Sensex

વિગતવાર સમાચાર

મોબાઈલમાં ફરજીયાત 'સંચાર સાથી' એપના વિરોધમાં સંસદમાં કોંગ્રેસનો સ્થગન પ્રસ્તાવ

સરકારના આ આદેશ પછી ટેલિકોમ કંપનીઓ થઈ ગઈ સતર્કઃ આ એપ્લિકેશન થકી લાખો  ખોવાયેલા મોબાઈલ મળવાના દાવા સાથે સરકારે ફાયદા વર્ણવ્યા છેઃ વિપક્ષને આશંકા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨: કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ સંચાર સાથી એપને લઈને લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. પ્રસ્તાવ  રજૂ કરતા તેણીએ કહ્યુ છે કે, ગોપનીયતાનો અધિકાર એ બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગનો આદેશ છે કે મોબાઈલ કંપનીઓ અને આયાતકારો સંચાર સાથી એપ્લિકેશન ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ કરે અને તેને હટાવી પણ શકાય નહીં. આ લોકોની ગોપનીયતા પર સીધો હુમલો છે.

 ભારતના ટેલિકોમ મંત્રાલયે તમામ સ્માર્ટફોન ઉત્પાદકોને સરકારી માલિકીની સાઇબર-સુરક્ષા ઍપ્લિકેશન 'સંચારસાથી' પ્રીલોડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે તાકીદ પણ કરવામાં આવી છે કે બધાં નવાં ઉપકરણોમાં આ ઍપ ડિલીટ પણ થઈ શકે નહીં. ભારત સરકારે મોબાઇલ કંપનીઓને ૯૦ દિવસની અંદર કોમ્યુનિકેશન્સ પાર્ટનર એપ ઇન્સ્ટોલ કરવા જણાવ્યું છે. જ્યારે સાયબર સુરક્ષા અને છેતરપિંડીવાળા આઈએમઈઆઈ નંબરોને કારણો તરીકે દર્શાવવામાં આવી રહૃાા છે, તે સંપૂર્ણપણે સાચું નથી. એવી આશંકા છે કે આનાથી ગોપનીયતા સંપૂર્ણપણે ખોવાઈ જશે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાઇબર ગુના અને હેકિંગના અપરાધોમાં થઈ રહેલા કેસોને પહોંચી વળવા માટે સરકારે આ પગલું લીધું છે. તાજેતરમાં રશિયાએ પણ આવું પગલું લીધું હતું. છેતરપિંડી માટે ચોરાયેલા ફોનના ઉપયોગને રોકવા અથવા રાજ્ય સમર્થિત સરકારી ઍપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ છે. આદેશમાં સરકારે જણાવ્યું છે કે દરેક ઉત્પાદિત મોબાઇલ ફોનમાં સંચારસાથી ઍપ્લિકેશન પહેલાંથી ઇન્સ્ટોલ કરવામાં આવવી જોઈએ અને એની ખાતરી કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

ભારત સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને દરેક નવા ડિવાઇસ પર સરકારી સાયબર સુરક્ષા એપ્લિકેશન, સંચાર સાથી, પ્રીલોડ કરવાનો આદેશ આપ્યો છે. તેમને આ 'ખાનગી રીતે' કરવાનું કહેવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે ભારત સરકારની એક એપ્લિકેશન, સંચાર સાથી, તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. નવા ફોનમાં તે પહેલાથી જ હશે. જો કે, હાલના ફોનમાં તેને ઇન્સ્ટોલ કરવા માટે, કંપનીઓને સોફ્ટવેર અપડેટ દ્વારા તેને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું છે. આ એક એવી એપ્લિકેશન હશે જેને કોઈ દૂર કરી શકશે નહીં.

જોકે, સરકારનો દાવો છે કે જાન્યુઆરીમાં લોન્ચ કરાયેલ સંચાર સાથી એપ્લિકેશને ૭૦૦,૦૦૦ થી વધુ ખોવાયેલા ફોન શોધવામાં મદદ કરી છે, જેમાં ફક્ત ઓક્ટોબરમાં ૫૦,૦૦૦ ફોનનો સમાવેશ થાય છે. સરકારી આદેશ બાદ ટેલિકોમ કંપનીઓ હાઈ એલર્ટ પર છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારના આ પગલાથી એપલ સાથે વિવાદ થઈ શકે છે, જે સામાન્ય રીતે આવા સરકારી નિર્દેશોને નાપસંદ કરે છે.

આ પ્રસ્તાવ રજૂ કરતા રેણુકા ચૌધરીએ આરોપ લગાવ્યો કે આવા પગલાથી દેખરેખ વધારવાનો માર્ગ ખુલે છે અને લોકોની દરેક પ્રવૃત્તિ, વાતચીત અને નિર્ણય પર સતત દેખરેખ રાખવાનું જોખમ ઉભું થાય છે. તેમણે કહ્યું કે આ માટે ન તો પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે અને ન તો કોઈ સંસદીય દેખરેખ...

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે સંચાર સાથી એપ ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનો હથિયાર ગણાવ્યો હતો. આજે બીજા દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ સંસદ બહાર વિપક્ષના સાંસદોએ એસઆઈઆર મુદ્ે દેખાવો કરીને ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જો કે, સંસદમાં કાર્યવાહી શરૂ થતા જ ફરી એકવાર હોબાળો શરૂ થઈ ગયો છે.

જો કે, એસઆઈઆર મુદ્ે ચર્ચાની માગ વચ્ચે સરકાર દ્વારા સંચાર સાથી એપને મોબાઈલમાં પ્રિ ઈન્સ્ટોલ કરાવવા અને ડીલિટ ન થવા દેવાની નવી કવાયતથી મામલો વધુ બીચક્યો છે. વિપક્ષે આ મુદ્ે પણ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

સરકારનો હેતુ સાયબર ફ્રોડ રોકવાનો અને સુરક્ષા વધારવાનો છે, પરંતુ ટેકનોલોજી નિષ્ણાતો અને અમુક વર્ગ દ્વારા આને વિવાદાસ્પદ માનવામાં આવી રહૃાું છે. મુખ્ય ચિંતા એ છે કે જ્યારે કોઈ એપને ડિલીટ ન કરી શકાય તેવી બનાવવામાં આવે છે, ત્યારે તે ગ્રાહકના ફોનની સ્પેસ અને પ્રોસેસિંગ પાવરનો ઉપયોગ કરે છે. વળી, સરકારી એપ સતત ફોનમાં રહેવાથી ડેટા પ્રાઈવસી અને સર્વેલન્સ (જાસૂસી)ને લઈને પણ સવાલો ઉભા થઈ રહૃાા છે કે શું સરકાર નાગરિકોના લોકેશન કે ડેટા પર નજર રાખશે? જોકે, સત્તાવાર રીતે સરકારનું કહેવું છે કે આ માત્ર સુરક્ષા અને સુવિધા માટે જ છે.

સરકારની સ્પષ્ટતા

સંચાર સાથી એપ વૈકલ્પિક છે, ડિલીટ થઈ શકશેઃ જાસૂસીના આરોપ જૂઠ્ઠાઃ સિંધિયા

નવી દિલ્હીઃ તા. ૨: સંચાર સાથી એપ ના મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા કરતા કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે સંચાર સાથી એપ વૈકલ્પિક હશે, અને મોબાઈલ ફોન ધારક તેને ડિલીટ કરી શકશે. આ એપને ધ્યાને લઈને લગાવાઈ રહેલા આરોપો તદૃન જૂઠ્ઠા છે. આ એપ મારફત જાસૂસીનો કોઈ સવાલ જ ઉઠતો નથી. જે લોકો આ એપ રાખવા ન માંગતા હોય, તેઓ હટાવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial