામ સ્ટોક કેવી રીતે ખલાસ થઈ ગયો તેની વિગતો બહાર આવે. પણ આ ચાલાક જથ્થાબંધ વેપારીઓ બંધ ગોડાઉન દુકાનમાં કેટલોક માલ બગડી ગયો હોવાનું બહાનું પણ દર્શાવી છટકબારી શોધી રહ્યા છે. પણ જાહેરમાં ચોમેર જે રીતે ચર્ચાઈ રહ્યું છે તે પ્રમાણે સરકારના ચોક્કસ તંત્ર સાથે કેટલાક માલેતુજાર જથ્થાબંધ વેપારીઓએ સેટીંગ કરી લીધું હતું. અને બિન્દાસપણે દુકાન-ગોડાઉન ખોલીને ત્રણેય લોકડાઉનના સમયગાળામાં મનફાવે તેવા ભાવે આ ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ કર્યું હતું. અને એટલે જ કદાચ આ ત્રણેય લોકડાઉન દરમ્યાન વ્યસનીઓને જોઈએ તેટલો માલ મળતો, પણ તે આ કાળાબજારીયા જે ભાવ માંગે તે ભાવ ચૂકવીને!

હવે શું કરવું? જથ્થાબંધ વેપારીઓએ માલ મંગાવ્યો છે કે નહીં? તેઓ દ્વારા હાલ તેમની દુકાનેથી ખરીદ કરતા શહેરના રેગ્યુલર નાના છૂટક દુકાનદારોને જ માલનું વેચાણ કરવાની વ્યવસ્થા ગોઠવાય તો શહેરના પાંચ હજાર જેટલા પાનના દુકાનદારો તેમનો ધંધો કરી શકે અને લોકોને પણ પોતાના વિસ્તારમાં જ પાન-મસાલા-બીડી-સિગારેટ વગેરે મળી શકે!

જથ્થાબંધ વેપારીઓની દુકાનો પર માત્ર પાન-મસાલાના છૂટક દુકાનદારોને જ માલ મળે અને તેમાં ભીડ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી શકાય.

પણ સૌથી મહત્ત્વની અને પાયાની વાત એ છે કે જથ્થાબંધ વેપારીઓની દાનત છૂટક દુકાનદારો તથા લોકોને પૂરતો માલ આપવાની દાનત હોવી જરૃરી છે. અને તેની સાથે સરકારી તંત્રએ પણ આ સમસ્યાની ગંભીરતા સમજી વેપારીઓ સાથે બેઠક યોજી સ્ટોક, ભાવ, વેચાણની પ્રક્રિયા, બંદોબસ્ત વગેરેની ચર્ચા કરી સૌને સંતોષ થાય તેવું નિરાકરણ સત્વરે લાવવાની જરૃરી છે!

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit