Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

એસઆઈઆરની કામગીરી બની રહી છે જીવલેણઃ બીએલઓના મૃત્યુનો ગુંજતો મુદ્દો જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

હમણાંથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ જામનગર સુધી પહોંચીને જુદી જુદી તપાસ હેઠળ દરોડા પાડી રહી હોવાથી જામનગર નેશનલ મીડિયામાં પણ ગુંજતું રહે છે અને જામનગરમાં તો આ પ્રકારના દરોડા ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. દોઢેક દાયકા પહેલા ઈન્કમટેક્સ અને વેચાણવેરા ખાતાની ટીમોના દરોડા ચર્ચાસ્પદ બન્યા હતા, અને હવે જીએસટી તથા આઈટીના દરોડા પડેે છે, પરંતુ જ્યારે સીબીઆઈ, ઈડી, એનઆઈએ કે વિજિલિન્સની ટીમોના આંટાફેરા વધી જાય, ત્યારે તે ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક પણ છે.

અત્યારે બીજો સૌથી વધુ ચર્ચાનો વિષય રાજ્ય અને દેશમાં ચાલી રહેલ એસઆઈઆરની ઝુંબેશ દરમ્યાન કેટલાક બીએલઓના થયેલા મૃત્યુ તથા આ કાર્યવાહી કરતા કરતા મહેસાણામાં થયેલા બીએલઓના મૃત્યુનો મુદ્દો ઉઠાવીને સવાલો ઉઠી રહ્યા છે, તથા કોંગ્રેસે આ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કરવાનો વ્યૂહ અપનાવ્યો હોય તેમ જણાય છે. સંસદસભ્ય પ્રતાપગઢીના પ્રહારો તથા ડો.મનિષ દોશીના આક્ષેપો પછી રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા સામે જનાક્રોશ પણ વધી રહ્યો હોય તેમ જણાય છે. આ કામગીરી જીવલેણ બની રહી હોવાનો પ્રતાપગઢીનો આક્ષેપ ઘણો જ સૂચક છે.

રાજ્ય સરકાર તરફથી દલીલો કરતા પ્રવક્તાઓ તથા ભાજપના નેતાઓ આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણીપંચના હસ્તક છે, અને તેમાં રાજ્ય સરકારની કોઈ પ્રત્યક્ષ ભૂમિકા જ હોતી નથી, તેમ જણાવી મોટાભાગે હાથ ઊંચા કરી રહ્યા છે, તો ચૂંટણીપંચ તરફથી કાર્યરત રાજ્ય સરકારના જ અધિકારી-કર્મચારીઓ દ્વારા બીએલઓની મદદ માટે કરાયેલી વિશેષ નિમણૂકો તથા કામના ભારણની વહેચણી સહિતની વ્યવસ્થાઓની માહિતી આપીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સૌ કોઈનો સહયોગ માંગવામાં આવી રહ્યો છે અને રાજયમાં અત્યાર સુધીમાં થયેલી કામગીરીના આંકડા પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં પાંચેક કરોડ મતદારોને એસઆઈઆર ફોર્મ્સ પહોંચાડીને કેટલા ટકા ડિજિટલાઈઝેશનની કામગીરી સંપન્ન થઈ છે, તેની વિગતો ચૂંટણીપંચ તરફથી જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલના અહેવાલો મુજબ અત્યાર સુધીમાં મતદારયાદીઓ પૈકીના ૧૩ લાખથી વધુ મૃતક મતદારોના નામો  હટાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, તે ઉપરાંત ૧૬ લાખથી વધુ મતદારોએ સ્થળાંતર કર્યું હોવાનું બહાર આવ્યું છે, તથા અઢી લાખ જેટલા મતદારો તેના સરનામે મળી આવ્યા જ નહોતા.

અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે મળી આવ્યા નથી કે સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા છે, તેઓનું શું થશે ? શું તેઓની શોધખોળ કરીને કે અન્યત્ર ગયા હોય, ત્યાંના બીએલઓ સાથે કે અન્ય રાજ્યના ચૂંટણીતંત્રો સાથે સંકલન કરીને ત્યાં નામ ઉમેરવાની કોઈ પ્રક્રિયા કરવાની હોય, તો તે માટે આ મુદ્દત પર્યાપ્ત છે ખરી ? જો આાવી કોઈ પ્રક્રિયા વિચારાઈ જ ન હોય કે પછી યોગ્ય રીતે અમલ ન થાય તો એ પ્રકારના મતદારોના નામ કોઈ પણ સ્થળે નહીં ઉમેરાતા તેઓ મતદાનના અધિકારોથી વંચિત તો રહી નહીં જાય ને ? તે અંગે લોકોના મનમાં ઉઠી રહેલા સવાલોનો ચૂંટણીપંચે જવાબ આપવો જ પડે તેમ છે, અને સ્પષ્ટ ભાષામાં લોકભોગ્ય ઢબે લોકોને ગળે ઉતરે તેવી રીતે વાસ્તવિકતા જાહેર કરવી જોઈએ.

ચૂંટણીપંચના આંકાડાઓ જોઈએ તો ટોપ ટેન ડિજિટાઈઝેશન કરનારા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રનો માત્ર જુનાગઢ જિલ્લો જ છે, અને મધ્ય ઉ.ગુજરાતના જિલ્લાઓ અગ્રેસર છે૪ ટોપ ટેન જિલ્લાઓમાં ૭૯ થી ૮૯ ટકા વચ્ચે મતદારયાદીઓની એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ડિજિટાઈઝેશન થઈ ગયું છે, પરંતુ બાકીના જિલ્લાઓ પૈકી ધીમી કામગીરી કેટલા જિલ્લાઓમાં થાય છે અને તેના કારણો શું ? તેના તારણો કાઢીને જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ.

બીજી દૃષ્ટિએ જોઈએ તો ડાંગ જિલ્લો વસતિની દૃષ્ટિએ નાનો હોવાથી ત્યાં ૮૯ ટકાથી વધુ ડિજિટાઈઝેશન થઈ ગયું હોય, અને તે અગ્રસ્થાને હોય, તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાક મોટા જિલ્લાઓ પણ ટોપ ટેનમાં છે, તે જોતા પાછળ રહી ગયેલા જિલ્લાઓમાં કામગીરી સુધારવા અને વધારવા દૈનિક સમીક્ષા થવી જરૂરી છે. બધા જિલ્લાઓ વસતિ, વિસ્તાર, વ્યવસાય અને ભૌગોલિક તથા સુવિધાઓની દૃષ્ટિએ ભિન્ન-ભિન્ન હોવાથી એક લાકડે ઢોરને હાંકવાની જેમ એક સરખા ધારાધોરણો કે કર્મચારીઓની સંખ્યા રાખવાની પદ્ધતિ અપનાવાઈ રહી હોય તો તે ભૂલ ભરેલી છે અને આ તમામ પાસાઓ ધ્યાને રાખીને જ બીએલઓ તથા તેના મદદનીશોની ફાળવણી થવી જોઈએ., બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીએ ઉઠાવેલા સવાલો પણ દેશમાં પડઘાઈ રહ્યા છે.

રાજકીય પક્ષોએ ચૂંટણીની કામગીરી કરતા કરતા મૃત્યુ પામ્યા હોય, અકસ્માતનો ભોગ બન્યા હોય કે બીમાર પડી ગયા હોય તો તેને અથવા તેના પરિવારોને સહાય, મૃતક કર્મચારીઓના પરિવાર પૈકી એકને નોકરી અને સારવાર-અંતિમક્રિયાનો ખર્ચ આપવાની માંગણી પણ ઉઠાવી છે, બીજી તરફ સર્વર ડાઉન થવા, નેટવર્ક નહીં મળવું કે મોબાઈલ ફોન રિચાર્જીંગ જેવા મુદ્દાઓ માટે રાજ્ય સરકાર આ રાષ્ટ્રીય કામગીરીની કચાશ નો દોષ ચૂંટણીપંચ પર ઢોળીનેે ઊંચા હાથ કરી શકે નહી, તેવા પ્રત્યાઘાતો ખોટા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial