Advertisement

વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન થયું હોવા અંગે શંકા...! નહીંતર... ૩૪૩મો નંબર પણ ન મળે...!!

અભિનંદન... જામનગરે સ્વચ્છતા સર્વેચ્છણમાં ર૩મો ક્રમ મેળવ્યો...!

જામનગર તા. રપઃ દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર મહાનગરનો ર૩મો ક્રમ આવ્યો છે. ૧૦ લાખથી ઓછી વસતિવાળા નગરોની કેટેગરીમાં ૩૪૩ શહેરોમાં આપણને અન્ય ૩ર૦ શહેરો કરતાં સારા પૂરવાર કર્યા છે... ર૩મો ક્રમાંક મેળવવા બદલ સરકાર દ્વારા આપણાં મેયરને દિલ્હી રૃબરૃમાં એવોર્ડ અને સન્માનપત્ર આપવામાં આવ્યા... આપણા સૌ જામનગરીઓ માટે આનંદ અને ગૌરવની બાબત ગણી શકાય...! કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સારૃ કાર્ય થાય કે કોઈ વિશિષ્ટ સિદ્ધી પ્રાપ્ત થાય ત્યારે તેનું સન્માનપત્ર, એવોર્ડ દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવે તે પ્રક્રીયા જે તે કાર્યને વધુ જોશ-ઉત્સાહથી કરવા માટે ચોક્કસ પણે પ્રેરણા રૃપ છે અને સરકાર દ્વારા સ્વચ્છતાના સંદર્ભમાં સમગ્ર દેશમાં વ્યાપક જન જાગૃતિ આવે, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ સ્વચ્છતાના મુદ્દે યોગ્ય વ્યવસ્થા અને કામગીરી કરે તેવા હેતુસર સ્વચ્છતા સર્વેક્ષણ કરાવી સારી કામગીરી કરનાર સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતીના વર્ષને ઉજવવા વડાપ્રધાને દેશમાં સ્વચ્છતા ઝુંબેશને મહત્ત્વની પ્રાથમિકતા આપી છે અને તેના સંદર્ભમાં જ આ સ્વચ્છતા સ્પર્ધા યોજાય છે...!

આવા સર્વેક્ષણમાં ક્યા ક્યા પ્રકારના માપદંડોને ધ્યાને લઈને માર્ક્સ આપવામાં આવે છે તે મુદ્દો શંકાપ્રેરક છે, કારણ કે જામનગરની જ વાત કરીએ તો છેલ્લા કેટલાંક મહિનાથી શહેરમાં અનેક ચોક, વિસ્તારો, માર્ગાેમાં સ્વચ્છતા સર્વેક્ષણના બેનર લાગ્યા હતાં. જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરનારી ટીમ આવી અને શહેરમાં પરિભ્રમણ કર્યું હશે... મનપાના સંલગ્ન વિભાગના અધિકારીઓ, કમિશ્નર, હોદ્દેદારો સાથે બેઠકો પણ કરી હશે અને કદાચ ત્યાર પછી જ તેમનો રિપોર્ટ તૈયાર કર્યાે હશે... પણ આ સર્વેક્ષણના માપદંડોમાં જામનગરને ર૩મો ક્રમાંક મળ્યો તે પણ આશ્ચર્યજનક ગણી શકાય...!

આપણે સૌ જાણીએ છીએ, દરરોજ ર૪ કલાક જેનો ખરાબ અનુભવ કરીએ છીએ તેવી ગંદકી આપણા શહેરમાં ફેલાયેલી છે. સફાઈનો અભાવ, ભૂગર્ભ ગટરો છલકાઈ જવી, કચરાના કન્ટેનરો ઉભરાઈ જવા, તેના કચરા ગંદકી ચારેતરફ ફેલાઈ જવા જેવા દૃશ્યો શહેરના લગભગ તમામ વિસ્તારમાં કાયમ માટે જોવા મળે છે. કચરો ભરાયેલા કન્ટેનરો નિયમીત રીતે ખાલી થતાં નથી...! કચરાના નિકાલ માટે તો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, બાકી મનપાના સફાઈ વિભાગમાં સેંકડો સફાઈ કર્મીઓની ફોજ છે તેમ છતાં શેરી-ગલીઓ, અંદરના વિસ્તારોના માર્ગાેની સંતોષકારક સફાઈ થતી નથી તેવી વ્યાપક ફરીયાદો છે.

આ સર્વેક્ષણમાં કદાચ બે-ચાર મુખ્યમાર્ગાે કે ચોખ્ખા વિસ્તારોની જ મુલાકાત લેવાઈ હોય અને તેના આધારે ગુણ મળ્યા હોય તેમ જણાય છે અને તેમાંય અગાઉથી સર્વેક્ષણની ટીમ આવવાની જાણ હોય તો સર્વેક્ષણની કામગીરીમાં સંધુય રૃડું-રૃપાળું દેખાડવું તો આસાન જ થઈ જાય તે સ્વાભાવિક છે...!

જામનગરના પ્રદેશદ્વાર સમાન સુભાષ બ્રીજ નીચે રંગમતિ-નાગમતિ નદીની દુર્દશા, તેમાં ફેલાયેલી ગંદકી કદાચ સર્વેક્ષણવાળાને નજરે નહીં પડી હોય...! રીવરફ્રન્ટના રૃપાળા નામ સાથે વિકાસ પ્રોજેક્ટની જાહેરાતો અહીંની દુર્ગંધમાં ભળી ગઈ છે...! આમ જ અથવા આનાથી પણ બદતર હાલત કાલાવડ નાકા બહાર નદીના ભાગની છે... અહીં તો પાણીના બદલે શેવાળ, ગંદકી, કચરો જ ભરાયેલો રહે છે ચોવીસ કલાક દુર્ગંધ ફેલાયેલી રહે છે, શહેરનાં ગાંધીનગર રોડ પર ભૂતિયા બંગલા તરીકે ઓળખાતી જગ્યામાં ૧પ-ર૦ ફૂટે ઉંડો મહાકાય ખાડો ગંદકીથી ખદબદે છે.

શહેરના હાર્દસમા અતિ વ્યસ્ત એવા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ગંદકી, રસ્તા પર ઢોળાતાં ગંદાપાણીની સમસ્યાથી નગરજનો ત્રસ્ત છે. પ્લોટ પોલીસ ચોકી સામે જ ગોલાઈ પર રસ્તા ઉપરનું કચરાનું કન્ટેનર અને તેમાંથી છલકાતો કચરો-એઠવાડ, ત્યાં ઢોરનો જમાવડો કાયમ જોવા મળે છે.

આ ઉપરાંત શહેરના અંદરના સાંકડા વિસ્તારો જેવા કે આણદાબાવા ચકલો, સેતાવાડની ગલીઓ, ખારવા ચકલો, મુલ્લા મેડી, કડીયાવાડ, પંચેશ્વર ટાવર રોડ, ખૂદ ભાજપ શહેર કાર્યાલય વગેરે વિસ્તારોમાં તો રસ્તા પર ફેંકાયેલા એઠવાડ, છલકાતી ગટરોને ઠેકી ઠેકીને અવર-જવર કરવી પડે તેવી સ્થિતિ છે.

અહીં જે જે બાબતોનો ઉલ્લેખ થયો છે તે તમામ પ્રશ્નો અંગે અખબારો દ્વારા તસ્વીરો સાથે સતાવાળાઓનું ધ્યાન અનેક વખત દોરવામાં આવ્યું છે. શહેરના જાગૃત નાગરિકો, સંસ્થાઓ કે જે તે વિસ્તારના રહેવાસીઓએ રજુઆતો કરી છે. આ સિવાય પણ અનેક સમસ્યાઓ સ્વચ્છતા સંદર્ભમાં છે, છે ને છે જ.

અહીં આપણા મનપા તંત્રને ડીમોરલાઈઝ કરવાનો હેતુ નથી, પણ સ્વચ્છતા પ્રત્યે આપણું મહાનગર હજી ઘણું પાછળ છે તે હકીકતનો સૌ એ સ્વીકાર કરી સારી અને સંતોષકારક કામગીરી કરવાની દિશામાં આગળ વધવું જોઈએ...

મેયર કે શાસક જુથના નેતા છેક દિલ્હી સુધી (અલબત્ત ફ્લાઈટમાં જ) ગયા અને આપણા સૌ વતી સન્માનનો સ્વીકાર કર્યાે... પણ ખરેખર તો સફાઈ વિભાગના જ કોઈ ફરજનિષ્ઠ કર્મચારીને આ એવોર્ડ સ્વીકારવા દીલ્હી મોકલ્યા હોત તો એવોર્ડ વધુ સાર્થક અને પ્રોત્સાહક બની રહેત...!

'નો બોલ'ઃ જો જામનગરની આવી વાસ્તવિક કંગાળ સ્વચ્છતા હોવા છતાં તેને ર૩મો ક્રમ મળ્યો તો દેશના બાકીના ૩ર૦ શહેરોમાં સ્વચ્છતા સંદર્ભમાં હાલત કેવી હશે તેની કલ્પના જ કરવાની રહી...!

સરકારના પ્રેરણા અને પ્રોત્સાહન આપવાના હેતુને ઉપજાવી કાઢેલા સર્વેક્ષણના ગુણોના કારણે પ્રેરણાબળ મળવાને બદલે અહીં તો કોલર ઊંચા રાખીને અમે સારૃં કામ કર્યું છે તેમ માનીને કામગીરી મંદ પડી જાય તેવો ઘાટ થઈ રહ્યો છે...! અને સર્વેક્ષણના માપદંડોમાં કદાચ માનવસર્જિત ગંદકી કે સ્વચ્છતાને જ ધ્યાને લેવામાં આવી હશે, કારણ કે જામનગરમાં રખડતા ઢોરના કારણે ફેલાતી ગંદકીને નજર અંદાજ કરવામાં આવી હોય તો જ ચોખ્ખાઈના ગુણ મળી શકે...!!

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametagAdvertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit