Sensex

વિગતવાર સમાચાર

દરેડ વિસ્તારના ખાનગી ડોકટરો 'ઈન્ફોર્મર' બનીને લક્ષણો ધરાવતા દર્દીઓને રીફર કરશે

ટી.બી. નાબુદી અભિયાનમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ટીબી મુકત ભારત અભિયાન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા દરેડ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્થાનિક ડોકટરોને ટીબી રોગના નિદાનમાં સક્રિય રીતે જોડવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીબીના લક્ષણો ધરાવતા દર્દી ધ્યાને આવશે તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં રીફર કરી દરેડ વિસ્તારના ખાનગી ડોકટરો ઈનફોર્મર તરીકેની જવાબદારી નિભાવશે. જો પોઝીટીવ રિપોર્ટ આવે તો ઈન્ફોર્મર ડોકટરને રૂ. ૫૦૦ મળવાપાત્ર થશે.

ટીબી (ક્ષય રોગ) નાબૂદીના રાષ્ટ્રીય લક્ષ્યને હાંસલ કરવા માટે જનભાગીદારી સર્વોપરી છે. આ જ ઉદ્દેશ સાથે, જામનગર તાલુકાના દરેડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બેઠકનું આયોજન કરી સ્થાનિક ડોક્ટરોને ટીબી રોગના નિદાનમાં સક્રિય રીતે જોડવા પ્રયાસ કરાયો હતો.

દરેડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહારના પ્રવાસી શ્રમિકો મજૂરી અર્થે આવતા હોવાથી આ સમુદાયમાં ટીબી કે અન્ય રોગોની જાગૃતિનો અભાવ અથવા રોગની ગંભીરતા વિશે ઓછું જ્ઞાન હોય છે. પરિણામે નાની તકલીફો માટે પણ તેઓ અલગ-અલગ જગ્યાએથી સારવાર લેતા હોય છે. ઘણીવાર ટીબીના લક્ષણો હોવા છતાં, જુદી-જુદી જગ્યાએથી સારવાર લેવાને કારણે રોગનું નિદાન મોડું થાય છે અથવા થતું જ નથી. નિદાનમાં વિલંબ થવાથી રોગ વણસી શકે છે, સાજા થવાનો દર ઘટી શકે છે, અને ક્યારેક દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ગંભીરતાને સમજીને, ટીબીના દર્દીનું વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર શરૂ કરવી એ ખૂબ જરૂરી છે.

ટીબીના વહેલા નિદાનના ઉદ્દેશ સાથે, દરેડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ૧૫ જેટલા ડોક્ટરોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી.અને આ ડોક્ટરોને *ઈનફોર્મર* તરીકે સક્રિય રીતે જોડીને એક મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

જો કોઈ પ્રાઇવેટ ડોક્ટર પાસે ટીબીના લક્ષણો ધરાવતો શંકાસ્પદ દર્દી આવે અને ડોક્ટરને ટીબી રોગનું અનુમાન થાય, તો તેઓ દર્દીને તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં રીફર કરશે. આ રીફરલના કારણે ટીબી રોગનું વહેલું નિદાન શક્ય બનશે. પ્રોત્સાહન તરીકે, જો રીફર કરેલ દર્દીને ટીબી પોઝીટીવ આવશે, તો ડોક્ટરને ઈનફોર્મર તરીકે રૂ.૫૦૦ મળવાપાત્ર થશે. આ ભાગીદારીથી દરેડ વિસ્તારના લોકોને ટીબી રોગનું વિનામૂલ્યે નિદાન અને સંપૂર્ણ સારવાર સરળતાથી મળી રહેશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડો. ધીરેન પીઠડીયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમાર દ્વારા ડોક્ટરોને ટીબી રોગના સચોટ નિદાન, સારવારની પદ્ધતિઓ અને ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ટીબી ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના આયુષ ડો. મકવાણાએ ડોગ બાઇટ વિશે અને અન્ય મુંઝવતા પ્રશ્નોના જવાબો આપીને ડોક્ટરોનું માર્ગદર્શન કર્યું.

આ સમગ્ર કાયક્રમને સફળ બનાવવા માટે દરેડ સુપરવાઇઝર પંડ્યા, ટીબી હેલ્થ વિઝીટર ઈરફાનભાઈ શેખ, આરોગ્ય કર્મચારીઓ વિજય સોંદરવા અને રામદે જમોડ, તેમજ દરેડ વિસ્તારના પ્રેસીડેન્ટ ડોક્ટર સમીર અગ્રાવત સહિતની ટીમે સઘન પ્રયાસો કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial