Sensex

વિગતવાર સમાચાર

પાર્ટીલાઈનથી અલગ નિવેદનો અને તેના સૂચિતાર્થો...

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખતમ થઈ ગઈ છે, બંધારણીય સંસ્થાઓ હાઈજેક થઈ રહી છે અને જનવિરોધી નિર્ણયો લેવાઈ રહ્યા છે, એટલું જ નહીં, કેટલાક મુદ્દે વિપક્ષો તો ઠીક, સાથીદારપક્ષો કે સત્તા પર રહેલી પાર્ટીના નેતાઓને પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી, તે પ્રકારના આક્ષેપો કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં શાસન ચલાવી રહેલા નેતાઓ તથા પ્રાદેશિક હોદ્દેદારો પર થતા રહે છે અને રાજકીય પક્ષો તીખા-તમતમતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરતા રહે છે, તેમ છતાં કેટલીક વખત રાજનેતાઓ પાર્ટીલાઈનથી અલગ પ્રકારના નિવેદનો કરતા હોય છે, અને આઝાદી પછી આ સીલસીલો સતત ચાલતો રહ્યો છે, જ્યારે દુશ્મન દેશો સામેની લડત હોય, કે આતંકવાદ કે દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે પ્રહાર હોય, ત્યારે આ પ્રકારની એકજૂથતા પણ હંમેશાં આપણાં દેશે દેખાડી છે, અને તે જ આપણી તથા આપણાં લોકતંત્રની તાકાત છે. ઓપરેશન સિંદૂર પછી વિદેશોમાં ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ વિદેશમાં જે રીતે આપણાં દેશની ગરિમામય છબિ રજૂ કરી અને પાકિસ્તાનના પ્રપંચોને ખુલ્લા પાડયા, તેની પ્રશંસા પણ થઈ હતી અને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જે રીતે દેશભાવના દેખાડાઈ, તેથી પ્રત્યેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી.ં

જો કે, હમણાંથી પાર્ટીલાઈનથી અલગ થઈને અપાતા કેટલાક નિવેદનોના સૂચિતાર્થો કાંઈક અલગ જ પ્રકારના જણાઈ રહ્યા છે, અને "કહીં પે નિગાહેં, કહીં પે નિશાના" જેવા વ્યૂહાત્મક અથવા આંતરિક અસંતોષ કે બળાપો કાઢવા માટેના પ્રયાસો જેવા જણાય છે., અને ખાસ કરીને  ભારતીય જનતા પક્ષમાં ચાલતા આંતરિક ઘુંઘવાટ આ રીતે પ્રગટી રહ્યો હોય તેમ જણાય છે, જ્યારે કેટલાક નિવેદનો એવા હોય છે, જે પછેડીમાં પાંચશેરી વિંટીને ઘા કરવા જેવા હોય છે, તો કેટલાક નિવેદનો અડધા ભરેલા અને અડધા ખાલી ગ્લાસ જેવા દૃષ્ટિભેદથી પણ મુલવી શકાય તેવા "વચલા" અથવા ડબલ ઢોલકી જેવા હોય છે.

આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરાથી એકતા માર્ચ નીકળવાની છે. આ એકતા માર્ચમાં જોડાવા થોડા દિવસો પહેલા જ વડોદરાના ભાજપના સંસદસભ્ય ડો.હેમાંગ જોશીએ કોંગી નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલોએ ઘણી ચર્ચા જગાવી હતી. કેટલાક વિશ્લેષકોએ આ રીતે ડો. જોશીએ પોતાનો આંતરિક બળાપો ઠાલવીને પરોક્ષ અસંતોષ વ્યક્ત કર્યો હોવાનો અંદાજ લગાવ્યો, તો કેટલાક વિશ્લેષકોએ આને વિપક્ષના નેતાને સરદાર પટેલની ૧૫૦મી જયંતીની ઉજવણીમાં પાર્ટીલાઈનથી ઉપર ઉઠવાની શુદ્ધ બુદ્ધિની અપીલ ગણાવી. હકીકતે વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કથિત ગજગ્રાહના કારણે ડો. હેમાંગ જોશીના આ પત્ર ચર્ચાના ચાકડે ચડયો હોવાના તારણો નીકળ્યા.

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કર્યા પછી રાજ્યના પોલીસતંત્રે તેનો જવાબ આપ્યો અને આ વિવાદ વધુ વકર્યો. હવે તો નેતાઓના નિવેદનો પોલીસના પટ્ટા ઉતરાવવાથી પેન્ટ સુધી પહોંચી ગયા છે અને આ નિવેદનબાજીમાં ભાજપના નેતાઓએ ભૂતકાળમાં અન્ય મુદ્દે પોલીસતંત્ર માટે આપેલા આ જ પ્રકારના નિવેદનો તથા ભદૃા શબ્દપ્રયોગોના દૃષ્ટાંતો પણ ઉમેરાયા છે, ત્યારે દારૂ-ડ્રગ્સની બદી અને તેનાથી યુવાવર્ગની થતી બરબાદીનો મુદ્દો હાંસીયામાં ધકેલાઈ ગયો છે, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓએ પણ પોલીસતંત્ર અથવા કાયદો-વ્યવસ્થાના મુદ્દે એવા નિવેદનો કર્યા, જેને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને જિજ્ઞેશ મેવાણીના મૂળ મુદ્દાને સમર્થન આપનારા પણ ગણાવાયા, તેથી ક્ષોભજનક સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.

સુરતના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ સુરતના એક બ્રિજ નીચે ચાલતા ગોરખધંધા તરફ અંગૂલી નિર્દેશ કર્યો.

નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીના કાર્યક્ષેત્રમાં જ કાયદો-વ્યવસ્થા તથા દારૂ-ડ્રગ્સની બદી અંગે જિજ્ઞેશ મેવાણી જેવા જ થયેલા નિવેદનોએ એક તરફ રાજ્યની વાસ્તવિકતા ખુલ્લી પાડી, તો બીજી તરફ ભાજપના નવા-જુના નેતાઓ વચ્ચેનો સંભવિત ખટરાગ પણ બહાર આવ્યો. એવી અટકળો પણ થઈ છે કે પૂર્વમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી વચ્ચે બધું બરાબર નથી, અને તેથી જ પાર્ટી માટે બૂમરેંગ પૂરવાર થાય, તેવા નિવેદનો અપાઈ રહ્યા છે. એટલું જ નહીં, સુરતના બ્રિજ નીચે તત્કાળ "સાફસુફી" થઈ જતાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ બહાર આવ્યો હતો, તો પાર્ટીમાં "સાફસુફી"ની જરૂર હોવાની વાતો પણ થવા લાગી !

કોંગી નેતા પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહી દીધું કે ડ્રગ્સ-દારૂના માફિયાઓ સામે ગુજરાતમાં જન આંદોલન વેગ પકડી રહ્યું છે, અને રાજકીય ઈશારે નાચનારા અને બંધારણના (ખોટા) સોગંદ લેનારાઓની જોવા જેવી થશે. !

કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભરતભાઈ સોલંકીએ કરેલું એક નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કહે, તે કરી બતાવે છે, તેવું અર્થઘટન કાઢવામાં આવી રહ્યું છે. તેમણે બુદ્ધિમત્તાની વાત કર્યા પછી તેના ભિન્ન ભિન્ન સૂચિતાર્થો નીકળી રહ્યા છે.

કોંગ્રેસમાં પણ કર્ણાટકના શિવકુમાર એપિસોડ પછી હવે એક અન્ય દિગ્ગજ નેતાએ કોંગ્રેસનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીને સોંપવાની હિમાયત કરતા એવી ચર્ચા થઈ રહી છે કે આ નિવેદન ખડગેને ખસેડવા માટે અપાયું હશે કે રાહુલ ગાંઘીની ક્ષમતા પર પ્રહાર હશે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial