| | |

દ્વારકાના મુળવાસરમાં યુવાનની કરપીણ હત્યા નિપજાવનાર આરોપીઓ પોલીસની ગીરફતમાં

ખંભાળીયા તા. ૨૩ઃ દ્વારકા તાલુકાના મુળવાસર ગામમાં ગુરૃવારે એક યુવાનની ચાર શખ્સોએ હત્યા કરી નાખી હતી. તે તમામ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. અગાઉ યુવતી બાબતે તેના ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મુળવાસર ગામમાં ગુરૃવારે દિનેશભા નાગશીભા સુમણીયા નામના યુવાન પર એક યુવતી બાબતે અગાઉ થયેલા ઝઘડાના કારણે કરશનભા જેશાભા ભઠડ, કાયાભા ઘોઘાભા, અર્જુનભા કરશનભા તથા વેજાભા ખેંગારભા ભઠડ નામના ચાર શખ્સે છરીઓ વડે હુમલો કરી દિનેશભાને ગંભીર ઈજા પહોંચાડી હતી. વચ્ચે પડનાર આ યુવાનના માસી સહિતના અન્ય વ્યક્તિઓને પણ માર પડ્યો હતો.

હુમલાખોરોએ છરીઓના બારેક જેટલા ઘા ઝીંકતા દિનેશભાના આંતરડા બહાર આવી ગયા હતાં. તે પછી આરોપીઓ દિનેશભાને લોહીલુહાણ હાલતમાં પડતા મૂકી પલાયન થઈ ગયા હતાં. દ્વારકાથી પીઆઈ વી.વી. વાગડીયા તેમજ ખંભાળીયાથી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી પણ મુળવાસર દોડી ગયા હતાં. પોલીસે મૃતકના માસીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા હતાં. જેમાં આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

આરોપીઓની શોધ માટે બનાવવામાં આવેલી પોલીસ ટુકડીઓએ બનાવના ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પૈકીનો એક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. તેને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit