
આજના જીવનમાં વાઇફાઇની જરૂરિયાત કેટલી? હું તો કહું છું ઓક્સિજન કરતાં પણ વધારે. મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય તો ઘરે આવતા કોઈપણ મહેમાનનું અવલોકન કરો. કોઈપણ મહેમાન આવશે એટલે સૌથી પહેલા તો આપણો વાઇફાઇનો પાસવર્ડ માંગશે, ઇન્ટરનેટ કનેક્ટ કરશે અને બધાને મેસેજ મોકલશે કે અત્યારે તેઓ ક્યાં છે ? પોતાની અંગત જિંદગીમાં પ્રાઇવેસી જાળવવાની દલીલ કરનારા અને તે માટે ફેસબુક અને વોટ્સએપ જેવી કંપનીઓ સામે લડી લેવાની વાતો કરનારાઓ પણ, પોતાના સ્ટેટસમાં એ વાત અચૂક જણાવશે કે અત્યારે તેઓ ક્યાં છે, અને હવે પછી આઠ દસ દિવસ સુધી ક્યાં ક્યાં ફરવાના છે..!!
માણસ ખોરાક વગર ત્રણ અઠવાડિયા રહી શકે છે. માણસ પાણી વગર બે ત્રણ દિવસ રહી શકે છે. માણસ હવા વગર ફક્ત બે ત્રણ મિનિટ રહી શકે છે. પરંતુ વાઇફાઇ વગર કેટલું? બહુ જ અઘરો સવાલ છે. તમને કોઈને આ સવાલનો જવાબ ખબર હોય તો મને જણાવશો પ્લીઝ.
મેં કોશિશ કરી વાઇફાઇ વગર જીવવાની, આ અઘરા સવાલનો જવાબ મેળવવા માટે. આ કોઈ ડિજિટલ ડિટોક્ષ નહોતું, મને લાગ્યું કે આ તો એક નેશનલ ઇમરજન્સી હતી, અને હું તેનો એક માત્ર વિક્ટીમ હતો. વાઇફાઇ વગર તો જાણે આખા શરીરને લકવો મારી ગયો હતો.
મેં કંટાળીને , ગુરૂપૂર્ણિમાના દિવસે, ગુગલ ગુરુને પૂછ્યું, *મારું વાઇફાઇ કેમ બંધ છે?*
કેવો મૂર્ખાઈ ભર્યો પ્રશ્ન? વાઇફાઇ ન મળે તો ગુગલ કેવી રીતે ચાલે? બિલકુલ ન ચાલે.
આજે સવારથી વાઇફાઇ નથી. વાઇફાઇ નથી એટલે મોબાઇલમાં સતત જોવા મળતા રિલ્સ પણ બંધ. એટલે પછી હું પણ ફ્રી.
હવે હું મોબાઇલમાંથી ફ્રી થયો એટલે મેં ઊંચું જોયું તો સામેના સોફા ઉપર એક અજાણી વ્યક્તિ બેઠી હતી. મેં ધ્યાનથી જોયું અને ચહેરો જાણીતો લાગ્યો એટલે મેં પૂછ્યું, *ગુડ મોર્નિંગ, આપ કોણ?*
મારો પ્રશ્ન સાંભળી તેમને આઘાત લાગ્યો અને બોલ્યા, *અરે, મને ના ઓળખ્યો? હું તમારો પડોશી મૂંગેરીલાલ.. તમે મને રોજ સવારે ગુડ મોર્નિંગના અને મોટીવેશનલ મેસેજ તો ભૂલ્યા વગર કરો છો !!*
મને યાદ આવ્યું, કે આ તો મારા પાડોશી મૂંગેરીલાલ છે, કે જેની સાથે હું ઘણીવાર મોર્નિંગ કરવા પણ જાઉં છું. સોશિયલ મીડિયામાં સતત આવતા રીલના ચક્કરમાં હું, મને રોજ મળતા મારા પાડોશીને જ ભૂલી ગયો..!
મોબાઈલ બંધ હતો એટલે મારા રોજિંદા કાર્યો પણ ફટાફટ પતવા લાગ્યા. સવારના નાહવાનું, ચા નાસ્તો કરવાનો, છાપુ વાંચવાનું, વગેરે રોજિંદા કાર્યો કરવામાં જ બે અઢી કલાકનો સમય પસાર થઈ જતો, કારણ કે વચ્ચે વચ્ચે મોબાઇલમાં નોટિફિકેશન આવતા અને મને ડિસ્ટર્બ કરતા.
વાઇફાઇ ન હોય તો આવતી મુશ્કેલીઓની આ તો હજી શરૂઆત જ હતી. મારે કુરિયર પાસેથી અર્જન્ટ એક પાર્સલ લેવાનું હતું. કુરિયરની ઓફિસ શોધવા માટે મેં મોબાઈલમાં ગુગલ મેપ ખોલ્યુ, તો ગુગલ મેપ બંધ. વાઇફાઇ હોય તો ચાલે ને.
મોબાઈલમાં ગુગલ મેપ આવ્યા પછી કોઈ રસ્તા યાદ રહેતા જ નથી ને..!
વિદાય વેળાએ : આજે આખો દિવસ વાઇફાઇ બંધ હતું એટલે હું જાણે કે ટાઈમ ટ્રાવેલ કરીને *વાઈટુ કે* ના સમયગાળામાં ફરી એક વખત પહોંચી ગયો.
આજે મેં એક બુક વાંચીને પૂરી કરી. મિત્રો સાથે ગાંઠીયા પાર્ટી કરી અને ગપાટા માર્યા. અને યુટ્યુબમાં કોઈ રેસીપી જોયા વગર જ રસોઈ પણ કરી... હા, દાળ થોડી દાઝી ગઈ, પરંતુ મજા આવી..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial