
ગઈકાલે દેશ-દુનિયામાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી હતી અને કુરૂક્ષેત્રના મેદાનમાં પોતાના જ પિતરાઈ ભાઈઓ, ગુરૂજનો તથા સગા-સંબંધીઓને સામા પક્ષે યુદ્ધ લડવા ઉભેલા જોઈને કન્ફ્યુઝડ થયેલા અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, તેને શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે આપણે પણ સાંભળીએ છીએ અને મમળાવીએ છીએ, ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને હિંમત આપતા જે કાંઈ કહ્યું છે, તેમાંથી જ જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોનો જવાબ મળી જાય છે, અને સમસ્યાઓનું સમાધાન મળી જાય છે, બસ...પ્રત્યેક શબ્દનો ગૂઢાર્થ સમજવો પડે...
ગલકાલથી જ સંસદનું શિયાળુ સત્ર અને બિહારમાં નવી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. બિહાર વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ થઈ રહ્યો હતો, ત્યારે સંસદમાં એસઆઈઆરના મુદ્દે હોબાળો થઈ રહ્યો હતો. તે પછી ગઈકાલે લોકસભા આખો દિવસ ચાલી શકી નહીં, જ્યારે રાજ્યસભામાં વિપક્ષો દ્વારા સરકાર પર તડાપીટ બોલતી રહી અને બપોર સુધી ગૃહમાં કામકાજ થઈ શક્યું નહી, અને તે પછી વિપક્ષોએ વોક આઉટ કર્યો હતો. જો કે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપૂરમાં જીએસટીનો કાયદો, તમાકુ, પાન-મસાલા પર નવો ટેક્સ અને સેન્ટ્રલ એકસાઈઝ (અમેડમેન્ટ) બિલ-૨૦૨૫-એમ ત્રણ બિલ પસાર કરાવી લીધા હતા અને આ અંગે ટૂંકી ચર્ચા પણ થઈ હતી.
એક તરફ એસઆઈઆર, બીએલઓના મૃત્યુ સહિતના વિવિધ મુદ્દે વિપક્ષો આક્રમક મૂડમાં હતા, તો બીજી તરફ બિહારની વિધાનસભામાં તોતીંગ બહુમતિ મેળવ્યા પછી એનડીએ જુસ્સામાં હતું. વડાપ્રધાને સ્વયં ચિંટિયો ભરીને વિપક્ષોને પરાજય પચતો નહીં હોવાનું કહી ડ્રામા નહીં, પણ ડિલિવર પર ધ્યાન આપવાનું કહ્યું, તો વિપક્ષ તરફથી પ્રિયંકા ગાંધીએ આક્રમક શૈલિમાં જવાબ આપ્યો કે દિલ્હીમાં હવાનું પ્રદુષણ અને એસઆઈઆરના મુદ્દા સંસદમાં ઉઠાવવા એ ડ્રામેબાજી નથી, પરંતુ આ પ્રકારના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા જ થવા ન દેવી એ ડ્રામા છે. વિપક્ષો સાંસદમાં લોકલક્ષી ઘણાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીએલઓની આત્મહત્યા અને દિલ્હીમાં થયેલા આતંકી હૂમલા પછી રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચા એ કાંઈ ડ્રામા નથી, હકીકતે ડ્રામા તો સંસદમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ થતી અટકાવવાના પ્રયાસોને જ ગણી શકાય. દિલ્હીમાં પ્રદુષણનો મુદ્દો સરકાર માટે શરમજનક છે, જો સરકારે આ તમામ સીધા લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા જ કરવા દેવા માંગતી ન હોય, તો ગૃહ કેવી રીતે ચાલે ?
રાજયસભામાં પણ કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ઘનખડના રાજીનામા પછી ગૃહને તેની વિદાયની તક પણ મળી નહી, તેવી ટકોર કરતા ભાજપના સાંસદો આગબબૂલા થઈ ગયા હતા અને કોંગ્રેસને પોતાનો ભૂતકાળ યાદ કરાવવા લાગ્યા હતા. ગૃહની અંદર અને બહાર આ પ્રકારની આક્ષેપબાજી વચ્ચે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા હતા કે સરકારને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે, તો વિપક્ષોને પણ "સર" અને "સાહેબ"ના મુદ્દાઓનો આધાર મળી ગયો છે, આ બધા વચ્ચે સામાન્ય જનતા ક્યાં છેે ?
અખિલેશ યાદવે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રામા વાળા નિવેદન પર તીખા પ્રહારો કરતા કહ્યું કે લગ્નગાળામાં એસઆઈઆરની પ્રક્રિયા કરવા પાછળ પણ ષડ્યંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી, તો કેટલાક વિપક્ષી સાંસદોએ વડાપ્રધાન મોદી પર જ ડ્રામેબાજીના વ્યક્તિગત આક્ષેપો કર્યા, જેના જવાબમાં સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષ પાસે બીજા મોઈ મુદ્દા જ નથી, અને કોઈપણ ચર્ચા માટે સરકાર ક્યારેય ઈન્કાર કરતી નથી, પરંતુ ગૃહના અધ્યક્ષના રૂલીંગને સાંસદોએ માન આપવું જોઈએ. વિપક્ષો એસઆઈઆરના મુદ્દે સરકાર ભાગી રહી હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે, જ્યારે સરકાર વિપક્ષોને ઉપહાસ કરી રહી હોવાના આક્ષેપો વચ્ચે આજે પણ બંને ગૃહોમાં જે કાંઈ થઈ રહ્યું છે તે આપણી સામે જ છે.
એક તરફ વિપક્ષો એસઆઈઆરના મુદ્દે વ્યાપક ચર્ચા માંગી રહ્યા છે, તો બીજી તરફ ગૃહમાં "વંદે માતરમ્" ના મુદ્દે ૧૦ કલાકની ચર્ચા કરવાની મંજુરી મળી ગઈ હોવાના અહેવાલો પછી એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ તરફ ગુજરાતમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં રાજ્યપાલના નિવાસસ્થાનને ગવર્નર હાઉસ કે રાજભવન કહેવાતું હતુ, તેને કેન્દ્રની મંજુરીથી "લોકભવન" નામ રાખ્યું એન તેની સત્તાવાર જાહેરાત થઈ, તે પછી તેના સંદર્ભે પણ ચર્ચા થઈ રહી છે. રાજ્યપાલે કહ્યું કે જનતા સર્વોપરિ છે અને માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી જ મર્યાદિત નહીં રહેતા સમાજ કલ્યાણ તથા લોકોની સમસ્યાઓ-અપેક્ષા સાથે જિવંત રીતે જોડાય તે જરૂરી છે, તેઓએ ગુજરાતના લોકભવન દ્વારા પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ઉલ્લેખ કરીને વિવિધ વિષયો પર રાજ્યના રાજભવન (લોકભવન)ની છેલ્લા કેટલાક વર્ષોથી લોકલક્ષી ભૂમિકા વર્ણવી હતી.
બીજી તરફ રાષ્ટ્રીયકક્ષાએ એવી ચર્ચા થઈ રહી છે કે, રાજ્યપાલે બંધારણીય જવાબદારીઓના બદલે રાજકીય રંગે રંગાઈ રહ્યા હોય તો તે ઠીક નથી. માત્ર કેન્દ્રના એજન્ટની જેમ કામ કરતા રાજ્યપાલોએ બિજજરૂરી ઢબે રચનાત્મક અને પ્રાકૃતિક કૃષિ અભિયાનો જેવા લોકલક્ષી અભિયાન ચલાવવાનું ગુજરાતના રાજ્યપાલ પાસેથી શિખવા જેવું છેે. આ પ્રકારના પ્રતિભાવો જ હકારાત્મક અને પ્રોત્સાહિત કરનારા પણ ગણી શકાય, અને ગર્ભિત ક્ષણ પણ ગણી શકાય.?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial