
હાલારીઓમાં હરખ, છે, જામનગરીઓ 'જલસા'ના મૂડમાં છે અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થનગનાટ છે
દિવાળી અને લાભપાંચમ, તુલસી વિવાહ સહિતના તહેવારો સાથે દેવઉઠી એકાદશી આવી અને દેવદિવાળી ઉજવાયા પછી ફરીથી ઢોલ ઢબુકવા લાગ્યા, તથા લગ્નગાળો આવતા માર્કેટોમાં ફરીથી થોડી રોનક જોવા મળી. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આ વર્ષે એટલા બધા લગ્ન પ્રસંગો નોંધાયા છે કે જ્ઞાતિ-સમાજની વાડીઓ તથા હોટેલ્સ, ફાર્મ હાઉસ, વાડી પ્લોટ્સ, રિસોર્ટસ અને કોમ્યુનિટી હોલ્સ તથા ટાઉનહોલ્સ, ઓડિટોરિયમ્સ તથા ખુલ્લા પ્લોટો પણ બુક થઈ ગયા છે. હાલારીઓ હરખના હિલોળે ચડ્યા છે અને જામનગરીઓ 'જલસા'ના મૂડમાં આવી ગયા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં શુભ પ્રસંગોનો થનગનાટ જોવા મળી રહ્યો છે, અને સમગ્ર ગુજરાતમાં લગ્નસમારંભો ધમધમી રહ્યા છે. કેટલાક ગુજરાતીઓએ રાજસ્થાનના મહેલો, હિલ સ્ટેશન કે માયાનગરી મુંબઈમાં પણ લગ્નસમારંભો યોજ્યા છે. આ બદલાયેલા માહોલ વચ્ચે નવેમ્બરમાં આવતા કેટલાક મહત્ત્વપૂર્ણ દિવસોની ઉજવણીઓ થતા સોનામાં સુગંધ ભળી છે.
પૂ. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ
નવેમ્બરના પહેલા પખવાડિયામાં પ્રબોધિની એકાદશી અને દેવઊઠી એકાદશી, દેવદિવાળી, તુલસી વિવાહ અને સંકટ ચતુર્થી પછી કારતક વદ છઠ્ઠ અને ૧૦ મી નવેમ્બરે પૂ. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ હતી, જેમાં નિસ્પૃહ પ્રખર ભાગવતાચાર્ય પૂ. ડોંગરેજીની સ્મૃતિઓ તાજી થઈ, પૂ. ડોંગરેજી મહારાજે શરૂ કરેલા સેવાકાર્યો આજે પણ ધમધમી રહ્યા છે, અને મન હોય તો માળવે જવાય, ધન હોય તો જનસેવા અને માનવ કલ્યાણ, પ્રકૃતિ-ગૌસેવા તથા વિદ્યાદાનના કાર્ય થાય અને સ્વસ્થ તન હોય તો સૌને સહાયભૂત થવાય, તેવો સંદેશ પણ વહેતો થયો.
ગુરુનાનક જયંતી-કાલભૈરવ જયંતી
આપણે ઘણાં સ્થળે બટુક ભૈરવ, શાંત ભૈરવ, કાલ ભૈરવ વિગેરેની પ્રતિમાઓના દર્શન-પૂજન કરતા હોઈએ છીએ. તા. ૧ર મી નવેમ્બરે ભૈરવાષ્ટમી અને કાલાષ્ટમીની ઉજવણી થઈ, તે પહેલા પાંચમી નવેમ્બરે જામનગર સહિત રાજ્ય અને દેશ-વિદેશમાં ગુરુનાનક જયંતી પણ ઉજવાઈ હતી. બીજી દૃષ્ટિએ જોઈએ તો દેવદિવાળી અને ગુરુનાનક જયંતીનો સુ-ભગન સમન્વય પણ થયો હતો.
ગુરુનાનક દેવની આ પપ૬ મી જયંતી હતી. ગુરુદ્વારાઓમાં ભજન-કીર્તન, લંગર, અખંડ પાઠ, નગરકીર્તન, પ્રભાતફેરી, કીર્તનદરબાર વિગેરે કાર્યક્રમો યોજાયા હતાં. શિખોનું આ પર્વ હિન્દુ ધર્મના લોકો પણ સાર્વજનિક રીતે ઉજવે છે અને ગુરુનાનકના સમાનતાના સંદેશને વહેતો કરવામાં આવે છે.
બીજી દૃષ્ટિએ જોઈએ તો ગુરુનાનકદેવ મન હોય તો માળવે જવાય અને બધાને સમાન ગણાયનો સંદેશ આપે છે. તેઓએ કોઈપણ પ્રકારના ભેદભાવ કે અસમાનતાને નકારીને આજીવન અંધશ્રદ્ધા તથા ગેરમાન્યતાઓ સામે સંઘર્ષ કર્યો હતો. તેઓએ 'ઈશ્વર એક છે' (એક ઓમકાર) નો સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો અને ઈમાનદારી, કરૂણા, સમાનતાની શિખ આપી હતી, જે સમગ્ર શિખ સમુદાય માટે પરમ આદેશ ગણાય છે. ગુરુનાનકે સામાજિક બુરાઈઓ, કુપ્રથાઓ, અંધવિશ્વાસનો જ્ઞાતિ-જાતિવાદનો જોરદાર વિરોધ કર્યો હતો, જેથી તેઓને તત્કાલિન રૂઢીચૂસ્ત સાથે સામા પ્રવાહે ચાલીને સંઘર્ષની સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું, તેમ છતાં તેઓ દૃઢ મનોબળ સાથે મક્કમ રહ્યા હતાં.
આ તમામ તહેવારો-જયંતીઓની ઉજવણીઓ આપણા માટે હંમેશાં પથદર્શક રહે છે, અને દાયકાઓ પહેલા અપાયેલા ત્યાગ અને બલિદાનોની યાદ તાજી કરીને તેમાંથી કાંઈકને કાંઈક બોધપાઠ મેળવવાની તક પણ આપણને મળતી હોય છે. વિવિધ ધર્મ-સંપ્રદાયના પ્રત્યેક તહેવારો અને પ્રસંગો આપણને કાંઈક ને કાંઈક ઉપદેશ તો આપતા જ હોય છે, બસ, તેને સમજવા અને સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઈએ...
આ વર્ષે પાંચમી નવેમ્બરે કારતક સુદ પૂર્ણિમાના દિવસે દેવદિવાળીની ઉજવણી થઈ હતી. આપણે કારતક સુદ અગિયારસને દેવઊઠી એકાદશીને દેવોની દિવાળી ગણતા હોવાથી તે દિવસે પણ દેવદિવાળી સાથે તુલસીવિવાહનો પ્રસંગ ઉજવાય છે, જ્યારે આપણી દેવદિવાળી એટલે કે ભક્તો-શ્રદ્ધાળુઓની દેવદિવાળી કારતક સુદ પૂર્ણિમાના દિવસે મનાવાય છે, અને ભક્તો દેવઊઠી એકાદશી પછીના ચોથા દિવસે દેવોના વિશેષ પૂજન-અર્ચન કરતા હોવાનો મહિમા વર્ણવાય છે.
આપણે ભૈરવ મંદિરો વિષે બહુ જાણતા નથી, પરંતુ બટુક ભૈરવ, શાંત ભૈરવ, કાળ ભૈરવ વિગેરેના મંદિરો અથવા શિવમંદિરોના સંકુલોમાં પ્રસ્થાપિત કરેલી પ્રતિમાઓના દર્શન કરતા હોઈએ છીએ...
આ વર્ષે ૧ર મી નવેમ્બરે ભગવાન શિવજીના રૌદ્ર સ્વરૂપ સમા કાલભૈરવની જયંતી ઉજવી હતી. કાલભૈરવ જયંતીની ઉજવણી બૂરાઈઓ સામે અચ્છાઈઓના વિજ્યના પ્રતીક તરીકે પણ થાય છે. શિવજીના બાલ સ્વરૂપ બટુક ભૈરવની જયંતી આ વર્ષે પાંચમી જૂને મનાવાશે. આ વર્ષે ૧૬ મી ઓગસ્ટે પણ કાલભૈરવ અષ્ટમી ઉજવાશે, જેને ભાદ્રપદ કાલાષ્ટમી પણ કહેવાય છે. બટુક ભૈરવ એ શિવજીનું બાલ સ્વરૂપ છે. કાલભૈરવ એ શિવજીનું ઉગ્ર સ્વરૂપ છે અને શાંત ભૈરવ એટલે ભગવાન શિવજીનું શાંત સ્વરૂપ...
આ પહેલા વર્ષ ર૦રપ માં રર માર્ચ, અ૮ જૂન, ૧૬ ઓગસ્ટ, ૧૪ મી સપ્ટેમ્બર અને ૧૩ મી ઓક્ટોબરે થયેલી કાલાષ્ટમીની ઉજવણી ભગવાન શિવજીના વિશેષ સ્વરૂપનું મહાત્મય દર્શાવે છે.
નવેમ્બરમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય દિવસો
નવેમ્બરમાં ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણી પણ થઈ રહી છે. તા. પહેલી નવેમ્બરે વિશ્વ શાકાહારી દિવસ મનાવાયો, જેમાં ભારત સહિત વિશ્વના દેશોમાં શાકાહારનું મહત્ત્વ સમજાવાયું. તા. ૮ મી નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ મનાવાયો. ૧૧ મી નવેમ્બરે મૌલાના અબ્દુલ કલામના જન્મદિને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ ઘણાં સ્થળે મનાવાય છે. ૧૩ મી નવેમ્બરે વિશ્વ દયાળુ દિવસ, ૧૪ નવેમ્બરે રાષ્ટ્રીય બાલ દિવસ અને વિશ્વ મધુપ્રમેહ દિવસ, ૧પ મી નવેમ્બરે બિરસા મુંડા દિવસ, ૧૭ નવેમ્બરે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે, ૧૯ મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ અને ઈન્ટરનેશલ મેન ડે (આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ) મનાવાયો.
નવેમ્બરની રપ મી તારીખે દર વર્ષે મહિલાઓ પર હિંસા વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય છે, તો ર૬ મી નવેમ્બરે ભારતમાં બંધારણ દિવસ ઉજવાય છે, જેમાં ભારતના બંધારણના ઘડવૈયાઓને યાદ કરવામાં આવે છે. તા. ર૯ મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય એકજુથતા દિવસ મનાવાય છે. પહેલી નવેમ્બરે હરિયાણા, એમપી, આંધ્ર, છત્તીસગઢ, કેરળ તથા કર્ણાટકનો સ્થાપના દિવસ પણ ઉજવાઈ ગયો.
મહાપુરુષોની જયંતી-પુણ્યતિથિ
આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦ મી જયંતીની ઉજવણી નિમિત્તે વર્ષભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તે ઉપરાંત તા. ૧૭ મી નવેમ્બરે લાલા લજપતરાયની પુણ્યતિથિ ઉજવાઈ તથા તા. ૧૪ મી નવેમ્બરે નહેરૂ જયંતી ઉજવાઈ ગઈ. આદિવાસી વર્ગો જેને ભગવાન માને છે તેવા આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની ૧પ૦ મી જયંતી પણ ઉજવાઈ રહી છે.
તેગબહાદુરસિંહ શહીદી દિવસ
માનવાધિકારોના રક્ષણ તથા અત્યાચારોના વિરોધ માટે જીવનભર સંઘર્ષ કરનાર તેગબહાદુરસિંહજીનો ૩પ૦ મો શહીદી દિવસ ર૪ મી નવેમ્બર-ર૦રપ ના દિવસે ઉજવાયો. તેઓએ માનવ અધિકારોની રક્ષા તથા સ્વતંત્રતા માટે પોતાનો જીવ ન્યૌછાવર કરી દીધો હતો. ગુરુ તેગ બહાદુર સાહસ અને શૌર્યના પ્રતીક હતાં અને વર્ષ ૧૬૭પ માં ધર્મ, માનવતા અને માનવીય મૂલ્યો માટે શહીદી વહોરી લીધી હતી. તેઓને 'હિન્દની ચાદર'નું બહુમાન મળ્યું હતું. તેઓએ જીવનની અંતિમ ક્ષણોમાં પણ ધ્યાન અને શાંતિનો સંદેશ આપ્યો હતો. તેઓનું મૂળ નામ પણ ત્યાગમલ (તિયાગમલ) હતું. તેઓનો ઔરંગઝેબના આદેશથી શિરચ્છેદ કરાયો હતો, તે ઘટના ઘણી જ પ્રચલિત છે.
નવેમ્બર મહિનાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ
નવેમ્બર મહિનામાં ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બની છે અને ઈતિહાસના પાને લખાઈ છે, જેમાં ભારતમાં બનેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ પર સંક્ષિપ્ત દૃષ્ટિપાત કરીએ...
ચીન-ભારત યુદ્ધ
ભારત અને ચીન વચ્ચે યુદ્ધનો વિવાદ વધી જતા વર્ષ ૧૯૬ર ના નવેમ્બરમાં થયેલા યુદ્ધે આપણાં દેશની દિશા અને રાજનૈતિક તથા કુટનૈટિક સમીકરણો બદલી નાખ્યા હતાં.
ઓપરેશન બ્લૂસ્ટારની બુનિયાદ
વર્ષ ૧૯૮૪ મ નવેમ્બર મહિનામાં પંજાબમાં ભિંડરાણવાલેની ગતિવિધિઓ તબક્કાવાર આગળ વધ્યું હતું, જે ઓપરેશન બ્લૂ સ્ટારની બુનિયાદ બની હતી અને આ ઘટનાએ સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
મુંબઈનો આતંકી હુમલો
વર્ષ ર૦૦૮ ના નવેમ્બરમાં મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો, તેમણે આખા દેશને તો હચમચાવી નાખ્યો જ હતો, પરંતુ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી આતંકવાદી સામે આખો દેશ એકજુથ થઈ ગયો હતો.
ત્રણ કૃષિકાયદા સામે આંદોલન
વર્ષ ર૦ર૦ માં નવેમ્બર મહિનામાં કિસાનોને સંબંધિત ત્રણ નવા કાયદા સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેથી આખા દેશનું ધ્યાન ખેંચાયું હતું. ખેડૂતોની લાંબી લડત પછી આ ત્રણ વિવાદાસ્પદ કાયદા સરકારે પડતા મૂક્યા હતાં.
અનેક ઉપલબ્ધિઓ
આપણાં દેશે મેળવેલી અસંખ્ય ઉપલબ્ધિઓ તથા વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓએ આપણા દેશનું ગૌરવ વધાર્યું હતું, તેમાં નવેમ્બરમાં ખેલજગત, ઉદ્યોગજગત અને બંધારણીય સંસ્થાઓને સાંકળતી ઘણી ઘટનાઓનો સમાવેશ થાય છે, જે સ્થળ સંકોચના કારણે રજૂ થઈ શકી નથી, જેની ચર્ચા પછી ક્યારેક કરીશું.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial