Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં ડો. રત્ના મહેશ્વરીએ કરી સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ ટેલિસ્કોપિક નેઈલ સર્જરી

કીસી કી દુનિયા કો તાકત દી હૈ એક ઘાયલ ગુડીયા કો તાકત દી હૈ :

                                                                                                                                                                                                      

જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલ ડો. મહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલમાં 'ઓસ્ટીયોજેનેસિસ ઇમ્પર્ફેકટા' (નાજુક હાડકાનો રોગ) ધરાવતી ૬ વર્ષની બાળકીની સફળ ટેલિસ્કોપિક નેઇલ સર્જરી કરવામાં આવી છે. બાળ ઓર્થોપેડિક સર્જન ડો. રત્ના મહેશ્વરી દ્વારા કરવામાં આ આવેલ ઓપરેશન સૌરાષ્ટ્ર કચ્છનું પ્રથમ ઓપરેશન કહી શકાય. 'નોબત' સાથેનાં સંવાદમાં ડો. રત્ના મહેશ્વરીએ આ ગંભીર રોગ તથા ઓપરેશન સંબંધિત માહિતી આપી હતી તથા દર્દીનાં માતા પિતાએ પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.

'ઓસ્ટીયોજેનેસિસ ઇમ્પર્ફેકટા' એ એક આનુવંશિક પ્રકારનો રોગ છે જેને બોલચાલની ભાષામાં 'બ્રિટલ બોન ડિસીઝ' એટલે કે નાજુક હાડકાનો રોગ કહેવાય છે. લગભગ દર ૧૫ હજાર બાળકોએ એક બાળકમાં આ રોગ જોવા મળે છે એટલે કે આ દુર્લભ કે રેર પ્રકારની બીમારી છે. આ બીમારી ધરાવતા બાળકનાં હાડકા જન્મજાત ખૂબ જ નાજુક હોય છે. ચાલવા જેવી સામાન્ય રોજીંદી પ્રવૃત્તિઓથી પણ હાડકા તૂટે અને ફેકચર થાય એવા પ્રકારની આ બીમારીમાં ઘણીવાર બાળકને વારંવાર ફેક્ચર થવા અને તેની સારવાર લેવા મજબૂર થવાની સ્થિતિ ઉદ્ભવે છે.

 આવા બાળકોનાં શરીરમાં જ્યારે ઓપરેશન કરી રોડ કે સળીયા નાંખવાની વાત આવે ત્યારે સામાન્ય રીતે ઓપરેશનમાં વપરાતા મેટલ રોડ ને બદલે 'ટેલિસ્કોપિક નેઇલ' નો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં એવો ખાસ પ્રકારનો સળીયો ઉપયોગમાં લેવામાં આવે છે જે બાળકની વય વધે એમ છતાં તેનાં વિકાસ અને કદનાં ફેરફાર અનુસાર લાંબો થઇ શકે છે. પરંતુ આ સારવાર મહદઅંશે દેશનાં મહાનગરો માં જ ઉપલબ્ધ હોય છે.

જામનગરમાં ડો. રત્ના મહેશ્વરીએ મોરબીની ધ્યાની પરમાર નામની ૬ વર્ષની બાળ દર્દીની ટેલિસ્કોપક નેઇલ સર્જરી કરી સૌરાષ્ટ્ર- કચ્છમાં આ પ્રકારની પ્રથમ સર્જરી કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધ્યાનીનાં પિતા રમણભાઇ પ્લંબર છે તથા માતા જયશ્રીબેન ગૃહિણી છે. ગરીબ વર્ગનાં માતા પિતાએ મોરબીમાં એક પરિચિત પાસેથી ડો. મહેશ્વરી હોસ્પિટલમાં આ સારવાર થતી હોવાનું જાણી આર્થિક સંઘર્ષ કરીને પણ અહીં વ્હાલસોઇ લાડકવાયીનું ઓપરેશન કરાવ્યું છે.

સામાન્ય રોડ કરતા ટેલિસ્કોપિક રોડ નાખવાનો ખર્ચ ત્રણથી ચાર ગણો વધુ હોય છે પરંતુ તેનાં કારણે બાળ દર્દીને વારંવાર ઓપરેશન કરાવવામાંથી મુક્તિ  મળે છે એ સૌથી મોટો લાભ છે. ધ્યાનીનાં ઓપરેશન માટે લગભગ ૭૫-૮૦ હજારનો ખર્ચ થયો હતો. આ ઓપરેશનથી બાળકની હાલની તકલીફ દૂર થવાની સાથે જ ભવિષ્યમાં  હાડકા તૂટવાની સંભાવના પણ ઘટે છે એ પણ મહત્ત્વપૂર્ણ છે.

નિષ્ણાત બાળ ઓર્થોપેડિક  સર્જન ડો. રત્ના મહેશ્વરી

જામનગરમાં સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ ટેલિસ્કોપિક નેઇલ સર્જરી કરનાર ડો. રત્ના શાલિન મહેશ્વરી શહેરનાં સિનિયર ઓર્થોપેડિક ડો. કે.એસ. મહેશ્વરીનાં પુત્રવધૂ છે તથા ડો. શાલિન મહેશ્વરીનાં પત્ની છે. તેમણે મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિઝમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ૨ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે તથા અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં તેમનાં સંશોધનો પ્રકાશિત થયા છે. સેરેબલ પાલ્સી અને ન્યૂરોમસ્કયુલર કંડીશન ગેઇટ કરેક્શન સર્જરી ક્ષેત્રે ખાસ સેવારત છે. તેમણે નિષ્ણાંત બાળ ઓર્થોપેડિક ડો. અશોક જોહારીનાં માર્ગદર્શનમાં તાલીમ પ્રાપ્ત કરી છે તથા સેરેબલ પાલ્સીની સારવાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા ધરાવતી ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નની 'રોયલ ચિલ્ડ્રન હોસ્પિટલ' માં એક વર્ષની ક્લિનિકલ ફેલોશીપ પણ કરી છે.

બોમ્બે ઓર્થોપેડિક સોસાયટી અને ઇન્ડીયન એકેડેમી ઓફ સેરેબલ પાલ્સી સાથે સંલગ્ન ડો. રત્ના મહેશ્વરી અમેરિકન એકેડેમીનો ઇન્ટરનેશનલ સ્કોલરશિપ એવોર્ડથી પણ સન્માનિત છે. જામનગરમાં તેઓએ 'ઓસ્ટીયોજેનેસિસ ઇમ્પર્ફેકટા' બીમારી ધરાવતી બાળકીની સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ 'ટેલિસ્કોપિક નેઇલ સર્જરી' કરીને સૌરાષ્ટ્ર-કચ્છના આવા બાળ દર્દીઓ માટે એક આશાનું કિરણ પ્રજ્વલિત કર્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં બાળદર્દીઓને મહાનગરોનાં ધક્કા ખાવાને બદલે પોતાનાં જ પ્રાંતમાં શ્રેષ્ઠ સારવાર મળી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial