| | |

અભ્યાસમાં નબળા હોવાનું ઠસાઈ જતા નગરમાં વિદ્યાર્થીનીનો આપઘાત

જામનગર તા. ૯ઃ જામનગરના સ્વામીનારાયણ નગરમાં ગઈકાલે એક વિદ્યાર્થીનીએ પોતે અભ્યાસમાં નબળા હોવાનું માની ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે જ્યારે મોટાથાવરીયાના એક પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી મોત માંગી લીધું છે.

જામનગરના સ્વામી નારાયણનગરની શેરી નં. ૧માં રહેતા કેતનભાઈ મકવાણા નામના પ્રૌઢની ૧૮ વર્ષની પુત્રી ભવ્યાબેન ધ્રોલમાં આવેલી એક કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરતા હતાં અને ત્યાંજ વસવાટ કરતા હતાં. તાજેતરમાં જ તેઓએ પરીક્ષા આપી હતી પરંતુ પોતે અભ્યાસમાં થોડા નબળા હોવાનું માનતા આ યુવતી કોલેજમાં રજા પડતા જામનગર આવ્યા હતાં.

તે દરમ્યાન ગઈકાલે બપોરે આ યુવતી પોતાના ઘરે એકલા હતાં ત્યારે છતમાં રહેલા પંખાના હુકમાં તેઓએ ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેની પરિવારને જાણ થતા ૧૦૮ને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવતીને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. તેથી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જમાદાર આર.કે. ઝાલાએ મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રહેતા હેતલબેન રમેશભાઈ વકાતર (ઉ.વ. ૨૩) નામના ભરવાડ પરિણીતા માનસિક બીમારીથી પીડાતા હતાં. તેઓની બીમારી છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધી જતા સોમવારે રાત્રે જ્યારે તેઓનો પરિવાર નિદ્રાધીન થયો તે પછી હેતલબેને પંખામાં સાડી વડે ગળાફાંસો ખાધો હતો. જેની ગઈકાલે સવારે તેમના પરિવારને જાણ થઈ હતી. પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ એસ.પી. સોઢાએ મૃતદેહનો કબજો સંભાળ્યો છે. આ મહિલાના લલ્ગન છએક વર્ષ પહેલાં રમેશભાઈ મચ્છાભાઈ વકાતર સાથે થયા હતાં. તેથી ગ્રામ્ય ડીવાયએસપીને આ બનાવથી વાકેફ કરવામાં આવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit