
માતા-પિતા-પરિવારો ચેતેઃ બાળકોને નાનપણથી જ મોબાઈલ એડિક્ટ ન બનવા દો
ગુજરાતમાં અત્યારે શરાબ-ડ્રગ્સના મુદ્દે રાજકીય ધમાસાણ વધી રહ્યું છે, અને આ મુદ્દે અલગ જ પ્રકારની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. તો ગુજરાત દારૂ-ડ્રગ્સની હેરાફેરીનું હબ બની ગયું હોવાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શિત કરાઈ રહ્યો છે. આ મુદ્દે માત્ર વિપક્ષો જ નહીં, શાસક પક્ષના કેટલાક નેતાઓ ઉપરાંત સંસ્થાકીય તથા ધાર્મિક ક્ષેત્રોના લબ્ધપ્રતિષ્ઠિત લોકો પણ અવાજ ઊઠાવવા લાગ્યા છે, તો બીજી તરફ વ્યવસનમુક્તિના સામૂહિક પ્રયાસોની સાથે સાથે હવે વ્યસની લોકોને વ્યક્તિગત રીતે પણ ડોર-ટુ-ડોર સંપર્ક કરીને વ્યસનો છોડાવવા પડે તેમ છે, અને વ્યસનમુક્તિને અદ્યતન ઢબે જનઆંદોલન બનાવવું પડે તેમ છે.
વ્યસનમુક્ત થવા સ્વયં લડવું પડે
બીજી તરફ દારૂ, ડ્રગ્સ, તમાકુ જેવા નશીલા પદાર્થોના વધી રહેલા વ્યાપ સામે વ્યસનમુક્તિ આંદોલનો પણ ચાલી રહ્યા છે, અને જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાતા રહે છે, તેમ છતાં માત્ર નવી પેઢીના નહીં, પણ જુની પેઢીના કેટલાક વ્યસનીઓની આદતો ઝડપભેર સુધરતી નથી, તે પણ નક્કર હકીકત જ છે. વ્યસન છોડવા માટે પોતાની જાત સાથે લડવું પડે છે અને સ્વયં સામે 'સત્યાગ્રહ' કરવો પડે છે, અને પૂરેપૂરી મક્કમતાથી જો આ લડત કરવામાં આવે, તો તેમાં શરૂઆતની થોડી કસોટી પછી સફળતા જરૂર મળતી હોય છે. કોંગ્રેસ ઉપરાંત હવે આમઆદમી પાર્ટીએ પણ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રેલીઓ કાઢીને આવેદનપત્રો પાઠવ્યા છે.
ઈન્ટરનેટ યુગના ફાયદા અને સિક્કાની બીજી બાજુ
બીજી તરફ ઈન્ટરનેટની સુવિધાઓ તથા મોબાઈલ સેલફોનના સંયોજને ઘણી જ હકારાત્મક જીવન ઉપયોગી અને જ્ઞાનવર્ધક સુવિધાઓ પૂરી પાડી છે અને જીવન તથા વ્યવસાય, શિક્ષણ, શાસન-પ્રશાસન તથા રોજગારના દરેક ક્ષેત્રે ડિજિટલ તથા ઈન્ટરનેટ આધારિત સેવાઓ, અદ્યતન કોલીંગ અને મેસેજીંગ સગવડો તથા ઓનલાઈન સિસ્ટમોના કારણે જિંદગી ઘણી જ સરળ બનતી હોય છે. બીજી બાજુ ગુનાખોરીના ક્ષેત્રે આ સંયોજનનો વ્યાપક દુરૂપયોગ પણ થઈ રહ્યો છે.
જો કે, આ અદ્યતન ટેકનોલોજીની સિક્કાની બીજી ભયાનક બાજુ દર્શાવતો એક રિપોર્ટ પણ પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલ સેલફોનની લત (આદત) લાગી જવાથી ૭૩ ટકા લોકો ડિજિટલ ગુલામ થઈ ગયા છે અને મોબાઈલ સેલફોનની આદત્ એટલી થઈ ગઈ છે કે, ઘણાં લોકો એ આદતના કારણે માનસિક રીતે બીમાર થવા લાગ્યા છે, અને તે બીમારીને ડિજિટલ ડિપેન્ડન્સી કહેવામાં આવે છે.
અભ્યાસના ચોંકાવનારા તારણો
એક સ્ટડીમાં મનોરોગના વિષય પર સર્વે કરતા એવા તારણો નીકળ્યા છે કે મોબાઈલ સેલફોનના સતત અને વધારે પડતા ઉપયોગના કારણે લોકો અજાણતા જ સાઈલન્ટ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આ સ્ટડી મુજબ જે લોકોનો સર્વે કરવામાં આવ્યો, તેના ૮૦ ટકા જેટલા લોકોમાં હળવું, પરંતુ કોન્સ્ટન્ટ (સતત) ડિપ્રેશન પણ જોવામાં આવ્યું હતું. આ સર્વે દરમિયાન એ પણ ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની બીમારીઓ કે ઓછા-વત્તા પ્રમાણમાં ડિપ્રેશન ધરાવતા લોકો એવરેજ દરરોજ સાત કલાક સ્ક્રીન પર વિતાવે છે. એટલે કે મોબાઈલ સેલફોન કે ઈન્ટરનેટથી જોડાયેલા ઈન્સ્ટ્રુમેન્ટ કે માધ્યમો સાથે વિતાવે છે, અને તેના કારણે તેઓ તેના વધુને વધુ હેબિટ્યુઅલ (વ્યસની) થતા જાય છે.
દારૂ-ડ્રગ્સ જેવો જ ખતરનાક નશો
આ વ્યસન એવા નવા નશામાં બદલી રહ્યું છે, જેની સરખામણી હવે શરાબ અને ડ્રગ્સના નશા સાથે થવા લાગી છે. કેટલાક લોકો એવું પણ માને છે કે, શરાબ, તમાકુ, અને ડ્રગ્સ કરતા યે વધુ ખતરનાક બની રહેલો આ નશો ઘણી જ પૂરક સમસ્યાઓ પણ ઊભી કરે છે. આ માધ્યમથી જ યુવાવર્ગનું બ્રેઈન વોશીંગ કરીને તેને ગુનાખોરી તરફ વાળવામાં આવે છે. આ પ્રકારના મોબાઈલ ફોન એડિક્ટ યુવાનોને નફરત તથા ઉશ્કેરાટના માર્ગે વાળીને ધર્મ-પ્રદેશ-ભાષા-જ્ઞાતિ કે રંગભેદના નામે રાષ્ટ્રવિરોધી કે સમાજ વિરોધી કૃત્યો માટે ઉશ્કેરવા સરળ હોવાથી ષડ્યંત્રકારીઓ આ નવા પ્રકારના નશાબાજોની શોધમાં રહે છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી મળી જતા હોય છે.
બાળપણથી બાળકોને મોબાઈલની આદત ન પાડો
મોબાઈલ સેલફોનની બાળપણથી જ બાળકોને આદત પાડનારા માતા-પિતા અને પરિવારે ચેતવા જેવું છે. આ અભ્યાસ મુજબ મોબાઈલની આદત પડી ગઈ હોય, તેવા લોકોને મોબાઈલ ન મળે ત્યારે તેને નોમોફોબિયા નામની બીમારી થઈ જાય છે. આ પ્રકારની બીમારીનો ભોગ બનેલા લોકો મોબાઈલમાં બેટરી ઉતરી જાય, નેટવર્ક ન મળે કે કોઈ કારણે મોબાઈલ ન મળે, ત્યારે હાંફળાફાંફળા થઈ જાય છે, અને અજબ-ગજબની હરકતો કરવા લાગે છે. આ પ્રકારના દર્દીઓને અનિદ્રા કે અલ્પનિદ્રાની બીમારી પણ થઈ જાય છે, જે શારીરિક ઉણપોનો પણ ભોગ બને છે. તણાવમાં વધારો અને વારંવાર ફોન ચેક કરવો કે કારણ વગરના ફોન અથવા મેસેજ કરતા રહેવા વિગેરે વર્તણૂકો પછી આ માનસિક બીમારી ક્રમશઃ વધતી જાય છે.એ પછી ડિપ્રેશન કરતા યે ખતરનાક સ્થિતિ ઊભી થાય છે. ડિપ્રેશનમાં ગયેલી વ્યક્તિને સારવાર, કાઉન્સિલીંગ અને મનોબળથી ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ મોબાઈલ અડિક્ટ થયેલા લોકોનું ડિપ્રેશન ઘણી વખત ખતરનાક કે જીવલેણ પણ બની શકે છે. આ અભ્યાસ મુજબ ૧૦ થી ૧પ વર્ષના વયજુથમાં આ પ્રકારની બીમારી વધુ જોવા મળી રહી છે. ડિજિટલ નોટિફિકેશન, મેસેજીંગ અને સતત વીડિયોઝ જોવા કે ઓનલાઈન ગેઈમ રમવી, અને સતત સ્ક્રીન જોતા રહેવું એ ખતરનાક બને છે અને ચીડિયાપણું, ગભરાટ, માનસિક તણાવ અને ગરદન, કરોડરજ્જુ તથા આંખો-મસ્તિસ્કને લઈને સેલ્ફ-કોન્ફીડન્સમાં થતો ઘટાડો માનસિક-શારીરિક હેલ્થ માટે ઘાતક બની શકે છે.
મોબાઈલ વળગાડથી છૂટવું કેમ?
આ આદતમાંથી છૂટવા મોબાઈલ ફોનનો બિનજરૂરી ઉપયોગ ટાળવો, દરરોજ મોબાઈલ વપરાશની સમયમર્યાદા નક્કી કરવી, બિનજરૂરી એપ્સ અનઈન્સ્ટોલ કરી દેવી, બિનજરૂરી મેસેજીંગથી દૂર રહેવું, સોશિયલ મીડિયાનો પોઝિટિવ હેતુઓ માટે જ લિમિટેડ ઉપયોગ કરવો અને અભ્યાસ, રીડીંગ, રાઈટીંગમાં મન વાળવું વિગેરે પ્રયોગો સફળતાપૂર્વક કરી શકાય છે.
મોબાઈલ એડિક્ટસની સંખ્યા હવે ઘણી જ વધી રહી છે. એ દિવસો દૂર નથી કે જેવી રીતે દારૂ-ડ્રગ્સના વ્યસનીઓ, અનિદ્રા કે ડિસ્ઓર્ડર બનેલા લોકોની સારવાર અને કાઉન્સિલીંગ માટે અદ્યતન સુવિધાઓ સાથેના ખાસ કેન્દ્રો અને તેની અલાયદી વ્યવસ્થાઓની જેમ જ મોબાઈલ એડિક્ટ્સ તમામ વયજુથના લોકોના ઉપચાર, કાઉન્સિલીંગ અને એજ્યુકેશન માટે અલાયદી વ્યવસ્થાઓ કરવી પડે. મનોચિકિત્સકોના નિષ્ણાતોમાં પણ મોબાઈલ એડિક્ટ્સ દર્દીઓ માટે અલાયદી વ્ય્વસ્થાઓ ઊભીકરવી પડી શકે છે.
જાગ્યા ત્યારથી સવાર
જાગ્યા ત્યારથી સવારની જેમ હજુ પણ જાગી જવાની જરૂર છે અને ખાસ કરીને બાળકો તથા કિશોર-યુવાવર્ગોએ બિનજરૂરી ઢબે મોબાઈલ સેલફોનનો ઉપયોગ કરતા અટકાવીને ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને મોબાઈલ સેલફોનના સકારાત્મક ઉપયોગ તરફ વાળવાની જરૂર છે, અને આ માટે પ્રત્યેક પરિવારો, સમાજ, સંસ્થાઓ અને શાસન-પ્રશાને ગંભીરતાથી સહિયારા ઉપાયો કરવા પડે તેમ છે. અત્યારે નહીં જાગીએ, તો પછી ઘણું મોડું થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial